Get The App

BRI હેઠળ ચીને 75 ગરીબ દેશોને લોન આપીને દેવાની જાળમાં ફસાવ્યા, હવે અબજો ડોલર પરત કરવાનું કરી રહ્યું છે દબાણ

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
BRI હેઠળ ચીને 75 ગરીબ દેશોને લોન આપીને દેવાની જાળમાં ફસાવ્યા, હવે અબજો ડોલર પરત કરવાનું કરી રહ્યું છે દબાણ 1 - image


China has trapped 75 poor countries in debt by giving loans: ચીન ગરીબ દેશોને કેવી રીતે લોન આપીને તેની જાળમાં ફસાવે છે, તેનું તાજેતરમાં જ એક ઉદાહરણ સામે આવ્યું છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ચીને ગરીબ અને કમજોર દેશોને એટલી લોન આપી છે કે, હવે લોન ચૂકવવા માટે દબાણ કરી રહ્યું છે. વિશ્વના 75 સૌથી ગરીબ દેશો ચીનના દેવામાં ડુબી ગયા છે અને તેમણે આ વર્ષે ચીનને લોનના હપ્તા તરીકે $22 બિલિયન ચૂકવવાના છે.

આ પણ વાંચો: VIDEO : ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ, 5ના મોત, 19ને ઈજા, આસપાસની અનેક બિલ્ડિંગોને નુકસાન

ઓસ્ટ્રેલિયન વિદેશ નીતિ થિંકટેન્ક  Lowy ઇન્સ્ટિટ્યૂટે મંગળવારે એક વિશ્લેષણ પ્રકાશિત કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે 75 ગરીબ દેશોએ ચીનને રેકોર્ડ દેવાની રકમ ચુકવવાની છે. લોવીની ગણતરી પ્રમાણે ચીને વિશ્વના 75 સૌથી ગરીબ દેશોને 35 અરબ ડોલરની લોન આપી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'વર્તમાનમાં અને આવનારા દાયકામાં ચીન વિકાસશીલ દેશો માટે બેંકર કરતાં વધુ કર વસુલવાનું છે.' ગરીબ દેશો પાસેથી મોટા પ્રમાણમાં ઊંચા વ્યાજ સાથે ચીની લોન ચૂકવવાનું દબાણ આરોગ્ય, શિક્ષણ અને આબોહવા પરિવર્તન જેવા ક્ષેત્રોમાં તેમના ખર્ચને પણ અસર કરી રહ્યું છે અને આ દેશો લોન ચૂકવવાના દબાણ હેઠળ જરુરી મુદ્દાઓ પર ફોક્સ નથી કરી શકતા. 

બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા ગરીબ દેશોને ફસાવી રહ્યું છે ચીન

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, BRI' હેઠળ આ લોન 75 ગરીબ દેશોને આપવામાં આવી હતી. જે અંતર્ગત ચીન ગરીબ અને વિકાસશીલ દેશોને શાળાઓ, પુલ અને હોસ્પિટલો તેમજ રસ્તાઓ, શિપિંગ અને એરપોર્ટના નિર્માણ માટે મોટી લોન આપી રહ્યું છે. ચીન ગરીબ દેશોને ઊંચા વ્યાજ દરે નાણાં આપીને દેવાની જાળમાં ફસાવી રહ્યું છે અને પછી ત્યાં તેની વ્યૂહાત્મક હાજરીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આજે વિશ્વનો સૌથી મોટો ધિરાણકર્તા દેશ 

લોન આપવાની સ્પર્ધાને કારણે ચીન આજે વિશ્વનો સૌથી મોટો ધિરાણકર્તા બની ગયો છે. 2016 માં ચીનનું કુલ દેવું વધીને $50 બિલિયનથી વધુ થઈ ગયું હતું. જે બધા પશ્ચિમી ધિરાણકર્તાઓના કુલ દેવું કરતાં વધુ છે. લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગયા મહિને કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે, સ્થાનિક ઉર્જા ક્ષેત્રમાં ભારે રોકાણને કારણે લાઓસ ગંભીર દેવા સંકટનો સામનો કરી રહ્યું છે. ચીને તેને મોટી લોન આપી અને લાઓસે વિચાર્યા વિના સ્થાનિક ઊર્જામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું. હવે તે દેવાના બોજામાં દબાઈ ગયો છે.

જોકે, ચીનની સરકાર આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, અમે જાણી જોઈને કોઈપણ દેશને દેવાની જાળમાં ફસાવી રહી નથી. ઘણા દેશો એમ પણ કહે છે કે, જ્યારે બધા દેશોએ તેમને લોન આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે માત્ર ચીને જ લોન આપી હતી. પરંતુ લોવીના અહેવાલ મુજબ, ચીન આ દેવાનો ઉપયોગ તેના રાજકીય ફાયદા માટે કરી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશી સહાયમાં ભારે ઘટાડો કર્યો હોવાથી પણ આ વાત કહેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: VIDEO : ટ્રમ્પની ખતરનાક ‘ગોલ્ડન ડોમ’ યોજનાથી ચીન-રશિયા-ઉત્તર કોરિયા ફફડ્યા, કહ્યું- ‘અવકાશમાં પરમાણુ યુદ્ધનો ખતરો’

દેવું વસૂલવા માટે ચીન પર સ્થાનિક દબાણ

ચીને પાકિસ્તાન, કઝાકિસ્તાન, લાઓસ અને મંગોલિયા સહિત કેટલાક વ્યૂહાત્મક ભાગીદારોને ભારે લોન આપી છે. ચીન આર્જેન્ટિના, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા મહત્ત્વપૂર્ણ ખનિજો અને ધાતુઓનું ઉત્પાદન કરતા દેશોને પણ લોન આપી રહ્યું છે.ચીનને એક તરફ મોટી લોન આપવાથી ફાયદો થઈ રહ્યો છે, તો બીજી તરફ તેના કેટલાક ગેરફાયદા પણ છે. ગરીબ દેશો વધુ પડતા દેવાથી પીડાઈ રહ્યા છે, જેના કારણે તેમના માટે લોન ચૂકવવી મુશ્કેલ બની રહી છે. જેથી ચીન પર લોન ચૂકવવા માટે સ્થાનિક દબાણ પણ વધી રહ્યું છે.

ચીન BRI પ્રોજેક્ટ્સ પર બહુ ઓછો ડેટા પ્રકાશિત કરે છે, અને લોવી ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે, ચીને જે ધિરાણ આપ્યું છે તે કદાચ ઓછું આંકવામાં આવ્યું છે. 2021 માં AidData ના અંદાજ પ્રમાણે ચીન પર $385 બિલિયનથી વધુનું દેવું છે. 

Tags :