Get The App

ગલવાનમાં ભારત સાથે ઘર્ષણ સમયે ચીને પરમાણુ પરિક્ષણ કર્યું હતું

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
ગલવાનમાં ભારત સાથે ઘર્ષણ સમયે ચીને પરમાણુ પરિક્ષણ કર્યું હતું 1 - image

- વિશ્વભરમાં કોરોના ફેલાવ્યો એ જ સમયે ચીન પરમાણુ હથિયારો વધારી રહ્યું હતું

- લદ્દાખની ગલવાન ઘાટી પાસે મોટી સંખ્યામાં સૈનિકો ખડકીને સરહદ નજીક જ આ પરિક્ષણને ચીને અંજામ આપ્યો હતો 

- વિશ્વભરની એજન્સીઓને અંધારામાં રાખીને ચીને જૂન 2020માં મોટો પરમાણુ ધડાકો કર્યો હતો : અમેરિકાનો ઘટસ્ફોટ 

વોશિંગ્ટન : લદ્દાખ પાસે ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે જૂન ૨૦૨૦માં લોહિયાળ ઘર્ષણ થયું હતું. જેના થોડા દિવસ બાદ જ ચીન દ્વારા પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હોવાનો મોટો ખુલાસો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે. એક તરફ કોરોના મહામારી હતી અને વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે બીજી તરફ આ જ કોરોનાને વિશ્વમાં ફેલાવનારા ચીને આ સમયે જ ગુપ્ત રીતે પરમાણુ બોમ્બનું પરિક્ષણ કરી લીધુ હતું. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ટક્કર આપી હતી જેના એક સપ્તાહ બાદ ચીન દ્વારા કરાયેલા આ પરમાણુ પરિક્ષણે અનેક સવાલો ઉભા કર્યા છે.  

૧૫ જૂન ૨૦૨૦ના રોજ લદ્દાખમાં ગલવાન ઘાટી પાસે ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, આ ઘર્ષણમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા હતા જોકે ભારતીય સૈનિકોએ ચીનના પણ ૩૦થી વધુ સૈનિકોનું ઢીમ ઢાળી દીધુ હતું. જે બાદ ચીન કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતું કે કેમ તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. કેમ કે ચીને ગલવાન ઘાટીમાં થયેલી આ લોહિયાળ ઘર્ષણના એક સપ્તાહ બાદ ગુપ્ત રીતે પરમાણુ બોમ્બનું પરિક્ષણ કર્યું હતું. આ ખુલાસો અમેરિકાના અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ થોમસ ડિનૈનોએ કર્યો છે. એવા અહેવાલો છે કે આ પરમાણુ પરિક્ષણ પણ બહુ દૂર નહીં પણ ભારત-ચીન સરહદ નજીક કરવામાં આવ્યું હતું.  

અમેરિકાના અન્ડર સેક્રેટરી થોમસે આ ઘટસ્ફોટ સંયુક્ત રાષ્ટ્રના નિરસ્ત્રીકરણ સમ્મેલન દરમિયાન કર્યો છે. તાજેતરમાં જ બે મહાસત્તા ગણાતા અમેરિકા અને રશિયા વચ્ચેની અંતિમ પરમાણુ હથિયાર સંધિ પાંચ ફેબુ્રઆરીના રોજ પુરી થઇ ગઇ છે, હવે જ્યારે રશિયા સાથે આ સંધિ ફરી થશે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનનો પણ તેમાં સમાવેશ કરવા દબાણ કરી શકે છે. જિનેવામાં થોમસે વધુમાં કહ્યું હતું કે વૈશ્વિક એજન્સીઓના ધ્યાન બહાર જ અત્યંત ગુપ્ત રીતે ચીને આ પરમાણુ બોમ્બ પરિક્ષણને અંજામ આપ્યો છે. ચીન દ્વારા ગુપ્ત રીતે કરવામાં આવી રહેલા આવા પરમાણુ પરિક્ષણો ભારત માટે ખતરા સમાન માનવામાં આવે જે સાથે તેના વૈશ્વિક સ્તરે પણ ઘાતક પરિણામો આવી શકે છે. 

વળી આ પરમાણુ પરિક્ષણની તારીખ એટલા માટે મહત્વની માનવામાં આવે છે કેમ કે ચીને ભારત સાથે ગલવાનમાં ઘર્ષણના એક સપ્તાહ બાદ જ આ પરિક્ષણ કર્યું હતું. ચીને સત્તાવાર રીતે ક્યારેય પણ ગલવાન જંગમાં પોતાના કેટલા સૈનિકો માર્યા ગયા તેનો આંકડો જાહેર નથી કર્યો પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ભારતના સૈનિકો શહીદ થયા તેના કરતા વધુ ચીનના સૈનિકો માર્યા ગયા હતા. અમેરિકાએ ચીનના આ પરમાણુ પરિક્ષણને સીધી રીતે ભારત-ચીન સરહદ વિવાદ સાથે નથી જોડયું પરંતુ જે સમયે આ પરિક્ષણ થયું તેને અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. લદ્દાખ પાસે ગલવાન ઘાટીવાળા સરહદી વિસ્તારમાં આ ઘટના બાદ ભારત અને ચીન બન્ને દેશોના સૈન્યએ બહુ જ મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દીધા હતા. આ વિસ્તારમાં ૨૦૨૪ સુધી અશાંતિભર્યો માહોલ હતો જોકે બાદમાં બન્ને દેશોએ સૈનિકોને પરત લેવા સંમતિ વ્યક્ત કરી હતી. એક તરફ ભારતીય સરહદે સૈનિકોની તૈનાતી અને બીજી તરફ ગુપ્ત રીતે પરમાણુ પરિક્ષણ ચીનના ઇરાદા પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.