ફ્રાન્સ, બ્રિટન બાદ ભારતે ઈઝરાયલનું ટેન્શન વધાર્યું, યુનાઈટેડ નેશન્સમાં ખુલ્લેઆમ પેલેસ્ટાઈનને સમર્થન
UN Conference On Israel- Palestine War: યુનાઈટેડ નેશન્સમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનું સ્થાયી સમાધાન લાવવાના ઉદ્દેશ સાથે એક હાઈ-લેવલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિશ્વના મોટાભાગના દેશોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં દાયકાથી ચાલી રહેલી આ સમસ્યા પર જુદા-જુદા દેશોએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ભારતે પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેણે ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ ઉકેલવા માટે ટુ-સ્ટેટ સોલ્યુશન્સ પર સમર્થન આપવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
ટુ-સ્ટેટ સોલ્યુશન અત્યંત જરૂરી
ભારતે યુએનમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ ઉકેલવા માટે ચાલી રહેલા વૈશ્વિક પ્રયાસોને હવે વાતચીત અને કૂટનીતિ મારફત ટુ-સ્ટેટ સોલ્યુશન હાંસલ કરવા પર ફોકસ કરવુ જોઈએ. કોઈએ પણ દસ્તાવેજી સમાધાનથી સંતોષ માનવો જોઈએ નહીં. પરંતુ પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવા પ્રયાસ કરવો જોઈએ. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પાર્વથાનેની હરીશે જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનના સવાલના શાંતિપૂર્ણ સમાધાન મુદ્દે યુએન કોન્ફરન્સમાં થયેલી ચર્ચાઓ પરથી નિશ્ચિત છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયનું માનવુ છે કે, ટુ-સ્ટેટ સોલ્યુશન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આ કોન્ફરન્સ ટુ-સ્ટેટ સોલ્યુશન મારફત શાંતિ સ્થાપિત કરવાની દિશામાં વિચારણા કરવાની તક આપે છે.
વાતચીત-કૂટનીતિ મારફત ઉકેલ શોધો
હરીશે જણાવ્યું કે, હવે અમારો પ્રયાસ આ વાત પર ફોકસ કરવાનો રહેશે કે, કેવી રીતે વાતચીત અને કૂટનીતિ મારફત બે રાજ્ય સમાધાન લાવી શકે અને અંદરોઅંદર લડી રહેલા બે પક્ષો એક-બીજા સાથે સીધો સંપર્ક સાધી શકે. સમર્થન માટે એવા પગલાં હાથ ધરવામાં આવે કે, જે ટુ-સ્ટેટ સોલ્યુશનનો માર્ગ મોકળો બનાવે. આ પગલાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ.
આ પણ વાંચોઃ બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ
'પેલેસ્ટાઈનના સવાલનું શાંતિપૂર્ણ સમાધાન અને ટુ-સ્ટેટ સોલ્યુશન પર ન્યૂયોર્ક ડિક્લેરેશન' શીર્ષક હેઠળ 25 પાનાંનો આઉટકમ ડોક્યુમેન્ટ આપી ભાર મૂકવામાં આવ્યો છે કે, ગાઝામાં હવે યુદ્ધનો અંત આવવો જોઈએ. અને હમાસમાં તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ. 28-30 જુલાઈના રોજ યોજાયેલી હાઈ-લેવલ કોન્ફરન્સની કો-ચેરમેનશિપ સાઉદી અરેબિયા અને ફ્રાન્સે કરી હતી.
પેલેસ્ટાઈનના લોકોના જીવનમાં બદલાવ લાવવા પર ફોકસ
આઉટકમ ડોક્યુમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હમાસે ગાઝામાં પોતાનું શાસન ખતમ કરવુ પડશે અને હથિયારો પેલેસ્ટાઈનની ઓથોરિટીને સોંપી દેવા પડશે. સીઝફાયર બાદ પેલેસ્ટાઈન ઓથોરિટીને ગાઝામાં કામ કરવા માટે એક વહીવટી સમિતિની રચના કરવી જોઈએ. ભારત તરફથી રાજદૂત હરીશે જણાવ્યું કે, યુએન કોન્ફરન્સમાં અમુક વર્કિંગ પોઈન્ટ ઉભરી આવ્યા છે. જેનો અમલ જરૂરી છે. અમે દસ્તાવેજી સમાધાનોથી સંતુષ્ટ નથી. પરંતુ પ્રેક્ટિકલ સોલ્યુશન હાંસલ કરવા પ્રયાસ કરવો જોઈએ. જે વાસ્તવમાં અમારા પેલેસ્ટાઈન ભાઈઓ અને બહેનોના જીવનમાં બદલાવ લાવી શકે. ભારત આ મહાન પ્રયાસમાં યોગદાન આપવા માટે તૈયાર છે.
ભારતે ટૂંકા ગાળામાં લેવાના પગલાં અંગે પણ સ્પષ્ટ વલણ દર્શાવ્યું હતું. જેમાં તાત્કાલિક યુદ્ધવિરામ, માનવતાવાદી સહાય ચાલુ રાખવી, તમામ બંધકોને મુક્ત કરવા અને વાતચીતનો માર્ગ અપનાવવા જેવી બાબતો સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે, 1988માં ભારત પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપનારા પ્રથમ દેશો પૈકી એક હતો, જેમાં ટુ-સ્ટેટ સોલ્યુશન માટે મજબૂત સમર્થન અને પ્રતિબદ્ધતા હતી. ભારત મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા જોવા માંગે છે. આ માટે કાયમી ઉકેલની જરૂર હોવાનું હરિશે જણાવ્યું છે.