ટ્રમ્પને ગાઝાપટ્ટી હાથ કરવી છે, તેઓ ગાઝામાંના પેલેસ્ટાઇનીઓને લિબિયામાં સેટલ કરાવવા માંગે છે
- નિરીક્ષકો પહેલેથી જ કહી રહ્યા છે તે સાચું ઠરે છે
- લિબિયા જો તે 10 લાખ પેલેસ્ટાઇનીઓને સ્વીકારે તો બદલામાં અમેરિકાએ તેણે અટકાવેલા ભંડોળો છૂટા કરવા તૈયારી દર્શાવી
વોશિંગ્ટન : મહામના વિષ્ણુ ગુપ્ત કૌટિલ્ય ચાણક્યે કહ્યું છે, રાજકારણમાં કદી કોઈ કાયમી મિત્ર હોતો નથી કે કાયમી શત્રુ પણ હોતો નથી. અમેરિકા-લિબિયા વચ્ચે રચાઈ રહેલા સંબંધો મહાન ચાણક્યાના શબ્દોને યથાર્થતય: સત્ય ઠરાવે છે.
મોમાર ગદ્દાફીના સમયમાં અમેરિકા લિબિયા કટ્ટર દુશ્મનો હતા. ગદ્દાફીનાં કિશોરાવસ્થાનાં બાળકો સહિત સમગ્ર કુટુમ્બને અમેરિકાએ બોમ્બ વર્ષા દ્વારા સાફ કરી નાખ્યું તે જ લિબિયા આજે અમેરિકા પાસે આર્થિક સહાય માગે છે. તેના બદલામાં ટ્રમ્પ તંત્ર ગાઝામાંથી વિસ્થાપિત કરાનારા ૧૦ લાખ જેટલા પેલેસ્ટાઇનીઓને પોતાના દેશમાં સમાવવા લિબીયા સમક્ષ શરત મુકી છે. લિબિયા પાસે તે સ્વીકાર્યા સિવાય અન્ય વિકલ્પ જ નથી.
ગજબની ચાલ ચાલી રહ્યું છે અમેરિકા, ગાઝાપટ્ટી ઉપર ઈઝરાયલ દ્વારા થતા નૃશંસ હુમલા બંધ કરવાનું કહેતું નથી. માથેથી સ્ટીમરો ભરીને શસ્ત્રો અને યુદ્ધ વિમાનો આપે છે. અઢળક શસ્ત્રો, અઢળક અમેરિકી આર્થિક સહાય અને એટમબોમ્બ સાથે ઈઝરાયલ મધ્ય પૂર્વની દુર્ધર્ષ તાકાત બની ગયું છે. ગાઝાપટ્ટીમાં રહેલા ગાઝા શહેરથી શરૂ કરી તમામ શહેરો અને ગામડાઓ ખંડર બની રહ્યાં છે ત્યાં વસેલા આરબો (પેલેસ્ટાઇનીઓ) નર્કાગાર જેવી જીંદગી જીવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જ કહ્યું હતું, 'હું ત્યાં નર્કાગાર બનાવી દઈશ.' ગાઝાપટ્ટી નર્કાગાર બની ગઈ છે. ટ્રમ્પ ઈઝરાયલને વારતા નથી. ઉલ્ટાની પુષ્ટિ આપે છે. કારણ સીધું અને સાદું છે. સિનાઈ યેનિન્શ્યુલામાં પ્રવેશવા માટે ગાઝાપટ્ટી 'ફર-બોર્ડ' છે. સીનાઈ પર્વતમાં રહેલાં ઈ.સ.પૂ. ૨૦૦૦નાં યહૂદીઓનાં 'સાયનેગોગ'ની યાદ આપી અમેરિકા સમગ્ર સિનાઈ દ્વિપકલ્પ પર કબ્જો જમાવી દે તો તેમાં આશ્ચર્ય નહીં થાય.
હવે પ્રશ્ન ગાઝાપટ્ટીમાં માંડ બચેલા ૧૦ લાખ જેટલા આરબો (પેલેસ્ટાઈનીઓ)નો છે. ટ્રમ્પ તેમને સ્ટીમરો ભરી લિબિયાનાં બેન્ગાઝી અને ટ્રિપોવી બંદરે ઉતારી ગાઝાપટ્ટી આરબ મુક્ત કરી અમેરિકા ત્યાં થાણા નાખવા માગે છે તેમ સ્પષ્ટ દેખાય છે.
ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડા પર અહીંથી સીધી નજર રાખી શકાય તેમ છે. વળી છેક સમુદ્ર તટને સ્પર્શીને રહેલી આ પટ્ટીમાં સમુદ્રના પવનોને લીધે થોડું ઉષ્ણતામાન નીચું રહે છે તેથી અમેરિકન સૈનિકો માટે તે પટ્ટી થોડી સહ્ય બને છે.
કહેવાની જરૂર જ નથી કે ગાઝા અને તેલ અવીવમાં લાંગરેલા નૌકા યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનો પૂર્વ ભૂમધ્ય સમુદ્ર પર અમેરિકાની સત્તા જમાવી દઈ શકે તેમ છે.
મધ્ય-પૂર્વમાં પણ તેના વિમાનો પંજો પ્રસારી શકે તેમ છે. વાર બહુ નથી. ગાઝાપટ્ટીમાં રહેતા આરબોએ લિબિયા જવા તૈયાર થવું જ પડશે.