World

બ્રહ્મપુત્રા નદી પર ચીન બનાવી રહ્યું છે મેગા ડેમ, પોતાના જ વૈજ્ઞાનિકોએ ગણાવી સૌથી મોટી ભૂલ

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
ચીન બ્રહ્મપુત્રા નદી પર તિબેટમાં 167.8 બિલિયન ડોલરનો મેગા ડેમ બનાવી રહ્યું છે. જોકે, ચીનના જ ભૂવૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, ડેમ પાસે સક્રિય 'પાઇજેન ફોલ્ટ લાઇન' આવેલી છે. સ્ટડી મુજબ, ઇન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના ટકરાવને કારણે આ વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ છે. ભવિષ્યમાં મોટો ભૂકંપ આવે તો ડેમ ધરાશાયી થવાનું જોખમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રહ્મપુત્રા નદી પર ચીન બનાવી રહ્યું છે મેગા ડેમ, પોતાના જ વૈજ્ઞાનિકોએ ગણાવી સૌથી મોટી ભૂલ

China Brahmaputra Mega Dam Facing Earthquake Risk : ચીન જે મેગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યું છે, તેને લઈને એક નવી રિસર્ચ સ્ટડી સામે આવતા ચિંતા વધી ગઈ છે. ચીનના જ ભૂવૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ડેમ એવા વિસ્તારમાં બની રહ્યો છે, જ્યાં ધરતીની અંદર એક સક્રિય ફોલ્ટ લાઇન (Paizhen Fault) આવેલી છે. જો ભવિષ્યમાં અહીં મોટો ભૂકંપ આવશે, તો આ મેગા ડેમ અને તેની સાથે જોડાયેલી અન્ય મોટી સંરચનાઓ ધરાશાયી થઈ શકે છે.

તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર ચીન વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. ચીને જુલાઈ 2025 માં 167.8 બિલિયન ડોલરની ભારે ભરખમ કિંમતે આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. આ ડેમ તિબેટના એવા વિસ્તારમાં બની રહ્યો છે, જ્યાંથી બ્રહ્મપુત્રા નદી હિમાલયની ઊંડી ખીણોમાંથી પસાર થઈને ભારતના અરૂણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. ચીનનો દાવો છે કે, આ પ્રોજેક્ટથી દર વર્ષે 300 બિલિયન કિલોવોટ-અવર્સ (300 Billion Kilowatt-Hours (kWh) કરતાં વધુ વીજળી ઉત્પન્ન થશે, જે અંદાજે 30 કરોડ લોકોની એક વર્ષની વીજળીની જરૂરિયાત પૂરી કરી શકે છે.

શું કહે છે નવી રિસર્ચ સ્ટડી?

ચેંગદુ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી અને ચાઇના જીઓલોજિકલ સર્વેના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલો આ સ્ટડી ચાઈનીઝ જર્નલમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટ અનુસાર, ડેમ નજીક આવેલી પાઇજેન ફોલ્ટ લાઇન લાંબા સમયથી એક્ટિવ છે. અહીં ઇન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અંદરોઅંદર ટકરાતી હોવાથી આ વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ છે. સ્ટડીમાં વર્ષ 2017માં તિબેટના મિલિન વિસ્તારમાં આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપનો પણ ઉલ્લેખ કરાયો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, પ્લેટોની સતત હલચલને કારણે આસપાસના પહાડો નબળા પડી ગયા છે, જેનાથી ડેમ, ટનલ અને બ્રિજના પાયા નબળા પડી શકે છે, અને ભારે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ)નું જોખમ વધી શકે છે.

ચીનનો બચાવ

બીજી તરફ ચીન આ તમામ ચિંતાઓને ફગાવી રહ્યું છે. ચીનનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ સૌથી ઉચ્ચ એન્જિનિયરિંગ માપદંડોને આધારે તૈયાર થઈ રહ્યો છે, અને તેનાથી ભારત કે બાંગ્લાદેશ જેવા નીચલા પ્રવાહ વાળા દેશો પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. જોકે, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ સલાહ આપી છે કે, ભૂકંપ અને ભૂસ્ખલનના જોખમને ટાળવા માટે અહીં વધારાના સુરક્ષા પગલાં લેવા અત્યંત અનિવાર્ય છે.