'સિંધુ નદી પર હુમલો એક્ટ ઓફ વૉર ગણાશે...' બિલાવલ ભુટ્ટોએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
Indus River Treaty: પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને ફરી એકવાર ધમકી આપી છે. સિંધુ નદીનું પાણી બંધ કરવા સામે યુદ્ધની ચેતવણી આપતા તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, અમે તેમના નિર્ણયનો અસ્વીકાર કરીએ છીએ. તેમને સમજવું જોઈએ કે, પાકિસ્તાન એક શાંતિપૂર્ણ દેશ છે અને ઇસ્લામ એક શાંતિપૂર્ણ ધર્મ છે. જો કોઈ અમારી સિંધુ નદી પર હુમલો કરે છે તો આ એક એક્ટ ઑફ વૉર (યુદ્ધની કાર્યવાહી) માનવામાં આવશે. આ સિંધુ નદી ફક્ત નદી નથી, તે ભારત અને પાકિસ્તાન બંનેની સભ્યતાનો ભાગ છે.'
આતંકવાદ ફક્ત બહાનું છે
પોતાના દેશ દ્વારા કરવામાં આવતા આતંકવાદનો સ્વબચાવ કરતા ભુટ્ટોએ કહ્યું કે, 'તેમના વડાપ્રધાન મોદી દુનિયાભરમાં જાય છે અને કહે છે કે, પ્રાચીન સભ્યતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હકીકતમાં અમે આ પ્રાચીન સભ્યતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. અમે જોઈ શકીએ છીએ કે, આ આતંકવાદ ફક્ત એક બહાનું છે, સિંધુ નદી અસલી લક્ષ્ય છે, જેને અમે સફળ નહીં થવા દઈએ. અમારી નદીને બચાવવા માટે છેલ્લે સુધી લડીશું, અમે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ જો તે સિંધુ પર હુમલો કરે છે તો તેઓ જાણે છે કે, કાં તો પાણી વહેશે કાં તો લોહી.'
આ પણ વાંચોઃ BIG NEWS: કરાંચી અને લાહોરનું એરસ્પેસ 31 મે સુધી આંશિક રીતે બંધ, પાકિસ્તાનનો મોટો નિર્ણય
આ પહેલાં પણ આપી હતી આવી ધમકી
લગભગ એક અઠવાડિયા પહેલાં સખરમાં સિંધુ નદીના કિનારે એક જનસભાનું સંબોધન કરતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, 'હું સિંધુ નદીની પાસે ઊભો રહીને સ્પષ્ટપણે કહેવા માગુ છું કે, સિંધુ નદી અમારી હતી, છે અને રહેશે. કાં તો આ નદીમાંથી પાણી વહેશે કાં તો લોહી, જે અમારા હક્કને છીનવા માંગે છે. ફક્ત ભારતની વસ્તી વધારે છે, તો અર્થ એવો નથી કે, તે નક્કી કરી શકે કે આ પાણી કોનું છે. પાકિસ્તાનની જનતા બહાદુર છે, અમે આ મુદ્દે લડીશું, સરહદ પર અમારી સેના દરેક હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે.'