Explainer: સાંજના પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવાની તક આપતો ‘ડે-લાઇટ સેવિંગ ટાઇમ’ શું છે? ભારતમાં તેનો અમલ નથી કરાતો

Daylight Saving Time : ‘ડે-લાઇટ સેવિંગ ટાઇમ’ (DST) એ ‘પ્રકાશના સદુપયોગ’ની એક વાર્ષિક પ્રથા છે, જેમાં ઘણાં દેશો ઉનાળામાં સૂર્યાસ્ત મોડો થતો હોવાથી સાંજના પ્રકાશનો સદુપયોગ કરવા ઘડિયાળને એક કલાક આગળ કરે છે. આમ કરવાનો મૂળ હેતુ સાંજના કુદરતી પ્રકાશનો વધુ ઉપયોગ કરીને કૃત્રિમ પ્રકાશ માટેના ઊર્જાના ખર્ચમાં બચત કરવાનો છે. આ પદ્ધતિ મુખ્યત્વે ઉત્તર અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વના કેટલાક દેશોમાં જોવા મળે છે, જ્યાં ઋતુઓ અનુસાર દિવસના પ્રકાશની લંબાઈમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. જો કે, વિષુવવૃત્ત નજીકના પ્રદેશોમાં, જ્યાં દિવસની લંબાઈ આખું વર્ષ સરખી હોય છે, ત્યાં આવી કોઈ પ્રથા લાગુ પડતી નથી.
ડે-લાઇટ સેવિંગ ટાઇમ કેવી રીતે અમલમાં મૂકાય છે?
DST વર્ષમાં બે વાર અમલમાં મૂકાય છે. કઈ રીતે, તે સમજીએ.
1. સ્પ્રિંગ ફોરવર્ડઃ ‘સ્પ્રિંગ ફોરવર્ડ’ એટલે સમયને આગળ ખસેડવો. નામ પરથી ખબર પડે છે કે આ કામ ‘સ્પ્રિંગ’ એટલે કે વસંત ઋતુના અંતે (ઉનાળાની શરુઆતમાં) કરાય છે. નિર્ધારિત રવિવારની રાતે ઘડિયાળના કાંટાને એક કલાક આગળ કરાય છે. ઉદાહરણ તરીકે, જો રાતના 2 વાગ્યા હોય, તો તેને રાતના 3 કરી દેવાય છે, જેથી એ રાત એક કલાક ટૂંકી થઈ જાય છે.
2. ફૉલ બેકઃ ‘ફૉલ બેક’ એટલે સમયને પાછળ ખસેડવો. નામ પરથી ખબર પડે છે કે આ કામ ‘ફૉલ’ એટલે કે પાનખર ઋતુના અંતે (શિયાળાની શરુઆતમાં) કરાય છે. નિર્ધારિત રવિવારની રાતે ઘડિયાળના કાંટાને એક કલાક પાછળ ખસેડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો રાતના 2 વાગ્યા હોય, તો રાતના 1 કરી દેવાય છે, જેથી એ રાત એક કલાક લાંબી થઈ જાય છે.
વ્યવહારિક સ્તરે આવો સમય-બદલો કેવી રીતે થાય છે?
- આધુનિક ઉપકરણો: સ્માર્ટફોન, કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી જેવાં ઇન્ટરનેટ-કનેક્ટેડ ઉપકરણો સમયનો આવો ફેરફાર સ્વચાલિત રીતે કરી દે છે. તમારે કંઈ કરવાની જરૂર નથી પડતી.
- જૂના અને મિકેનિકલ ઉપકરણો: દીવાલ ઘડિયાળ, ઓવન અને માઇક્રોવેવ જેવાં ઉપકરણોની ઘડિયાળ મેન્યુઅલી એડજસ્ટ કરવી પડે છે.
- વાહનવ્યવહારના સાધનોઃ સમયમાં ફેરફાર કરાય એ દિવસે ટ્રેન અને વિમાનનું સમયપત્રક યોગ્ય રીતે બદલાય છે. નવા સમય મુજબ તેના શિડ્યુલ બને છે.
2025માં ડે-લાઇટ સેવિંગ ટાઇમ ક્યારે સમાપ્ત થાય છે?
