અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA ના ડેટાઝેબ પર સાયબર હુમલો થતાં ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CIA Cybar attack : અમેરિકન ગુપ્તચર એજન્સી CIA પર એક રહસ્યમય સાયબર હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. હેકર્સે એક એવી ગુપ્તચર સિસ્ટમમાં સેંધ લગાવી છે, જેમાં સોશિયલ મીડિયા, સેટેલાઈટ તસવીરો અને અન્ય જાહેર સ્ત્રોતોમાંથી એકત્ર કરાયેલી માહિતી સંગ્રહિત હતી.
ODNI પર પણ પડી અસર
ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સાયબર હુમલાની અસર ઓફિસ ઓફ ધ ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ (ODNI) પર પણ પડી છે. આ ઘટના બાદ અમેરિકાના ગુપ્તચર નેટવર્કની સુરક્ષાને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે. CIA ની આ સિસ્ટમનો ઉપયોગ વિશ્વભરમાં સંભવિત ખતરાઓ ઓળખવા અને મહત્વની માહિતી એકત્ર કરવા માટે થતો હતો.
હુમલાખોરો અને પદ્ધતિ હજુ અજ્ઞાત
આ સાયબર હુમલા પાછળ કોનો હાથ છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં પણ હેકર્સે સિસ્ટમમાં કઈ પદ્ધતિથી પ્રવેશ કર્યો તે અંગે કોઈ ખુલાસો કરાયો નથી.
અમેરિકન સંસ્થાઓ પર સાયબર હુમલાની હારમાળા
તાજેતરના સમયમાં અમેરિકામાં સાયબર હુમલા અને ટેકનિકલ ખામીઓની ઘટનાઓ વધી રહી છે, જેમાં આ ઘટનાને ગંભીર માનવામાં આવી રહી છે. અગાઉ અમેરિકન કૃષિ વિભાગમાં પણ સાયબર સેંધમારી થઈ હતી, જ્યારે FBI માં બે અલગ-અલગ સાયબર હુમલા સામે આવ્યા હતા.
આ ઉપરાંત પેન્ટાગોન અને અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગ પણ તાજેતરની સાયબર ઘટનાઓથી પ્રભાવિત થયા છે. થોડા દિવસો અગાઉ હેકર્સે FBI ના નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર (NCIC) ડેટાબેઝને નિશાન બનાવ્યો હતો, જેના માધ્યમથી ફેડરલ, સ્ટેટ અને રિજનલ કાયદાકીય એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે થાય છે. NCIC પર આ બીજો સાયબર હુમલો હતો.
માઈક્રોસોફ્ટની સેવાઓ પણ ખોરવાઈ હતી
આ ઘટનાઓ અગાઉ અમેરિકામાં માઈક્રોસોફ્ટને મોટા આઉટેજનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેની અનેક સેવાઓ 36 કલાક સુધી ઠપ રહી હતી. તે દરમિયાન યુઝર્સ આઉટલુક, ટીમ્સ અને અન્ય ઓફિસ એપ્સનો ઉપયોગ કરી શક્યા ન હતા.




