US Golden Dome Missile Shield : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ગોલ્ડન ડોમ’ યોજના જાહેરાત કરતા અનેક દેશો ટેન્શનમાં આવી ગયા છે. ઉત્તર કોરિયા અને ચીને અમેરિકાના ‘ગોલ્ડન ડોમ મિસાઈલ શિલ્ડ પ્લાન’ને ખૂબ જ ખતરનાક અને અવકાશમાં પરમાણુ યુદ્ધ થવાનો ખતરો ગણાવ્યો છે. ગત અઠવાડિયે ટ્રમ્પે આ યોજના માટે અનેક વિગતો અને ભંડોળની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘અમારા માટે આ યોજના દેશની સફળતા અને સર્વાઈવલ માટે ખૂબ જ મહત્ત્વની છે.’
ટ્રમ્પની યોજનાથી અવકાશમાં પરમાણુ યુદ્ધનો ખતરો : ઉત્તર કોરિયા
ટ્રમ્પનું કહેવું છે કે, ‘અમેરિકા આગામી પેઢીની ટેકનોલોજી ગોલ્ડન ડોમ મિસાઈલ શિલ્ડ જમીન, સમુદ્ર અને અવકાશમાં તહેનાત કરશે. તેની ટેકનોલોજીમાં સેન્સર અને ઈન્ટરસેપ્ટર્સ હશે. ટ્રમ્પની જાહેરાત બાદ ઉત્તર કોરિયાની તેની પ્રતિક્રિયા સામે આવી છે. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, ‘વિદેશ મંત્રાલયે ગોલ્ડન ડોમને વિશ્વભર માટે ખતરા સમાન ગણાવ્યો છે, કારણ કે આ યોજનાના કારણે અવકાશમાં પરમાણુ યુદ્ધ છંછેડાઈ શકે છે.’
ઉત્તર કોરિયાએ ગોલ્ડન ડોમથી વાંધો ઉઠાવ્યો
ઉત્તર કોરિયાના મેમોરેન્ડમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ‘અમેરિકા બાહ્ય અવકાશમાં લશ્કર તહેનાત કરવાનો, ત્યાં સંભવિત પરમાણુ યુદ્ધ વિસ્તારમાં બદલવાનો અને ન્યૂક્લિયર ધરાવતા દેશોની ચિંતાઓને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમેરિકાની આ યોજના વિશ્વભરાં પરમાણુ અને અવકાશ હથિયારો બનાવવાની હોડ ઉભી કરશે.’
ચીન અને રશિયા પણ પરેશાન
ચીને પણ અમેરિકાના ગોલ્ડન ડોમ મિસાીલ શીલ્ડ યોજનાનો વિરોધ કર્યો છે અને યોજના વૈશ્વિક સુરક્ષા માટે ખતરો હોવાનો ગણાવ્યો છે. આ પહેલા રશિયાએ અમેરિકાની યોજના પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પે યોજના અંગે મોસ્કો સાથે વાત કરવાની જરૂર હતી. ટ્રમ્પે યોજનાની જાહેરાત કરી ત્યારે રશિયાએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘આ યોજના અવકાશને પરમાણુ યુદ્ધનું મેદાન બનાવી નાખશે.’ જોકે બાદમાં રશિયાએ પોતાના નિવેદનથી પલટી મારી કહ્યું હતું કે, ‘આ મામલો અમેરિકાની સંપ્રભુતાનો છે.’
ટ્રમ્પે ગોલ્ડન ડોમ અંગે શું કહ્યું હતું?
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જાહેરાત કરી હતી કે, તેમણે પ્રોજેક્ટ માટે અંતિમ ડિઝાઇનની પસંદગી થઈ ગઈ છે અને અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઇકલ ગ્યૂટલિનને આ પહેલના પ્રમુખ નીમવામાં આવ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગન આ પ્રકારની સિસ્ટમ તે સમયે બનાવવા માંગતા હતા, પરંતુ તે સમયે આવી ટેકનોલોજી ન હતી.
ગોલ્ડન ડોમની ખાસીયત
ઈઝરાયેલે 2011માં બનાવેલી આયર્ન ડોમની સફળતાથી પ્રેરાઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે ગોલ્ડન ડોમ બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ચનો ખર્ચ 175 અબજ ડોલર અંદાજે 14.52 લાખ કરોડ રુપિયા આવે તેમ માનવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશો સામેના સંભવિત ભયથી દેશનું રક્ષણ કરવાનો છે. ગોલ્ડન ડોમ આયર્ન ડોમથી અનેક ગણું વધુ મજબૂત હશે. ગોલ્ડન ડોમ શોર્ટ રેન્જની મિસાઈલો અને અન્ય હુમલાઓને નષ્ટ કરવા માટે બનાવાઈ છે. તે એક સાથે હજારો મિસાઈલોનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણામાંથી કે પછી અવકાશમાંથી હુમલો થશે તો પણ ગોલ્ડન ડોમ તેનો ખાતમો કરી નાખશે. ગોલ્ડન ડોમ તમામ દિશામાંથી અમેરિકાની રક્ષા કરશે.
આ પણ વાંચો : ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાનો સેટેલાઇટ ડેટામાં ઘટસ્ફોટ


