સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો
Iran-Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ ભીષણ બન્યું છે. ઈરાન પર અમેરિકાની એર સ્ટ્રાઈક બાદ તણાવ વધુ ચરમસીમા પર પહોંચી ગયો છે. ત્યારે હવે આ વચ્ચે એવી અટકળોએ જોર પકડ્યું છે કે, ઈરાન પોતાના નિયંત્રણ હેઠળના સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી શકે છે અને તેની તરફથી સતત આ ધમકીઓ આપવામાં આવી રહી છે, જે સમગ્ર વિશ્વ માટે મોટો ઝટકો છે. પરંતુ આ અંગે યુએસ પેન્ટાગોનના એક પૂર્વ અધિકારીએ મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે, 'આ ઈરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે અને ખાસ કરીને ચીન ઈરાનને હોર્મુઝ બંધ કરવા નહીં દેશે.'
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂબ જ ખાસ છે
એક અહેવાલ પ્રમાણે ભલે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી રહ્યું હોય, પરંતુ પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રુબિનનું કહેવું છે કે આ પગલું આત્મઘાતી હશે અને વોશિંગ્ટનથી લઈને બેઈજિંગ સુધી દરેક વ્યક્તિ આ સારી રીતે જાણે છે. વાસ્તવમાં ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકા-ઈઝરાયલની એર સ્ટ્રાઈક બાદ તણાવ વધવાની સાથે જ તેહરાને એક મોટી ચેતવણી જારી કરી છે, જેના હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ થોડા જ કલાકોમાં બંધ કરવામાં આવી શકે છે.
જોકે, લશ્કરી વિશ્લેષકો અને વ્યૂહાત્મક નિષ્ણાતો આ અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક સાંકડો દરિયાઈ ચોકપોઇન્ટ છે અને વ્યૂહાત્મક રીતે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ તેલ માર્ગોમાંનો એક છે, જેના દ્વારા દરરોજ લગભગ 20 મિલિયન બેરલ તેલ ટ્રાન્સપોર્ટ થાય છે.
આ પગલું ઈરાનની અર્થવ્યવસ્થા માટે જોખમી
માઈકલ રુબિનના મતે હોર્મુઝમાંથી પસાર થતા ક્રૂડ ઓઈલનો 44% હિસ્સો એશિયામાં જાય છે અને તેમાંથી મોટાભાગનું ચીન અને અમુક અંશે ભારતમાં પહોંચે છે. તેથી, થોડા સમય માટે વિક્ષેપ પડી શકે છે, પરંતુ તેનાથી આગળ અથવા લાંબા સમય સુધી આ બંધ રાખવું તે ખુદ ઈરાન માટે આત્મઘાતી પગલા જેવું હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાનની અર્થવ્યવસ્થા ઈંધણ પર નિર્ભર છે અને આનો અર્થ એ છે કે હોર્મુઝને બંધ કરવાથી તેના વિરોધીઓને નુકસાન થાય તે પહેલાં તેના પોતાના અર્થતંત્રને નુકસાન થશે. રુબિને વધુમાં કહ્યું કે તેની સેના અને અર્થવ્યવસ્થા ખતમ થઈ જશે.
ચીન ઈરાનને આ પગલું નહીં ભરવા દેશે
હવે ચાલો સમજાવીએ કે, ચીન ઈરાનને આટલું મોટું પગલું કેમ નહીં ભરવા દે? તો રુબિનના મતે ઈરાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને તેના તેલનો સૌથી મોટો ખરીદનાર ચીન આ સમીકરણમાં શાંત પણ શક્તિશાળી ભૂમિકા ભજવે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ રીતે બંધ કરવાથી ડ્રેગનની ઉર્જા સુરક્ષા ગંભીર રીતે સંકટમાં આવી જશે. આ સાથે જ Belt and Road પહેલ હેઠળ મુખ્ય સપ્લાય રૂટ્સ ખોરવાઈ જશે.
તમને જણાવી દઈએ કે, ચીને ઈરાની ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટુ રોકાણ કર્યું છે, જેમાં તાજેતરમાં જ શિયાનથી તેહરાન સુધી ચાલુ કરવામાં આવેલી માલગાડી જેવા રેલવે સંપર્ક સામેલ છે, જેનાથી વેપાર સંપર્કને મજબૂત બનાવી શકાય. આવી સ્થિતિમાં એક એવો ક્ષેત્રીય સંઘર્ષ જે તેલ પુરવઠો બંધ કરી દે અને લોજિસ્ટિક્સ ખોરવી નાખે તે ચીનના હિતમાં તો બિલકુલ નથી.
આ પણ વાંચો: ઈરાનનાં પરમાણુ સંસ્થાનો પર એરસ્ટ્રાઇક કર્યા પછી સમગ્ર અમેરિકામાં હાઈ-એલર્ટ
કહેવામાં અને કરવામાં મોટું અંતર
અન્ય એક વિશ્લેષકે કહ્યું કે, ભલે ચીન તેહરાનના નિવેદનોનો જાહેરમાં વિરોધ ન કરે પરંતુ તે પડદા પાછળ પોતાની આર્થિક શક્તિનો ઉપયોગ જરૂર કરશે. કારણ કે, જો હોર્મુઝમાં અવરોધ આવે તો ચીનને સૌથી વધુ નુકસાન થશે. જો કે, સાઉદી અરેબિયા અને યુએઈ તરફથી પાઈપલાઇન્સ સહિત વૈકલ્પિક સપ્લાય રૂટ્સ જે હોર્મુઝને બાયપાસ કરે છે, તે થોડી રાહત આપનારા સાબિત થઈ શકે છે, પરંતુ તેની ક્ષમતા મર્યાદિત છે.
તેમણે કહ્યું કે, તેહરાન તરફથી આ પ્રકારની તીખી ધમકીઓ છતાં, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવા માટે કહેવું જેટલું સરળ છે, કરવું એટલું જ મુશ્કેલ છે. ઈરાનને ફાયદો થવા કરતાં વધુ નુકસાન થશે અને ચીનની એનર્જી લાઈફલાઈન પણ સકંટમાં આવી જશે.