For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકા પહેલાં 2000 પાઉન્ડનાં 1800 બોમ્બ અને 500 પાઉન્ડના 1700 બોમ્બ આપવાનું હતું

Updated: May 9th, 2024

અમેરિકા પહેલાં 2000 પાઉન્ડનાં 1800 બોમ્બ અને 500 પાઉન્ડના 1700 બોમ્બ આપવાનું હતું

- ઇઝરાયેલને અમેરિકા અધવચ્ચે છોડી રહ્યું છે, શસ્ત્રો મોકલવાં બંધ કર્યા : રાફા પર હુમલો કરી નેતન્યાહૂ ફસાયા

તેલ અવીવ : દક્ષિણ ગાઝાનાં રાફા શહેર ઉપર ઇઝરાયલી સેનાએ આક્રમણ શરૂ કરી દીધું છે. ગઇકાલે (મંગળવારે) જ ઇઝરાયલની ટેન્ક બ્રિગેડે મહત્ત્વની તેવી રાફા સીમા ઉપર કબ્જો જમાવી દીધો છે. પોતાના મિત્ર દેશોની ચેતવણી છતાંએ ઇઝરાયલી સેના રાફામાં ઘૂસી ગઈ છે. હવે તેનું પરિણામ ભોગવી રહ્યું છે. તેના સૌથી નજીકના મિત્ર અમેરિકા પણ હાથ પાછા ખેંચી રહ્યું છે.

અમેરિકાએ ઇઝરાયલને પહેલાં જ ચેતવણી આપી હતી કે રાફા ઉપર હુમલો ન કરે. પરંતુ ઇઝરાયલે તે ગણકારી નહીં. આથી અમેરિકા હવે તેને આપવા નક્કી કરેલા ૨૦૦૦ પાઉન્ડના ૧૮૦૦ બોમ્બ અને ૫૦૦ પાઉન્ડના ૧૭૦૦ બોમ્બ મોકલવાનું માંડી વાળ્યું છે.

આ માહિતી આપતાં પોતાનું નામ ન જણાવવાની શર્તે પેન્ટાગોનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'ચિંતા તે વાતની હતી કે આટલી સઘન વસ્તી ધરાવતા નાના એવા વિસ્તારમાં આટલા વિનાશક બોમ્બ કઇ રીતે વાપરી શકાય.

પેલેસ્ટાઇનીઓનાં કટ્ટરવાદી જૂથ હમાસે ગતવર્ષે ૮મી ઓક્ટોબરે ઇઝરાયલ ઉપર ઘાતક હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં પ્રચંડ આક્રમણ શરૂ કરી દીધું. તે પછી દસલાખ નાગરિકોએ રાફામાં આશ્રય લીધો છે.

બીજી તરફ રાફા ઉપર હુમલો નહીં કરવા વ્હાઇટ હાઉસે ઇઝરાયલને જણાવી દીધું હતું. તેમ છતાં ઇઝરાયલ રાફા ઉપર વ્યાપક પ્રમાણમાં હુમલો કરવાની તૈયારી શરૂ કરતાં અમેરિકાના પ્રમુખ બાયડેને ઇઝરાયલને અપાતી સહાય વિષે સમીક્ષા કરવી શરૂ કરી દીધી, અને છેવટે ઇઝરાયલને ચેતવણી આપી કે જો તે રાફા ઉપર હુમલો બંધ નહીં કરે તો તેને શસ્ત્ર સહાય નહીં અપાય.

હમાસે આ યુદ્ધ અંગે શરૂ થયેલી શાંતિ મંત્રણામાં ભાગ લેવાની તૈયારી પણ દર્શાવી છે. અને યુદ્ધ વિરામ સ્વીકારવા પણ તૈયાર થયું છે. પરંતુ ઇઝરાયલે યુદ્ધ વિરામ કે શાંતિ મંત્રણાનો અસ્વીકાર કરતાં કહ્યું છે કે આ પ્રસ્તાવ તેની મુખ્ય માગણીઓ પૂરી કરતો નથી.

Gujarat