ભારતના બે દુશ્મન દેશ એક થયા ! ચીને કહ્યું,- ‘અમે મુશ્કેલ સમયમાં હંમેશા પાકિસ્તાનની સાથે’ શાહબાજને આપી મદદની ખાતરી
Pakistan-China Relations : પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે. બંને દેશો વચ્ચેના વિવાદમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતે હજુ સુધી યુદ્ધનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સહિત તેમને અનેક નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે. એટલું જ નહીં આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન યુદ્ધ માટે પણ તમામ તૈયારીઓ કરવાની સાથે ભારત પાસેની સરહદ પર સેનાઓ ગોઠવી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાન વિશ્વના અનેક દેશો પાસે જઈને યુદ્ધ રોકવા માટેની વિનંતી કરી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચીને પાકિસ્તાને સાથ આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ચીનના રાજદૂત અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે થઈ મુલાકાત
ચીનના રાજદૂત જિયાંગ ઝાઈડોંગે આજે (5 મે) પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત કરી પાકિસ્તાનને મુશ્કેલ સમયમાં મદદ કરવાની ખાતરી આપી છે. ઝાઈડોંગે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ચીન હંમેશા પાકિસ્તાનને સમર્થન આપશે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror) બાદ ભારત અને પાકિસ્તાન (India-Pakistan Tension) વચ્ચે તણાવ ચરમસીમાએ છે. રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, ચીનના રાજદૂતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ટેન્શનમાં
પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે કરેલી કાર્યવાહી પર પાકિસ્તાની રાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આવા પગલાં પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો બની શકે છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તમામ પ્રકારના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. એટલું જ નહીં વર્તમાન સંજોગો જોતા બંને દેશો વચ્ચે યુદ્ધ થવાના પણ ભણકારા વાગી રહ્યા છે.
ચીની રાજદૂતે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે કરી મુલાકાત
રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, ચીની રાજદૂતે ચીન-પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતા વિશ્વાસ અને મિત્રતાને લોખંડની જેમ મજબૂત ગણાવી છે અને કહ્યું કે, બંને દેશો દરેક મુશ્કેલ સમયમાં એક-બીજાની સાથે ઉભી રહે છે. ચીની રાજદૂતે ભારપૂર્વક કહ્યું કે, ‘દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા રહે તે માટે ચીન હંમેશા પાકિસ્તાનનું સમર્થન કરતું રહેશે. આ પહેલા ચીનના રાજદૂતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. શાહબાજે પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસ કરવાના પ્રસ્તાવનું સમર્થન કરવા બદલ ચીનનો આભાર માન્યો હતો.