ચીને બનાવ્યું અમોઘ શસ્ત્ર, દુનિયાનું પહેલું એવું ઘાતક હથિયાર બનાવ્યું કે અમેરિકા-રશિયા સહિત દુનિયા ચિંતામાં
China BVR Missile: એકથી વધુ યુદ્ધના ખપ્પરમાં હોમાયેલી દુનિયામાં શસ્ત્રનિર્માણની હોડ મચી છે, જેમાં બાજી મારી ગયું છે ચીન. તાજેતરમાં ચીને એવી BVR મિસાઈલ વિકસાવી છે, જે 1000 કિ.મી. દૂરના વિમાનોને નિશાન બનાવી શકે છે. એની અધધધ મારકક્ષમતા ભારતની બ્રહ્મોસ મિસાઈલને તો શું, અમેરિકાના અત્યાધુનિક F-35 અને F-22 જેવા ઉચ્ચ ટેક્નોલોજી ધરાવતા ફાઈટર જેટને પણ પળભરમાં વીંધી નાંખશે.
BVR મિસાઈલના પરીક્ષણમાં સફળતા મેળવી
ચીનના અખબાર ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’માં એક અહેવાલ છપાયો છે જે મુજબ, ચીને ‘બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ’ એટલે કે BVR મિસાઈલના પરીક્ષણમાં સફળતા મેળવી છે. તેની રેન્જ 1000 કિ.મી. છે અને તે એર-ટુ-એર (હવામાંથી હવામાં) પ્રહાર કરતી મિસાઈલ છે. જો આ સમાચાર સાચા હોય તો આખી દુનિયાએ ચીનની આ સિદ્ધિથી ચેતી જવાની જરૂર છે. ચીનની આ મિસાઈલ આખા વિશ્વના હવાઈ આક્રમણના સમીકરણો બદલી નાંખશે.
અવાજ કરતાં પાંચ ગણી ઝડપી મિસાઈલ!
ચીને બનાવેલી મિસાઈલની ઝડપ અસાધારણ છે. અહેવાલમાં જણાવાયું છે કે મિસાઈલની ઝડપની 6112 કિ.મી. પ્રતિ કલાક છે! અને તેની રેન્જ 1000 કિ.મી.ની છે. એટલે કે 1000 કિ.મી. દૂરથી જ તે દુશ્મનના F-35, F-22 રેપ્ટર અને B-21 રાઈડર જેવા પાંચમી પેઢીના તેજીલા વિમાનોને નિશાન બનાવીને નષ્ટ કરી શકે છે. રાફેલ કે સુખોઈ જેવા ચોથી પેઢીના જેટની તો ચીની મિસાઈલ સામે કશી વિસાત જ નહીં હોય.
BVR ટેક્નોલોજી શું છે?
BVR (બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ) એ એવી મિસાઈલ ટેક્નોલોજી છે, જે વિઝ્યુઅલ રેન્જ(નરી આંખે જોઈ શકાય)ની બહારથી હુમલો કરી શકે છે. સામાન્ય રીતે પાઈલટની દૃષ્ટિ મર્યાદા 37 કિ.મી. જેટલી હોય છે. પણ BVR મિસાઈલ રડાર, સેન્સર અને નવીન માર્ગદર્શક સિસ્ટમથી સજ્જ હોય છે. ચીનની આ મિસાઈલ ‘ફાયર એન્ડ ફર્ગેટ’ (ફાયર કરો અને ભૂલી જાઓ)ના સિદ્ધાંત પર કામ કરે છે, એટલે કે મિસાઈલને લક્ષ્ય સોંપીને ફાયર કરો અને પછી ભૂલી જાવ. બાકીનું કામ, લક્ષ્ય સુધી પહોંચીને એને નષ્ટ કરવાનું, મિસાઈલ જાતે જ કરી લે છે.
ટેક્નોલોજી જૂની, પણ સિદ્ધિ અભૂતપૂર્વ
BVR ટેક્નોલોજી નવી નથી, પણ તેમાં 1000 કિ.મી. જેટલી રેન્જ ધરાવતી મિસાઈલ તૈયાર કરવી મોટો પડકાર ગણાય છે, જે ચીને પાર પાડી બતાવ્યો છે. રશિયા પાસે R-37M અને અમેરિકા પાસે AIM-174B જેવી BVR મિસાઈલો છે, પણ તેમની રેન્જ ફક્ત 350-400 કિ.મી. સુધી જ મર્યાદિત છે. ભારત હાલ BVR ‘MK-3’ મિસાઈલ બનાવી રહ્યું છે, જેની રેન્જ 350થી 400 કિ.મી. છે.
કેટલી ઘાતક છે ચીનની નવી મિસાઈલ?
ચીનની આ નવનિર્મિત મિસાઈલ સૌથી અદ્યતન સંરક્ષણ પ્રણાલી ધરાવે છે. ભારત પાસે હાલમાં છે એવા ચોથી અને 4.5મી પેઢીના ફાઈટર જેટનો તો આ મિસાઈલ સામે જરાય નહીં ટકી શકે. અમેરિકા-રશિયાના અત્યાધુનિક 5મી પેઢીના વિમાનો પણ આ મિસાઈલ સામે નિષ્ફળ નીવડશે, કેમ કે જેટ વિમાન ચીનના આકાશમાં દાખલ થઈને કોઈ પરાક્રમ કરે એ પહેલાં જ આ મિસાઈલે એને તોડી પાડ્યું હશે.
ભારત માટે ચિંતાનું કારણ
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન બ્રહ્મોસ મિસાઈલ વડે ભારતે પાકિસ્તાનને બરાબરનું ખોખરું કર્યું હતું. એ મિશનની સફળતા પછી દુનિયાને ભારતીય બ્રહ્મોસ મિસાઈલના સામર્થ્યની અનુભૂતિ થઈ. પરંતુ, ચીને તાજેતરમાં બનાવેલી મિસાઈલનો મારકણો અંદાજ જોતા ભારત ફક્ત બ્રહ્મોસને ભરોસે બેસી રહે એ પૂરતું નથી. ભારતમાં ASTRA શ્રેણીની MK-1 અને MK-2 મિસાઈલો સફળતાપૂર્વક તૈયાર થઈ ચૂકી છે, પણ હાઈપરસોનિક ક્ષમતા ધરાવતી MK-3 બનાવવા માટે હજુ DRDO અને ISRO દ્વારા સંયુક્ત પ્રયાસો ચાલી રહ્યા છે. આ યોજના વર્ષ 2000માં શરૂ થઈ હતી, પરંતુ એની ગતિ અત્યંત ધીમી છે. હાલમાં આપણી MK-1 BVR મિસાઈલની રેન્જ ફક્ત 80થી 110 કિ.મી. છે.
ભારત ઉપરાંત કયા દેશોને સૌથી વધુ ખતરો છે?
ચીની મિસાઈલ ભારત માટે તો રેડ સિગ્નલ છે જ, પણ એ ઉપરાંત ચીનના પરંપરાગત દુશ્મનો જાપાન, તાઈવાન અને અમેરિકાએ પણ ચિંતા કરવી પડે એમ છે. અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીન આ મિસાઈલને તાઈવાન સ્ટ્રેટ અને દક્ષિણ ચીન સમુદ્ર જેવા સંભવિત સંઘર્ષ વિસ્તારોમાં તૈનાત કરવાની યોજના ધરાવે છે. અમેરિકા જેવો દેશ હવે આ ચીની મિસાઈલને નાથવા માટેનો કોઈ તોડ કાઢે છે કે કેમ એના પર વિશ્વની નજર રહેશે.