અમેરિકામાં ખતરનાક 'બાયો વેપન' સાથે પકડાઈ ચીનની મહિલા, ખેતીમાં વિનાશ સર્જવાનો પ્લાન?
US News: અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી FBIએ એક ચીની નાગરિકની ખતરનાક જૈવિક રોગકારક જીવાતની તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલી ચીની નાગરિકનું નામ યુનકિંગ જિયાન છે. તેના પર આરોપ છે કે, તે એક ખતરનાક જૈવિક રોગજન્ય (બાયોલોજિકલ પૈથોજન) જીવાતને તસ્કરી કરીને અમેરિકામાં લાવી હતી. ખુદ FBI પ્રમુખ કાશ પટેલે મંગળવારે (3 જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપી હતી.
પટેલે જણાવ્યું કે, જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે જિયાન યુનિવર્સિટી ઑફ મિશિગનમાં કામ કરી રહી હતી. તેના પર આરોપ છે કે, તેણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) પ્રતિ વફાદારી દર્શાવી છે. તેને ચીન સરકાર તરફથી આ ફંગસ પર કામ કરવા માટે ફન્ડિંગ પણ મળ્યું હતું. ચીની મહિલા પર જે પૈથોજનની તસ્કરીનો આરોપ છે તેને વૈજ્ઞાનિક દુનિયામાં 'સંભવિત કૃષિ આતંકવાદ હથિયાર'ના રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 5 ઈજાગ્રસ્ત, હુમલાખોરની શોધખોળ શરૂ
કયા ફંગસની કરાઈ તસ્કરી?
કાશ પટેલના જણાવ્યા અનુસાર, જિયાને 'ફ્યૂઝેરિયમ ગ્રેમિનેરમ' નામના ખતરનાક ફંગસને અમેરિકામાં લાવીને રિસર્ચ માટે ઉપયોગ કર્યો હતો. આ ફંગસ એક એગ્રો-ટેરેરિઝમ એજન્ટ માનવામાં આવે છે, જે ઘઉં, મકાઈ અને અનાજના પ્રમુખ પાકમાં હેડ બ્લાઇટ નામનો રોગ ફેલાવે છે. તે ન ફક્ત પાકને ભારે નુકસાન પહોંચાડે છે, પરંતુ માણસ અને જાનવરના સ્વાસ્થ્ય માટે પણ જોખમી માનવામાં આવે છે. આ ફંગસ દર વર્ષે દુનિયાભરમાં અબજો ડૉલરનું આર્થિક નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે.'
અન્ય એક આરોપી ઝડપાયો
તપાસ એજન્સીઓએ આ મામલે જિયાનના પ્રેમી જુનયોંગ લિયૂને પણ આરોપી બનાવ્યો છે, જે ચીનની એક યુનિવર્સિટીમાં કામ કરે છે. આરોપ છે કે, તે પહેલાં ખોટું બોલ્યો અને બાદમાં કબૂલ કર્યું કે, તે પણ આ ફંગસને ડેટ્રૉઇટ મેટ્રોપૉલિટન ઍરપોર્ટ દ્વારા અમેરિકામાં લાવ્યો હતો, જેથી યુનિવર્સિટી ઑફ મિશિગનમાં રિસર્ચ કરી શકે.
અનેક ગંભીર આરોપ, સંયુક્ત તપાસમાં થયો ખુલાસો
જિયાન અને લિયૂ બંને પર આ મામલે કાવતરું ઘડવું, અમેરિકામાં ગેરકાયદે વસ્તુઓની તસ્કરી કરવી, ખોટા નિવેદન આપવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ આખા મામલાની તપાસ FBI અને અમેરિકન કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શને સાથે મળીને કરી.
કાશ પટેલે કહ્યું કે, 'ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) સતત એવા એજન્ટ અને રિસર્ચર અમેરિકાની સંસ્થાઓમાં મોકલી રહી છે, જેનો હેતુ અમારા ખાદ્ય પુરવઠા વ્યવસ્થાને નિશાનો બનાવવાનો છે, આ અમેરિકાના નાગરિક અને અર્થવ્યવસ્થા માટે ગંભીર જોખમ છે.'
નોંધનીય છે કે, આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસને હાલમાં જ ચીની વિદ્યાર્થીઓના વીઝા પર પણ કડકાઈ લાદવાની જાહેરાત કરી છે.
કાશ પટેલની ચેતવણી
FBI નિર્દેશક કાશ પટેલે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના નિવેદનમાં આ મામલે અમેરિકાના ખાદ્ય પુરવઠા માટે ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ જણાવ્યું. તેમણે કહ્યું કે, 'આ મામલો એક ગંભીર ચેતવણી છે, કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સતત પોતાના જાસૂસ અને સંશોધકોને આપણી સંસ્થાઓમાં મોકલવા અને આપણા ખાદ્ય પુરવઠાને નિશાનો બનાવવા માટે તૈયાર કરી રહી છે, જે આપણી અર્થવ્યવસ્થાને ખોરવી શકે છે અને અમેરિકાના લોકોનો જીવને પણ જોખમ ઊભું કરી શકે છે. કૃષિ આતંકવાદ એજન્ટે અમેરિકામાં તસ્કરી કરવાને લઈને ન ફક્ત કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ, એક રાષ્ટ્રીય સુરક્ષાને પણ સીધું જોખમ છે. હું FBI ડેટ્રૉયટ ડિવિઝન અને અમારા સહયોગી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને આ જૈવિક જોખમનું વાસ્તવિક નુકસાન પહોંચતા પહેલાં રોકવા માટે શુભકામના પાઠવું છું.'
નોંધનીય છે કે, આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ટ્રમ્પ પ્રશાસને ચીની વિદ્યાર્થીઓના આક્રમક રૂપે વિઝા રદ કરવાની જાહેરાત કરી છે, વિશેષ રૂપે એવા લોકો માટે જે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા છે અને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઘટના વિદેશી નાગરિકો દ્વારા અમેરિકામાં સંશોધન કરવા સંબંધિત ચાલી રહેલી રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને વધારે છે.