ભારતે ઘૂસણખોરો સામે કાર્યવાહી કરતાં બાંગ્લાદેશે કહ્યું- અમે પણ ગેરકાયદે ભારતીયોને પાછા મોકલીશું
Bangladesh: બાંગ્લાદેશના ગૃહ વિભાગના સલાહકાર લેફ્ટિનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ શનિવારે કહ્યું ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને યોગ્ય રાજદ્વારી માધ્યમથી પરત મોકલામાં આવશે. ચૌધરીએ સતખીરામાં ત્રીજી અસ્થાયી સરહદી ચોકીના ઉદ્ઘાટન બાદ આ ટિપ્પણી કરી હતી. જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું કે, ‘બાંગ્લાદેશ ભારતની જેમ દબાણ નથી બનાવતું પરંતુ, રાજદ્વારી માધ્યમથી મુદ્દાનું નિરાકરણ લાવવામાં વિશ્વાસ રાખે છે.’
ભારતે યોગ્ય પ્રક્રિયાથી બાંગ્લાદેશી અપ્રવાસીને પરત મોકલવા જોઈએ
વધુમાં તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશે હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા અને પ્રોટોકોલનું પાલન કર્યું છે. વિદેશ મંત્રાલયે આ મામલે ભારતને પહેલાં જ પત્ર લખ્યો હતો. વિદેશ મામલાના સલાહકાર તૌહીદ હુસૈન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તથા રોહિંગ્યા મામલા પર મુખ્ય સલાહકારના ઉચ્ચ પ્રતિનિધિ ખુલીલુર રહેમાનના આ મુદ્દે પહેલાથી જ રાજદ્વારી સંવાદ શરૂ છે. ભારતને સૂચિત કરવામાં આવે છે કે, જો કોઈ બાંગ્લાદેશી નાગરિક ભારતમાં ગેરકાયદે રૂપે રહે છે, તો તેને યોગ્ય માધ્યમથી પરત મોકલવા જોઈએ.’
આ પણ વાંચોઃ આતંકવાદી હુમલા પહેલા પહલગામની સેટેલાઇટ તસવીરો અમેરિકાથી પાકિસ્તાન પહોંચી હતી: રિપોર્ટ
ભારતીયની બાંગ્લાદેશમાં ઘુસણખોરીનો દાવો
ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકો વિશે વાત કરતા ચૌધરીએ કહ્યું કે, ‘જો કોઈ ભારતીય નાગરિક મંજૂરી વિના બાંગ્લાદેશમાં રહેતો મળ્યો તો કાયદાકીય પ્રક્રિયા બાદ તેને પરત મોકલવામાં આવશે. અમે ભારતીય પક્ષને વિનંતી કરીએ છીએ કે, તેઓ સ્વદેશ પરત મોકલવાની ઔપચારિક પ્રક્રિયાનું પાલન કરે. શુક્રવારે ભારત દ્વારા બ્રાહ્મણબરિયા સીમા પર અમુક વ્યક્તિઓ દ્વારા ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB), અંસાર સભ્યો અને સ્થાનિક નિવાસીઓની મદદથી નિષ્ફળ કરવામાં આવ્યા. જો સ્થાનિક સમુદાય એકજૂટ થાય અને સતર્ક રહે તો આ પ્રકારના હુમલાનો વિરોધ કરી શકાય છે.’
જણાવી દઈએ કે, બાંગ્લાદેશના ગૃહ મામલાના સલાહકારનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ભારત પોતાના ત્યાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીને ડિપોર્ટ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં પોલીસે ગેરકાયદે અપ્રવાસીની ઓળખ માટે અભિયાન શરૂ કર્યું હતું. પકડાયેલા ગેરકાયદે અપ્રવાસીઓમાંથી મોટાભાગના બાંગ્લાદેશી નાગરિક છે, જેને યોગ્ય પ્રક્રિયા દ્વારા તેમના ઘરે પરત મોકલવામાં આવશે.