World

Explainer: ટેરિફ વૉર વચ્ચે ચીનનો 'ચાઇનામેક્સિંગ' મંત્ર, સમજો APEC 2026માં શક્તિ પ્રદર્શનની ડ્રેગનની વ્યૂહનીતિ

By GS Team
18 Nov 20264 mins read
TukuTouch Logo
ચીનના હાઇ-ટેક શહેર શેનઝેનમાં 'APEC 2026' સમિટનું ભવ્ય આયોજન થયું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ સમિટ દ્વારા ચીનની ટેક્નોલોજીકલ અને આર્થિક સફળતાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરી, 'ચાઇનામેક્સિંગ'નો સંદેશ આપ્યો. આ સમિટમાં ડિજિટલ અર્થતંત્ર, AI, સપ્લાય ચેઇન કનેક્ટિવિટી અને મુક્ત વેપાર પર ભાર મૂકવામાં આવ્યો છે. જિનપિંગે વૈશ્વિક સ્તરે વધી રહેલા એકપક્ષીયવાદનો વિરોધ કરીને ચીનને વિશ્વસનીય વેપાર ભાગીદાર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ટેરિફ વૉર વચ્ચે ચીનનો 'ચાઇનામેક્સિંગ' મંત્ર, સમજો APEC 2026માં શક્તિ પ્રદર્શનની ડ્રેગનની વ્યૂહનીતિ

Chinamaxxing at APEC 2026 : ભવિષ્યના શહેર જેવું દેખાતું શેનઝેન હાલમાં નિયોન લાઈટ્સ અને રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યું છે. ચીનના આ હાઇ-ટેક શહેરમાં 'APEC 2026' સમિટનું શાનદાર આયોજન થઈ રહ્યું છે. એક સમયે સાધારણ વસ્તી ધરાવતો, કાદવ-કીચડવાળો વિસ્તાર આજે વિશ્વની સૌથી આધુનિક ટેક્નોલોજીનું કેન્દ્ર બની ગયો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સમિટ દ્વારા દુનિયાને એ બતાવવા માંગે છે કે ચીન માત્ર એક મોટું બજાર નથી, પરંતુ આધુનિક ટેક્નોલોજી અને વૈશ્વિક અર્થતંત્રનું પાવરહાઉસ પણ છે.

'ચાઇનામેક્સિંગ' એટલે શું?

આજના જમાનામાં જાતભાતના ઇન્ટરનેટ સ્લેંગ વાયરલ થતા રહે છે. 'Maxxing' એક એવો પ્રત્યય છે, જે લગાડીને અલગ-અલગ પ્રકારના નવા શબ્દો બનાવવામાં આવે છે. તેનો અર્થ થાય છે- કોઈ બાબતને ચરમસીમા સુધી લઈ જવી અથવા તેમાં સંપૂર્ણપણે ડૂબી જવું. ઉદાહરણ તરીકે, લુક્સમેક્સિંગ (Looksmaxxing), જેનો અર્થ પોતાના શારીરિક દેખાવ (Physical Appearance) ને શક્ય તેટલો વધુ આકર્ષક બનાવવો એવો થાય છે. એ પ્રમાણે જોઈએ તો 'ચાઇનામેક્સિંગ' (Chinamaxxing) નો અર્થ ‘ચીની જીવનશૈલી, સંસ્કૃતિ અને આદતોને સંપૂર્ણપણે અપનાવવી’ અથવા ‘શક્ય તેટલા ચીની બનવાનો પ્રયાસ કરવો’ એવો થાય છે.

