'મગજ, હૃદય અને ફેફસાં પણ ગુમ...', વેનેઝુએલાથી લાવેલા ભારતીય નાવિકના શબના અંગો ચોરાઈ ગયા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના 33 વર્ષીય ભારતીય નાવિક રાકેશ ચૌહાનના મોતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. વેનેઝુએલામાં મર્ચન્ટ નેવીના જહાજ પર ફરજ બજાવતા રાકેશના મોત બાદ જ્યારે તેમનો મૃતદેહ ભારત પહોંચ્યો, ત્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન તેમના શરીરમાંથી લગભગ તમામ મુખ્ય આંતરિક અંગો ગાયબ હોવાનું સામે આવતા પરિવાર સહિત તબીબો પણ ચોંકી ગયા છે.
2025 માં નોકરી માટે ગયા હતા
રાકેશ ચૌહાન નવેમ્બર 2025માં એક ખાનગી કંપની મારફતે વેનેઝુએલા નોકરી માટે ગયા હતા. મે 2026માં કંપનીએ પરિવારને જાણ કરી હતી કે રાકેશનું હાર્ટ એટેકથી મોત થયું છે. જોકે, પરિવારનો આરોપ છે કે કંપની દ્વારા શરૂઆતમાં અલગ-અલગ કારણો જણાવવામાં આવ્યા હતા. પહેલા કહેવામાં આવ્યું કે રાકેશ જહાજ પરથી પડી ગયા છે અને સારવાર હેઠળ છે, ત્યારબાદ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું અને અંતે મોતની જાણ કરવામાં આવી. બાદમાં સત્તાવાર દસ્તાવેજોમાં મૃત્યુનું કારણ 'કાર્ડિયક અરેસ્ટ' દર્શાવવામાં આવ્યું.
એક મહિને બાદ મૃતદેહ ઘરે આવ્યો
લગભગ એક મહિના બાદ મૃતદેહ દેવરિયા પહોંચ્યો હતો. પરિવારને શંકા જતાં જિલ્લા પ્રશાસનના આદેશથી ભારતમાં ફરી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું કે મૃતદેહમાં મગજ, હૃદય, બંને ફેફસા, લીવર, કિડની, પેન્ક્રિયાસ, પેટ, આંતરડાં સહિત ગળાના કેટલાક મહત્વના અંગો પણ હાજર નહોતા. શરીર પર માથાથી લઈને પેટ સુધી લાંબા ચીરા અને ટાંકા પણ જોવા મળ્યા હતા. અંગો ન હોવાથી ડોક્ટરો મૃત્યુનું સાચું કારણ પણ નક્કી કરી શક્યા નથી.પરિવારે આ સમગ્ર ઘટનામાં ગંભીર ગેરરીતિ અને સંભવિત અંગ તસ્કરીની આશંકા વ્યક્ત કરી છે. તેમનો સવાલ છે કે જો સામાન્ય હાર્ટ એટેકથી મોત થયું હતું તો મૃતદેહમાંથી તમામ આંતરિક અંગો ક્યાં ગયા અને તેની કોઈ સત્તાવાર માહિતી કેમ આપવામાં આવી નહીં?









