કેનેડાની કઠોર વાસ્તવિકતાઃ આવક કરતાં જાવક વધી જતાં ભારતીયો માટે 'ગુજરાન' ચલાવવું મુશ્કેલ બન્યું

| (AI IMAGE) |
Canada Cost of Living: એક સમય હતો જ્યારે કેનેડા, ભારતીયો માટે સુખ-સમૃદ્ધિ અને સ્થિર ભવિષ્યનું પ્રતીક હતું. ત્યાં આછી-પાતળી નોકરીઓમાં પણ સારી કમાણી થઈ જતી અને ભારતમાં રહેતા પરિવારને મોકલવા જેવી નોંધપાત્ર રકમની બચત પણ થઈ જતી. પરંતુ હાલ પરિસ્થિતિમાં ભારે પલટો આવ્યો છે. કેનેડામાં ફુગાવો વધ્યો છે અને ખર્ચમાં ભારે વધારો થયો છે, જેને લીધે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ પડકારરૂપ બની ગયું છે. આવક અને ખર્ચ વચ્ચેની ખાઈ વધુ ને વધુ પહોળી થઈ રહી છે. ખાસ કરીને લઘુતમ વેતન પર નિર્ભર રહેતા લોકો માટે બે છેડા ભેગા કરીને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
'લઘુતમ વેતન' અને 'જીવનનિર્વાહ વેતન'ના છેડા વચ્ચે મેળ નથી રહ્યો
'લઘુતમ વેતન'(મિનિમમ વેજીસ)એ સરકાર દ્વારા નક્કી કરાયેલી કાયદેસરની લઘુતમ કલાકદીઠ મજૂરી છે, જે દરેક કર્મચારીને મળવી જ જોઈએ. 'જીવનનિર્વાહ વેતન'(લિવિંગ વેજીસ)એ એક આંકડાકીય ગણતરી છે, જે દર્શાવે છે કે કોઈ ચોક્કસ પ્રદેશમાં રહીને મકાન ભાડું, ખોરાક, પરિવહન, વીજળી-પાણી જેવી જીવન-જરૂરિયાત સેવાઓ, ફોન-ઇન્ટરનેટ જેવી સુવિધાઓ અને અન્ય મૂળભૂત ખર્ચને પહોંચી વળવા માટે પ્રતિ કલાક કેટલી આવક જરૂરી છે. હાલમાં કેનેડાની કઠોર વાસ્તવિકતા એ છે કે લોકોને લઘુતમ વેતન તો મળી રહ્યું છે, પણ તે જીવનનિર્વાહ વેતનથી ઘણું ઓછું છે, જેને લીધે મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી પણ અઘરું બની ગયું છે.
આંકડાઓમાં મોટો તફાવત
'ઓન્ટારિયો લિવિંગ વેજ નેટવર્ક'(OLWN)ના 2025ના અહેવાલ મુજબ, 'ગ્રેટર ટોરોન્ટો એરિયા'(GTA) માટે જીવનનિર્વાહ વેતન $27.20 પ્રતિ કલાક છે. એની સામે, લઘુતમ વેતન માત્ર $17.60 પ્રતિ કલાક છે. એટલે કે, કલાકદીઠ આવકમાં લગભગ $10 નો જબરદસ્ત તફાવત ઊભો થયો છે. GTA એ કેનેડાનો એવો પ્રદેશ છે જ્યાં ભારતીયોની વસ્તી ઘણી મોટી છે અને એમાં બ્રેમ્પટન જેવા શહેરો સામેલ છે.
આવક અને ખર્ચનું અસંતુલિત સમીકરણ
ઉદાહરણ લઈને આ મુદ્દો સમજીએ. ધારો કે, એક વ્યક્તિ લઘુતમ વેતન પર અઠવાડિયાના 5 દિવસ, દિવસના 8 કલાક કામ કરે છે (અઠવાડિયે કુલ 40 કલાક). તો તેનો આવક-જાવકનો હિસાબ નીચે મુજબનો થશે.
- સાપ્તાહિક આવક: 40 કલાક × $17.60 = $704
- કેનેડામાં એક મહિનાને 4.33 અઠવાડિયા ગણવામાં આવે છે, કારણ કે વર્ષમાં 52 અઠવાડિયા હોય છે. એ હિસાબે જોતાં પ્રતિ મહિને થતી આવક છે- $704 × 4.33=આશરે $3,046.
- આ આવક પર લગભગ 12-15% કર કપાત થતો હોવાથી હાથમાં આવતો પગાર છે આશરે $2,650.
આ પણ વાંચો: VIDEO| ટ્રેનિંગ વચ્ચે અમેરિકાનું F-16 ફાઈટર જેટ ક્રેશ, જમીન પર પટકાતા અગનગોળો બન્યું
GTA મુજબ માસિક ખર્ચ:
- મકાન ભાડું (1-BHK):$1,900-$2,300
- કરિયાણું અને ખોરાક: $400 - $500
- પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ/અંગત ફ્યુલ ખર્ચ) - $150 - $180
- ઇન્ટરનેટ/ફોન: $120 - $150
- અન્ય ખર્ચ (મેડિકલ, વગેરે) - $200 - $300
કુલ માસિક ખર્ચ $2,770 થી $3,430 જેટલો આવે છે, જે કર બાદની આવક ($2,650) કરતાં વધુ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કેનેડામાં લઘુતમ વેતન પર એકલ વ્યક્તિનું ગુજરાન ચલાવવું અઘરું છે, પરિવારની તો વાત જ જુદી.
