મિડલ ઈસ્ટમાં સંઘર્ષ: હુથીઓના મિસાઇલ હુમલામાં સાઉદીમાં 3ના મોત, જવાબમાં 80 એરસ્ટ્રાઇક!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saudi Arabia Airport Houthi Drone Missile Attack: સાઉદી અરેબિયાના બે ઍરપૉર્ટ પર હુથી વિદ્રોહીઓએ ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે, અને 36 લોકો ઘાયલ થયા છે. સાઉદી અરેબિયાની જનરલ ઑથોરિટી ઑફ સિવિલ એવિએશને(GACA) બુધવારે આ માહિતી આપી હતી. આભા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ અને રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટને 6 અને 7 ઑક્ટોબરે નિશાન બનાવવામાં આવ્યા હતા. હુથી વિદ્રોહીઓએ બંને હુમલાઓની જવાબદારી લીધી છે. બીજી તરફ, યમનમાં સાઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધને જણાવ્યું કે, તેમણે હુથીઓના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર જવાબી કાર્યવાહી કરી છે.
વિદેશી નાગરિકોએ હુમલામાં જીવ ગુમાવ્યો
આભા ઍરપૉર્ટ પર થયેલા હુમલામાં મોરોક્કો અને અલ્જીરિયાની બે મહિલા નાગરિકોના મોત થયા હતા, અને 28 લોકો ઘાયલ થયા હતા, જેમાં સાઉદી, બાંગ્લાદેશી અને ફિલિપાઇન્સના નાગરિકો સામેલ છે. કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એક સુદાની નાગરિકનું મોત થયું હતું, અને 8 લોકો ઘાયલ થયા હતા, જેમાં 5 સાઉદી નાગરિક, 2 ઇજિપ્તના નિવાસી અને એક પાકિસ્તાની નિવાસી સામેલ છે. GACA એ જણાવ્યું કે, તમામ ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, અને મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
અરામકો રિફાઇનરી પર હુમલાનો દાવો
હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ રબીગ સ્થિત વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરી અરામકો પર હુમલા સહિત સાઉદી અરેબિયામાં અનેક સ્થળોએ મિસાઇલ અને ડ્રોન હુમલા કરવાની જવાબદારી સ્વીકારી હતી. પ્રથમ હુમલામાં રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટને, બીજા હુમલામાં રબીગ સ્થિત અરામકો તેલ રિફાઇનરીને અને ત્રીજા હુમલામાં આભા ઍરપૉર્ટ, ખમિસ મુશૈત એરબેઝ અને અસીર પ્રદેશના અકીફા કેમ્પને નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સાઉદીએ યમનમાં મિસાઇલ લોન્ચિંગ સાઇટ નષ્ટ કરી
આ દરમિયાન સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને દાવો કર્યો હતો કે, તેમણે રિયાધ પર હુમલા માટે ઉપયોગમાં લેવાયેલા બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ પ્લેટફોર્મને યમનની રાજધાની સનામાં નષ્ટ કરી દીધું છે.
યમનમાં હુથીઓ સામે સૈન્ય અભિયાન ચાલુ
યમન સરકાર સાઉદી અરેબિયાના સમર્થનથી હુથી વિદ્રોહીઓ સામે સૈન્ય અભિયાન ચલાવી રહી છે. 5 ઑક્ટોબરે સાઉદી સમર્થિત યમન સેનાએ બાબ અલ-મંદેબ અને મોચા શહેર જેવા મહત્ત્વના વિસ્તારો પર ફરીથી કબજો મેળવવાનો દાવો કર્યો છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 270 થી વધુ સરકારી સૈનિકો અને હુથી લડવૈયાઓના મોત થયા છે.




