Get The App

યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે: જાણો કયા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે: જાણો કયા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી 1 - image


Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. યુક્રેનમાં થયેલા યુદ્ધ ગુનાઓના આરોપસર માર્ચ, 2023માં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત(ICC- ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ) દ્વારા તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવા આવેલું છે, તેમ છતાં ભારતની મુલાકાત દરમિયાન પુતિનની ધરપકડ નહીં થઈ શકે. ચાલો, એનું કારણ જાણીએ.

પુતિન સામે ICC ધરપકડ વોરંટ કેમ જારી કરવામાં આવ્યું છે?

17 માર્ચ, 2023ના રોજ ICC દ્વારા 'રોમ સ્ટેચ્યુટ' હેઠળ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના બાળ અધિકારો માટેના કમિશનર મારિયા લ્વોવા-બેલોવા સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. બંને પર યુક્રેનના કબજાવાળા પ્રદેશોમાંથી બાળકોને ગેરકાયદે સ્થાનાંતરિત કરવાના હુકમ આપવાના ગંભીર યુદ્ધ ગુનાના આરોપ લાગ્યા હતા. વિસ્થાપનનો ભોગ બનનાર બાળકોમાં અનાથાલયો અને સંભાળ ગૃહોના બાળકોનો પણ સમાવેશ થાય છે.

રશિયાએ ગુનો માન્ય ગણેલો?

રશિયાએ ICCના અધિકારક્ષેત્રને માન્યતા ન આપીને વોરંટને અમાન્ય ગણાવી દીધું હતું. એમના મતે પુતીને કોઈ યુદ્ધ ગુનો આચર્યો નથી.

શું છે રોમ સ્ટેચ્યુટ?

'રોમ સ્ટેચ્યુટ' (રોમ કાયદો)એ આંતરરાષ્ટ્રીય સંધિ છે જેણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ(ICC)ની સ્થાપના કરી હતી. 1998માં અપનાવવામાં આવેલા અને 2002થી અમલમાં મુકાયેલા આ કાયદા હેઠળ નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ ગુનાઓ અને આક્રમણના ગુનાઓ બાબતે ધરપકડ વોરંટ જારી કરવાની સત્તા ICCના અધિકારક્ષેત્રમાં આવે છે. દુનિયાના 125 દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર કરીને રોમ સ્ટેચ્યુટનો સ્વીકાર કર્યો છે. હસ્તાક્ષરની પ્રક્રિયા ઇટાલીની રાજધાની રોમ શહેરમાં કરવામાં આવી હોવાથી એ રોમ સ્ટેચ્યુટ તરીકે ઓળખાયો.

ભારતમાં પુતિનની ધરપકડનું જોખમ શા માટે નથી?

ભારતમાં પુતિનની ધરપકડનું જોખમ એટલા માટે નથી કેમ કે ભારતે ICCના સ્થાપના દસ્તાવેજ 'રોમ સ્ટેટ્યુટ' પર ક્યારેય હસ્તાક્ષર કર્યા નથી અથવા તેને પ્રમાણિત કર્યો નથી. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ 'રોમ સ્ટેટ્યુટ' સંધિ માત્ર તેના પક્ષકાર દેશોને જ લાગુ પડે છે. આથી, ICCને સહકાર આપવાની કોઈ ફરજ ભારત પર લાગુ થતી નથી. ભારતમાં પણ એવો કોઈ ઘરેલુ કાયદો નથી કે જે ICC વોરંટને ધરાર અમલમાં મૂકવાની તાકાત આપતો હોય.

ભારત ઉપરાંત કયા કયા દેશને ICCના આદેશનું બંધન નડતું નથી?

ભારત ઉપરાંત ચીન, રશિયા, ઇન્ડોનેશિયા, ઇરાક, લિબિયા, કતાર, યમન જેવા ઘણા દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. અમેરિકાએ હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પછીથી તેણે હસ્તાક્ષર પાછા ખેંચી લીધા હતા. આ તમામ દેશ ICC સાથે સહયોગ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા નથી.