વર્ષ 2025માં ડે-લાઇટ સેવિંગ ટાઇમ 2 નવેમ્બર, રવિવારના રોજ પૂરો થશે. આ પ્રથા અનુસાર એ દિવસે રાતે 2 વાગ્યે ઘડિયાળના કાંટાને એક કલાક પાછળ ખસેડાશે, જેથી સમય ફરીથી રાતના 1 વાગ્યાનો થઈ જશે. આમ કરવાથી જે-તે દેશ પ્રમાણભૂત સમય (Standard Time) પર પાછો ફરશે. આ વર્ષે ડે-લાઇટ સેવિંગનો સમયગાળો 9 માર્ચ, રવિવારની રાતે શરુ થયો હતો અને નવેમ્બરમાં તેનો અંત આવી રહ્યો છે.
ડે-લાઇટ સેવિંગ ટાઇમના ફાયદા શું છે?
1. ઊર્જા બચત
ડે-લાઇટ સેવિંગ ટાઇમનો સૌથી મોટો ફાયદો ઊર્જાની બચત છે. સાંજે એક કલાક વધુ પ્રકાશ રહેતા લોકો ઘરની અંદરની કૃત્રિમ લાઇટો જલ્દી ચાલુ નથી કરતા. આથી વીજળીની બચત થાય છે. જો કે, આધુનિક સમયમાં એર કન્ડિશનર અને અન્ય ઉપકરણોના વધુ ઉપયોગને કારણે આ બચત હવે ઓછી થઈ છે.
2. વ્યવસાય અને અર્થતંત્રને ફાયદો
સાંજે વધુ સમય સુધી કુદરતી પ્રકાશ રહેતો હોવાથી લોકો બહાર ફરવા, ખરીદી કરવા અને મનોરંજન પર પૈસા ખર્ચવા માટે વધુ પ્રેરિત થાય છે. શોપિંગ મૉલ્સ, રેસ્ટોરન્ટ્સ અને દુકાનોને વધુ ગ્રાહકો મળે છે. લોકો લાંબા સમય સુધી બહાર રહી શકતા હોવાથી આઉટડોર એક્ટિવિટીમાં વધારો થાય છે.
૩. વાહન અકસ્માતમાં ઘટાડો
કેટલાક અભ્યાસ દર્શાવે છે કે, સાંજના સમયે પ્રકાશ વધુ રહેતો હોવાથી રસ્તા પર વાહનચાલકો વધુ સારી રીતે જોઈ શકે છે, જેથી અકસ્માતોમાં ઘટાડો થાય છે.
4. સક્રિય જીવનશૈલી અને આરોગ્ય
સાંજે એક કલાક વધુ પ્રકાશ રહેતો હોવાથી લોકોને વૉક અને જોગિંગ પર જવા, કસરત કરવા માટે વધુ સમય મળે છે, જેને લીધે સ્વાસ્થ્ય સુધરે છે.
ડે-લાઇટ સેવિંગ ટાઇમની અસરકારકતા પર ઉઠતા સવાલ
ડે-લાઇટ સેવિંગ ટાઇમની શરુઆત પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇંધણ અને ઊર્જા સંસાધનોની બચત કરવા માટે કરવામાં આવી હતી. જોકે, આજના સમયમાં આ પ્રથા કેટલી અસરકારક છે તે વિશે વિવાદ ચાલુ છે. નિષ્ણાતોનો એક વર્ગ એમ કહે છે કે DSTના ફાયદા કરતાં નુકસાન વધારે છે. તેને લીધે લોકોની ઊંઘનું ચક્ર ખોરવાઈ જાય છે, જે વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જે છે. તેને અમલમાં મૂકવા માટેનો વહીવટી ખર્ચ પણ ભારે પડે છે. અમેરિકા જેવા દેશોમાં DSTનો અમલ ચાલુ રાખવા અથવા તેને સમાપ્ત કરવા બાબતે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચી શકાયું નથી.
ડે-લાઇટ સેવિંગ ટાઇમનો વિચાર પહેલીવાર ક્યારે અને કોને આવ્યો હતો?
ડે-લાઇટ સેવિંગ ટાઇમનો વિચાર 1907માં સૌથી પહેલા બ્રિટિશ બિલ્ડર વિલિયમ વિલેટને આવ્યો હતો. તેમણે સવારના સમયે વ્યર્થ જતા સૂર્યપ્રકાશને જોઈને પહેલીવાર ઘડિયાળના સમયમાં ફેરફાર કરવાની વ્યવહારુ યોજના રજૂ કરી હતી. ઘડિયાળને 20 મિનિટ આગળ-પાછળ કરવાના તેમના વિચારની શરુઆતમાં ખૂબ ટીકા થઈ હતી, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918)માં ઇંધણ અને કોલસાની ભારે અછત સર્જાઈ, ત્યારે આ વિચારને ગંભીરતાથી લેવામાં આવ્યો. 30 એપ્રિલ, 1916 ના રોજ જર્મન સામ્રાજ્યે સૌથી પહેલાં ડે-લાઇટ સેવિંગ ટાઇમ લાગુ કર્યો હતો, જેનું અન્ય દેશોએ પણ તાત્કાલિક અનુસરણ કર્યું હતું.
