જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરાયા, એરપોર્ટ બંધ; રશિયાના ભૂકંપ બાદ 12 દેશમાં સુનામીનું એલર્ટ
Russia Earthquake: રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 8.7 આંકવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS)ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. ભૂકંપ બાદ ચીન, પેરુ અને ઈક્વાડોર સહિત પેસિફિક મહાસાગરના ઘણા દેશોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. આનાથી સમગ્ર પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે.
આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ પેટ્રોપાવ્લોવસ્ક-કામચત્સ્કી શહેરથી લગભગ 119 કિમી દૂર હતું, જે લગભગ 1.8 લાખની વસ્તી ધરાવતું રશિયન શહેર છે. ભૂકંપથી રશિયા, જાપાન, અમેરિકા, હવાઈ, કેલિફોર્નિયા, અલાસ્કા, સોલોમન ટાપુઓ, ચિલી, એક્વાડોર, પેરુ, ફિલિપાઈન્સ, ગુઆમ અને ઉત્તરી મારિયાના ટાપુઓ અને ન્યૂઝીલેન્ડ સહિતના દેશો પ્રભાવિત થયા છે.
ભૂકંપ બાદ ઉઠાવ્યા જરૂરી પગલા
રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીના જોખમને ધ્યાનમાં રાખીને જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટ તાત્કાલિક ખાલી કરાયા છે. સુનામી કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 60 સેમી ઊંચા સુનામીના મોજા દરિયા કિનારે અથડાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તેની ઊંચાઈ 15 ફૂટ જોવા મળી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મોજા અથડાઈ રહ્યા છે. આ ઉપરાંત હવાઈમાં દરિયા કિનારે રહેતા લોકોને પણ સલામત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. હવાઈમાં એરપોર્ટ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. બીજી તરફ ચીનના શાંઘાઈમાં લગભગ 2 લાખ 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
જોકે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી સુનામીના કોઈ મોજા નોંધાયા નથી, તેમ છતાં વહીવટીતંત્રએ લોકોને દરિયામાં ન જવા, દરિયાની દિશામાં કોઈ પ્રવૃત્તિ ન કરવા અને રેડિયો તથા એલર્ટ સિસ્ટમ પર નજર રાખવા જણાવ્યું છે. ન્યૂઝીલેન્ડે 2011ના ક્રાઈસ્ટચર્ચ ભૂકંપ પછી ડિઝાસ્ટર સિસ્ટમને મજબૂત બનાવી છે અને હવે 'સતર્કતા પહેલા સંકટ બાદમાં'ની નીતિ પર કામ કરી રહ્યું છે.
આ પણ વાંચો: રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ 5 મીટરથી ઊંચી સુનામીની લહેરો, અમેરિકા-જાપાન પણ એલર્ટ
સુનામીનો ખતરો ક્યાં સુધી રહેશે?
પેસિફિક મહાસાગરના દરિયાકાંઠાના દેશોમાં સુનામીના મોજા સતત રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. Pacific Tsunami Warning Center (PTWC) અને જાપાન હવામાન એજન્સી (JMA) એ કહ્યું કે, સુનામીનો ખતરો આગામી 12થી 30 કલાક સુધી રહી શકે છે.
સુનામીની અસર કેટલી ખતરનાક હોઈ શકે છે?
સુનામીના મોજા માત્ર પોતાની ઊંચાઈથી જ નહીં, પરંતુ તેમની ગતિ અને બળથી પણ વિનાશ વેરે છે. હવાઈના ગવર્નર જોશ ગ્રીનના મતે 6 ઈંચ (15 સે.મી.) મોજા પણ વ્યક્તિને નીચે પછાડી શકે છે. 2 ફૂટ (60 સે.મી.) મોજા કાર અને મોટરસાયકલોને તણાવી શકે છે. 3 ફૂટ (90 સે.મી.) મોજા વાડ, વૃક્ષો અને સ્ટ્રીટ લાઈટોને તોડી શકે છે. આ મોજા 700થી 800 કિમી/કલાકની ઝડપે દરિયાકાંઠે અથડાઈ છે.