World

ડૉલરના બદલે ચીન સોનાથી ભરી રહ્યું છે તિજોરી, સપ્ટેમ્બરમાં ફરી ખરીદ્યું ₹29,418 કરોડનું અધધ ગોલ્ડ!

By GS Team
7 Oct 20265 mins read
TukuTouch Logo
ચીને સપ્ટેમ્બરમાં 29,418 કરોડ રૂપિયાનું 23 ટન સોનું ખરીદ્યું છે. ડ્રેગન સતત 23 મહિનાથી સોનું ખરીદી રહ્યું છે. આ જ મહિને ચીનનો વિદેશી મુદ્રા ભંડાર 38 અબજ ડૉલર ઘટ્યો છે. નિષ્ણાતોના મતે, ચીન ડૉલર પર નિર્ભરતા ઘટાડી, વૈશ્વિક તણાવ અને જોખમથી બચવા સોનું ખરીદી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડૉલરના બદલે ચીન સોનાથી ભરી રહ્યું છે તિજોરી, સપ્ટેમ્બરમાં ફરી ખરીદ્યું ₹29,418 કરોડનું અધધ ગોલ્ડ!

China Buys Gold Worth 29418 Crore In September: દુનિયા ડૉલરને સૌથી મોટો સહારો માને છે, પરંતુ ચીનની ચાલ કંઈક અલગ છે. ડ્રેગન સતત 23 મહિનાથી સોનું ખરીદી રહ્યું છે. સપ્ટેમ્બરમાં પણ આશરે 23 ટન સોનું ઉમેર્યું, જેની કિંમત લગભગ 29,418 કરોડ રૂપિયા થાય છે. ખાસ વાત એ છે કે, આ જ મહિનામાં ચીનનો વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) 38 અબજ ડૉલર ઘટી ગયો છે. ચીન શા માટે સોનાનું વજન વધારી રહ્યું છે અને શું તેની પાછળ કોઈ મોટો પ્લાન છે?

ચીનની 23 મહિનાથી સતત ખરીદી

દરેક દેશ પોતાની તિજોરીમાં ડૉલર જમા કરે છે, કારણ કે દરેક આંતરરાષ્ટ્રીય સોદો ડૉલરમાં કરવાનો હોય છે. ચીન પણ ડૉલર રાખે છે, પરંતુ છેલ્લા 23 મહિનાથી તે સતત સોનું ખરીદી રહ્યું છે. સપ્ટેમ્બરમાં પણ ચીને આશરે 23 ટન સોનું પોતાના રિઝર્વમાં ઉમેર્યું છે. જેની અંદાજિત કિંમત આશરે 29,418 કરોડ રૂપિયા થાય છે. ખાસ વાત એ છે કે, આ જ મહિનામાં ચીનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટી ગયો છે. એટલે કે એક તરફ ડૉલરવાળું રિઝર્વ નીચે આવ્યું અને બીજી તરફ સોનાની તિજોરી ફરી ભરાઈ ગઈ. નિષ્ણાતો કહી રહ્યા છે કે, ચીન ડૉલર કાઢીને સોનું ખરીદી રહ્યું છે, પણ કેમ? આખરે ચીનની આ ઊલટી ગંગા કેમ વહી રહી છે?

ચીને સતત વધાર્યુ ગોલ્ડ રિઝર્વ

અહેવાલો અનુસાર ચીનની સેન્ટ્રલ બેંક 'પીપલ્સ બૅંક ઑફ ચાઇના'(PBoC)ના આંકડા મુજબ, ઑગસ્ટના અંતમાં તેની પાસે 76.73 મિલિયન ફાઇન ટ્રોય ઓંસ સોનું હતું. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ આંકડો વધીને 77.47 મિલિયન ટ્રોય ઓંસ થઈ ગયો. એટલે કે એક મહિનામાં આશરે 7.40 લાખ ટ્રોય ઓંસ સોનું ઉમેરાયું. એક ટ્રોય ઓંસ આશરે 31.10 ગ્રામનું હોય છે. તેને કિલોમાં બદલીએ તો આશરે 23,017 કિલો, એટલે કે 23.02 ટન સોનું થાય. અને સૌથી ખાસ વાત એ છે કે, સપ્ટેમ્બરની આ ખરીદી સાથે ચીને સતત 23મા મહિને પોતાનું ગોલ્ડ રિઝર્વ વધાર્યું છે.

ચીન પાસે પહેલાથી કેટલું સોનું છે?

ચીનની તિજોરી પહેલાથી જ ભારે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચીન પાસે આશરે 2,409.59 ટન સોનું હતું. આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ તેની અંદાજિત કિંમત આશરે 30.80 લાખ કરોડ રૂપિયા થાય છે. એટલે કે ચીન દર મહિને થોડું-થોડું સોનું ઉમેરી રહ્યું છે, અને ઘણા મહિનાઓની આ નાની-નાની ખરીદી હવે એક મોટો ભંડાર બની ચૂકી છે.