લઘુતમ વેતન પર કામ કરતાં ભારતીયો મોટી સંખ્યામાં પ્રભાવિત થયાં છે
લઘુતમ વેતન પર કામ કરતી ભારતીયોની વિશાળ વસ્તીમાં નવા ઇમિગ્રન્ટ્સ, તાજેતરમાં ગ્રેજ્યુએટ્સ થનારા યુવાનો, ઓછા શિક્ષિત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નીચેના ક્ષેત્રોમાં મોટાભાગની એન્ટ્રી-લેવલ નોકરીઓમાં લઘુતમ વેતન જ આપવામાં આવે છે...
1. રિટેલ સેક્ટર: સુપરમાર્કેટ, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનો.
2. ફૂડ સર્વિસ: મેકડોનાલ્ડ્સ, ટિમ હોર્ટન્સ, સબવે જેવી ફ્રેન્ચાઇઝીમાં કામ કરતા કર્મચારીઓ.
3. વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ: એમેઝોન, ફેડએક્સ જેવા કેન્દ્રો.
4. હોસ્પિટાલિટી અને ક્લીનિંગ: હોટેલ્સ, ઓફિસ સફાઈ અને મકાન જાળવણીનું કામ.
5. પાર્ટ-ટાઇમ વિદ્યાર્થી નોકરીઓ: કૅફે, રેસ્ટોરન્ટ અને સેલ્સમાં કામ કરતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ.
સ્થાનિક અનુભવ, સંદર્ભો અને નેટવર્કનો અભાવ ધરાવતા નવા ઇમિગ્રન્ટ્સને પણ ઘણીવાર શરૂઆતમાં આવી જ નોકરીઓ સ્વીકારવી પડે છે.
આ પણ વાંચો: યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે: જાણો કયા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી
બે છેડા ભેગા કરવા માટે ઓવરટાઇમની મજબૂરી
આવક અને જાવક વચ્ચેની ખાઈને પહોંચી વળવા માટે લોકોને ઓવરટાઇમ કામ કરવા માટે મજબૂર થવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓ અને કામદારો અઠવાડિયાના સાત દિવસ, એક કરતાં વધુ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેમ કે, દિવસે કોઈ કૅફેમાં અને રાત્રે સિક્યોરિટી ગાર્ડ તરીકે. અગાઉ, ઓવરટાઇમ કામ કરીને વધારાની કમાણી કરવાનો ઉત્સાહ હતો; કેમ કે એમ કરવામાં બચત થતી હતી. હવે, એ માત્ર ગુજરાન ચલાવવાની ફરજ બની ગઈ છે, કેમ કે બચત કરીને પરિવારને મોકલવાનું તો દૂર, ત્યાંના અંગત ખર્ચ પણ ભાગ્યે જ પૂરા કરી શકાય છે.
આવક-જાવકનું ગણિત બગડવાના કારણો કયા?
લઘુતમ વેતન અને જીવનનિર્વાહ વેતન વચ્ચેનો ખાડો વધતો જાય છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
- મેટ્રો વિસ્તારોમાં મકાનોના ભાડાં બેફામ વધી ગયાં છે, જેને લીધે રહેણાકનો ખર્ચ સૌથી મોટો બોજ બની જાય છે.
- ખોરાકની કિંમતોમાં ભારે વધારો થયો છે.
- પરિવહન, ગેસ, વીજળી અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સેવાઓની કિંમતોમાં પણ સતત વધારો થતો રહે છે.
- બાળઉછેરના ખર્ચનું દબાણ બધું ગણિત ખોરવી નાંખે છે.
- કેનેડાની સરકાર દ્વારા સમયાંતરે લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવે તો છે, પણ ફુગાવાના સતત વધતા દર સાથે એ વધારો કદમતાલ મેળવી શકતો નથી, જેથી આ સમસ્યા વધુ ગંભીર બની છે.
આ પણ વાંચો: રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે, બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે
સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાંથી બચવા શું થઈ શકે?
કેનેડામાં હજુ પણ રોજગાર તો મળે છે, પરંતુ આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન ખોવાઈ ગયું છે. આર્થિક નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો પરિસ્થિતિ ન સુધરી તો...
- લોકો માનસિક તણાવનો શિકાર બનશે
- રહેણાક સંકટ વધુ ગહન બનશે
- કંપનીઓ પર કામદારોના પગાર વધારવાનું દબાણ વધશે
- લોકોએ મેટ્રો શહેરોના વધુ સસ્તા વિસ્તારો અથવા નાના નગરો તરફ સ્થળાંતર કરવું પડશે.