વૈશ્વિક સ્તરે મુક્ત વેપારનો સંદેશ

18થી 19 નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલી 'APEC 2026' સમિટની થીમ ‘સાથે મળીને સમૃદ્ધ થવા માટે એશિયા-પેસિફિક સમુદાયનું નિર્માણ’ (Building an Asia-Pacific Community to Prosper Together) રાખવામાં આવી છે. ચીનના પ્રમુખ જિનપિંગનો હેતુ આ સમિટ દ્વારા દુનિયાને 'ચાઇનામેક્સિંગ'નો સંદેશ આપવાનો છે. એટલે કે, તેઓ ચીનની ટેક્નોલોજીકલ અને આર્થિક સફળતાઓને વિશ્વ સમક્ષ રજૂ કરવા માંગે છે. અમેરિકા ચીન પર વેપાર નિયંત્રણો લાદી રહ્યું છે, એવામાં કોઈનું નામ લીધા વિના ચીને વૈશ્વિક સ્તરે વધી રહેલા 'એકપક્ષીયવાદ અને સંરક્ષણવાદ' (Unilateralism and Protectionism) નો વિરોધ કર્યો છે. ચીન પોતાને એક એવા વિશ્વસનીય દેશ તરીકે રજૂ કરી રહ્યું છે, જે વૈશ્વિક વેપારના દરવાજા ખુલ્લા રાખવા માંગે છે.

વેપાર અને કનેક્ટિવિટી પર ભાર

આ સમિટ દ્વારા ડિજિટલ અર્થતંત્ર, AI, સપ્લાય ચેઇન કનેક્ટિવિટી અને મુક્ત વેપાર જેવા ક્ષેત્રોમાં નક્કર પરિણામો ઈચ્છે છે. જેમ કે…

  • વૈશ્વિક સ્તરે વધી રહેલા ટેરિફ વચ્ચે ચીને એશિયા-પેસિફિક મુક્ત વેપાર વિસ્તાર (FTAAP) ને આગળ વધારવા માટે ક્રોસ-બોર્ડર ઈ-કોમર્સ અને સ્માર્ટ કસ્ટમ્સ (Smart Customs) દ્વારા વેપાર સરળ બનાવવા પર ભાર મૂક્યો છે.
  • શેનઝેન અને 'ગ્રેટર બે એરિયા'ના ટેક્નોલોજી મોડેલને રજૂ કરીને ચીન પોતાને એક ખુલ્લા અને વિશ્વસનીય વેપાર ભાગીદાર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
  • દેશો વચ્ચે ડિજિટલ કૌશલ્ય વધારવા અને સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે સહિયારા નિયમો બનાવવાની વાત પણ ચીન દ્વારા કરવામાં આવી છે.
  • ડિજિટલ અર્થતંત્રની સાથે ચીન ગ્રીન અને લો-કાર્બન ટ્રાન્ઝિશન (સ્વચ્છ ઊર્જા, ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન ફાઇનાન્સ) માં પણ પ્રાદેશિક ભાગીદારી વધારવા માંગે છે, જેથી પર્યાવરણને અનુકૂળ આર્થિક વિકાસ થઈ શકે.

ચીનનો હાઇ-ટેક પાવર શો

પરિવહનથી લઈને આતિથ્યસત્કાર સુધીની બાબતોમાં ચીને આ સમિટનો ઉપયોગ હાઇ-ટેક શક્તિ પ્રદર્શન કરવા માટે કર્યો છે. અમેરિકા સાથે કટ્ટર ટેક્નોલોજીકલ સ્પર્ધા ચાલી રહી હોવાથી આ સમિટ દ્વારા ચીન વિશ્વ સમક્ષ પોતાની ‘હાઇ ટેક્નોલોજી’ અને એઆઈ ક્ષેત્રની આત્મનિર્ભરતા રજૂ કરવા માંગે છે.