ભારતે પણ ડે-લાઇટ સેવિંગ ટાઇમ અમલમાં મૂક્યો હતો
ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું ત્યારે બીજા વિશ્વયુદ્ધ (1942-1945) દરમિયાન ઊર્જા બચાવવા આપણા દેશમાં ડે-લાઇટ સેવિંગ ટાઇમ અપનાવાયો હતો. જો કે, યુદ્ધ સમાપ્ત થયા પછી વિવિધ વહીવટી અને સામાજિક જટિલતાના કારણે આ પ્રથા જારી રખાઈ નહીં.
ભારતમાં ડે-લાઇટ સેવિંગ ટાઇમનો અમલ કેમ નથી કરાતો?
1. ભૌગોલિક સ્થિતિ
ડે-લાઇટ સેવિંગ ટાઇમનો સૌથી વધુ ફાયદો ઉચ્ચ અક્ષાંશો (High Latitudes) પર સ્થિત દેશોમાં થતો હોય છે, જ્યાં દિવસ અને રાતની લંબાઈમાં ઋતુઓ સાથે ભારે ફેરફાર થાય છે. ભારત નીચા અક્ષાંશો પર સ્થિત છે, જ્યાં આવા ફેરફાર ઓછી માત્રામાં થાય છે, તેથી ઘડિયાળનો સમય બદલવાથી મર્યાદિત ફાયદા થાય છે.
2. સિંગલ ટાઇમ ઝોન
પૂર્વથી પશ્ચિમ સુધી ભારત વિશાળ પથારો ધરાવતો હોવા છતાં, સમગ્ર દેશ માટે એક જ ટાઇમ ઝોન ‘ભારતીય પ્રમાણભૂત સમય’ (Indian Standard Time - IST) લાગુ છે, જે ગ્રીનિચ મીન ટાઇમ કરતાં સાડા પાંચ કલાક (UTC+5:30) આગળ છે. જો ભારતમાં ડે-લાઇટ સેવિંગ ટાઇમ લાગુ કરાય તો પૂર્વના રાજ્યો (જેમ કે, અરુણાચલ પ્રદેશ)માં સૂર્યોદય અત્યંત વહેલો થઈ જશે, એટલે ત્યાં દિવસ લાંબો મળશે, પરંતુ પશ્ચિમમાં (જેમ કે, ગુજરાત) તેનો ફાયદો ઓછો જણાશે.
3. ઊર્જા બચતમાં અનિશ્ચિતતા
વૈશ્વિક અભ્યાસો દર્શાવે છે કે આધુનિક જમાનામાં એર કન્ડિશનર અને અન્ય ઉપકરણોનો ઉપયોગ વધી ગયો હોવાથી હવે ડે-લાઇટ સેવિંગ ટાઇમથી ઊર્જા બચત ઘટી જાય છે અથવા શૂન્ય થઈ જાય છે.
4. સામાજિક અને વહીવટી જટિલતા
આમ કરવાથી દેશભરમાં ટ્રેન, વિમાન અને અન્ય સેવાઓના સમયપત્રકમાં ફેરફાર કરવો, શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યસ્થળો પર વિક્ષેપ પડવો અને સરહદ પારના વ્યવહારોમાં મૂંઝવણ સર્જાવી જેવી અનેક વહીવટી અને સામાજિક મુશ્કેલીઓ ઊભી થાય છે. આ બધી મુશ્કેલીઓનો પાર પાડવા માટેનો ખર્ચ સંભવિત લાભ કરતાં વધારે ગણાય છે.
ફક્ત ભારત જ નહીં, જાપાન, શ્રીલંકા, સાઉદી અરેબિયા, યુએઈ, દક્ષિણ કોરિયા, સિંગાપોર, વિયેતનામ જેવા દેશો તેમજ સમગ્ર આફ્રિકા, દક્ષિણ અમેરિકાના મોટા ભાગના દેશો અને ભારત કરતાં વધુ વિશાળ એવો ચીન પણ વહીવટી સમસ્યાઓને લીધે ડે-લાઇટ સેવિંગ ટાઇમનો અમલ નથી કરતા.