જે મહિને ફોરેક્સ ઘટ્યું, એ જ મહિને સોનું વધ્યું

ઑગસ્ટના અંતમાં ચીનનો વિદેશી મુદ્રા ભંડાર 3.438 ટ્રિલિયન ડૉલર હતો. સપ્ટેમ્બરના અંત સુધીમાં તે ઘટીને 3.400 ટ્રિલિયન ડૉલર થઈ ગયો. એટલે કે એક મહિનામાં આશરે 38 અબજ ડૉલરનો ઘટાડો થયો. રૂપિયામાં સમજીએ તો 1 ડૉલરને 96 રૂપિયા ગણતાં આ આંકડો આશરે 3.65 લાખ કરોડ રૂપિયા થાય છે. બંનેને એક સાથે જુઓ, ફોરેક્સ રિઝર્વ આશરે 3.65 લાખ કરોડ રૂપિયા ઘટ્યું અને સોનાનું રિઝર્વ આશરે 29,418 કરોડ રૂપિયા વધ્યું. નિષ્ણાતો તો એવું પણ કહી રહ્યા છે કે ચીન ડૉલર કાઢીને સોનું ખરીદી રહ્યું છે.

ફોરેક્સ રિઝર્વ આશરે 38 અબજ ડૉલર ઘટ્યું

સપ્ટેમ્બરમાં ચીનના ગોલ્ડ રિઝર્વમાં વધેલા સોનાની કિંમત આશરે 3.06 અબજ ડૉલર થાય છે, જ્યારે ફોરેક્સ રિઝર્વ આશરે 38 અબજ ડૉલર ઘટ્યું છે. એટલે કે ફોરેક્સમાં જેટલો ઘટાડો આવ્યો, તેનો પૂરો પૈસો સોનું ખરીદવામાં નથી ગયો. કારણ કે વિદેશી મુદ્રા ભંડારની કિંમત ફક્ત એ વાત પરથી નથી બદલાતી કે કોઈ દેશે કેટલા ડૉલર ખરીદ્યા કે વેચ્યા. તેમાં રાખેલી અલગ-અલગ કરન્સી અને અન્ય સંપત્તિઓના ભાવ પણ ઉપર-નીચે થતાં હોય છે. ડૉલર મજબૂત થવા પર પણ બીજા એસેટ્સની ડૉલરમાં કિંમત બદલાઈ શકે છે. તેથી ચીનના ફોરેક્સ રિઝર્વમાં 38 અબજ ડૉલરના ઘટાડાને સીધો સોનાની ખરીદી સાથે જોડવો ખોટો ગણાશે.

તો પછી સોનું જ કેમ, અન્ય કરન્સી કેમ નહીં?

ડૉલર પર પૂરો ભરોસો નહીં: ચીન પોતાના તમામ પૈસા અને વિદેશી ભંડારને ફક્ત ડૉલરમાં રાખવા નથી માંગતું. જો ડૉલર નબળો પડે કે અમેરિકા સાથે તણાવ વધે તો જોખમ થઈ શકે છે. તેથી ચીન ધીમે-ધીમે સોનાનો હિસ્સો વધારી રહ્યું છે.

તમામ પૈસા એક જગ્યાએ ન રાખવા: જેમ સામાન્ય માણસ પોતાની તમામ બચત એક જ જગ્યાએ નથી રાખતો, તેમ દેશ પણ પોતાના પૈસા અલગ-અલગ જગ્યાએ રાખે છે. ચીન ડૉલર, બીજી કરન્સી અને સોનામાં પૈસા વહેંચીને જોખમ ઓછું કરવા માંગે છે.

અમેરિકા સાથે તણાવ મોટું કારણ: અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તથા અન્ય મુદ્દાઓ પર લાંબા સમયથી તણાવ છે. આવા માહોલમાં ચીન માટે સોનું એક સુરક્ષિત રિઝર્વ માનવામાં આવે છે, કારણ કે આના માટે કોઈ બીજા દેશની બૅંક કે સરકાર પર નિર્ભર રહેવું પડતું નથી.

મુશ્કેલીના સમયે સોનું કામ આવે છે: સોનાને દુનિયાભરમાં એવું એસેટ માનવામાં આવે છે, જેને સંકટના સમયે પણ સરળતાથી મહત્ત્વ મળે છે. કરન્સી કે બજારમાં મોટી હલચલ થાય તો સોનું સુરક્ષા આપી શકે છે. તેથી ચીન રિઝર્વમાં તેનું પ્રમાણ વધારી રહ્યું છે.

આ એક મહિનાનો નિર્ણય નથી: ચીન સપ્ટેમ્બરમાં જ સોનું ખરીદવા નથી નીકળ્યું. તેનું ગોલ્ડ રિઝર્વ સતત 23 મહિનાથી વધી રહ્યું છે. એટલે કે આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી, પરંતુ ચીનની લાંબા ગાળાની બચત અને રિઝર્વ વધારવાની રણનીતિનો એક ભાગ છે.

ભારત માટે પણ કેમ જરૂરી છે ચીનનું સોનું?

ભારત દુનિયાના મોટા ગોલ્ડ માર્કેટ્સમાંથી એક છે. અહીં સોનું માત્ર રોકાણ નહીં, પરંતુ દાગીના અને લગ્નપ્રસંગોથી લઈને બચત સુધીનો ભાગ છે. એવામાં ચીન જેવો મોટો દેશ જો સતત સેન્ટ્રલ બૅંક દ્વારા સોનું ખરીદતો રહે, તો વૈશ્વિક માંગને ટેકો મળે છે. માંગ વધવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો પર દબાણ બની શકે છે. પરંતુ સોનાનો ભાવ માત્ર ચીન નક્કી નથી કરતું. ડૉલરની ચાલ, અમેરિકી વ્યાજ દર, દુનિયામાં તણાવ, રોકાણકારોની માંગ અને બીજી સેન્ટ્રલ બૅંકોની ખરીદી પણ કિંમતને પ્રભાવિત કરે છે.