  • કોફી પીરસતો રોબોટઃ APEC સમિટના મીડિયા સેન્ટરમાં કોફી બનાવવા અને પીરસવા માટે એઆઈ (AI) રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. ચીનના સત્તાવાર મીડિયા Xinhua અનુસાર, આ રોબોટ્સનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય પત્રકારો અને મહેમાનોને સ્માર્ટ સુવિધાઓ પૂરી પાડવાનો અને શેનઝેનની નવીનતા (innovation) દર્શાવવાનો છે. જોકે, નિષ્ણાતો આને ચીનના ટેક્નોલોજીકલ શક્તિ પ્રદર્શન (Soft Power અને Tech Diplomacy) તરીકે જોઈ રહ્યા છે.
  • ડ્રાઇવરલેસ ટેક્સી અને ઇલેક્ટ્રિક વાહનોઃ સમિટમાં મહેમાનોની અવરજવર માટે ચીનની અગ્રણી કંપની BYD ની લક્ઝરી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત, Baidu અને Pony.ai જેવી કંપનીઓની ઓટોનોમસ (ડ્રાઇવરલેસ) રોબોટેક્સીનું પણ ખાસ રૂટ પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
  • સુરક્ષા અને મનોરંજનમાં રોબોટિક્સઃ શેનઝેનના જાહેર સ્થળોએ સુરક્ષા પેટ્રોલિંગ માટે quadruped robots (ચાર પગવાળા રોબોટ ડોગ્સ) અને ડ્રોન્સ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત, પ્રવાસીઓ અને મહેમાનોના મનોરંજન માટે માર્શલ આર્ટ્સ કરતા હ્યુમનોઇડ રોબોટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સાથે જ, વિદેશી પ્રતિનિધિઓને ખાસ ‘ટેક ટૂર’ દ્વારા ચીનની અદ્યતન ટેક્નોલોજી કંપનીઓના હેડક્વાર્ટરની મુલાકાત પણ કરાવવામાં આવી રહી છે.

કડક સુરક્ષા અને આયોજન

શેનઝેનમાં ચાલી રહેલી આ સમિટ APEC ના ઇતિહાસમાં સૌથી કડક નિયંત્રણોવાળી સમિટ મનાય છે. વૈશ્વિક નેતાઓની મુલાકાતો માટે શેનઝેનના ટાઇગર સફારી પાર્ક પાસે આવેલા સ્ટેટ ગેસ્ટ હાઉસની પસંદગી કરાઈ છે. કેટલાક રાજદ્વારીઓએ એવી ફરિયાદ પણ કરી છે કે આ કડક ફોર્મેટ અગાઉની સમિટ્સની જેમ મુક્તપણે ચર્ચા કરવાના માહોલને મર્યાદિત કરવા માટે બનાવાયો હોય તેવું લાગે છે.

ટ્રમ્પ અને પુતિન સાથે ઐતિહાસિક બેઠક

આ સમિટનું સૌથી મોટું આકર્ષણ જિનપિંગ, ટ્રમ્પ અને પુતિન વચ્ચેની ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક છે. નિષ્ણાતો માને છે કે આ બેઠક મુખ્યત્વે પ્રતીકાત્મક હશે, જે ચીનને અમેરિકાની સમકક્ષ વિશ્વ વ્યવસ્થામાં એક મહાસત્તા તરીકે દર્શાવવા માટે છે. અમેરિકાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા તાજેતરમાં જ ચીનની એડવાન્સ AI ચિપ્સ (જેમ કે Nvidia) ની ઍક્સેસ પર વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાથી ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે. નિષ્ણાતોના મતે અગાઉ થયેલો વેપાર યુદ્ધવિરામ હવે લાંબો સમય ટકી રહે તેવી શક્યતા ઓછી છે.

સ્થાનિક લોકોમાં ગર્વની લાગણી

ચીનની શાસક સામ્યવાદી પાર્ટી માટે આ સમિટનો બીજો એક મોટો ઉદ્દેશ્ય પોતાના નાગરિકોને પ્રભાવિત કરવાનો છે. ગગનચુંબી ઇમારતો પરનો લાઈટ શો અને ચીનની વધતી નિકાસ ક્ષમતા સ્થાનિક લોકોમાં દેશભક્તિ અને ગર્વની લાગણી જન્માવી રહ્યા છે.