ભારત શા માટે 'રોમ સ્ટેટ્યુટ'માં નથી જોડાયું?

ભારતના ICC સાથે ન જોડાવાના નિર્ણય પાછળ નીચે મુજબના કારણો રહેલાં છે...

1. સાર્વભૌમત્વ અને અદાલતી સ્વતંત્રતા: ભારતનું માનવું છે કે તેની સ્થાનિક ન્યાયિક વ્યવસ્થા પોતાના પ્રદેશ પર થયેલા ગંભીર ગુનાઓ સામે કાર્યવાહી કરવા સક્ષમ છે અને જો તે ICCમાં સભ્ય હશે તો તેના સાર્વભૌમ અધિકારનું ઉલ્લંઘન થશે.

2. અપૂર્ણ અધિકારક્ષેત્ર: ભારત દાયકાઓથી સરહદપારના આતંકવાદનો સામનો કરી રહ્યું છે, તેથી ભારતે દલીલ કરી હતી કે આતંકવાદ અને સામૂહિક વિનાશના શસ્ત્રોના ઉપયોગ જેવા ગુનાઓને રોમ સ્ટેટ્યુટમાં સ્પષ્ટ રીતે શામેલ કરવા જોઈએ, જે કરવામાં આવ્યા નથી.

3. રાજકીયકરણનો ભય: ભારતને આશંકા હતી કે યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદ(UNSC)ને કેસો રજૂ કરવા અથવા મોકૂફ રાખવાની શક્તિ આપવાથી ICCનું રાજકીયકરણ થઈ શકે છે.

આ પણ વાંચો: VIDEO| ટ્રેનિંગ વચ્ચે અમેરિકાનું F-16 ફાઈટર જેટ ક્રેશ, જમીન પર પટકાતા અગનગોળો બન્યું

ICCના ધરપકડ વોરંટ કેટલા મજબૂત?

પુતિનનો કિસ્સો પહેલીવારનો નથી, અગાઉ અન્ય રાજનેતાઓએ પણ તેમના વિરુદ્ધ ICC દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવા છતાં આંતરરાષ્ટ્રીય પ્રવાસો કર્યા હતા. સૌથી પ્રખ્યાત કિસ્સો સુદાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરનો છે, જેમને 2009માં ICC દ્વારા નરસંહાર, યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. છતાં અલ-બશીરે 2015માં આફ્રિકન યુનિયન સમિટ માટે દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ 'રોમ સ્ટેટ્યુટ' પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં તેણે અલ-બશીરની ધરપકડ નહોતી કરી. આ બાબતે ઘણો રાજકીય વિવાદ પણ થયો હતો. અલ-બશીરે 2015માં ભારતની મુલાકાત પણ લીધી હતી. જોકે, ભારતમાં તો તેમની ધરપકડ થવાનો પ્રશ્ન જ નહોતો. બિલકુલ એ જ રીતે જે રીતે હાલમાં પુતિનને ભારતમાં ધરપકડનું કોઈ જોખમ નથી.

ભારત માટે વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વ સર્વોપરિ

ભારત-રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો આજકાલના નથી. બંને દેશ વર્ષોથી મિત્ર છે. રશિયા ભારતનો મુખ્ય સંરક્ષણ-સાધન સપ્લાયર છે. હાલમાં તે ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર બની ચુક્યો છે. યુક્રેન સંઘર્ષ પછી ભારતે તટસ્થ રાજદ્વારી સ્થિતિ અપનાવી છે અને સંવાદ પર ભાર મૂક્યો છે. રશિયા જેવા મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર સાથેના સંબંધો જાળવવાની જરૂરિયાત ભારતની પ્રાથમિકતા છે, અને ભારત એને જ અનુસરી રહ્યું છે.

યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે: જાણો કયા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી 2 - image

Tags :