આતંકવાદી હુમલા પહેલા પહલગામની સેટેલાઇટ તસવીરો અમેરિકાથી પાકિસ્તાન પહોંચી હતી: રિપોર્ટ
- અમેરિકન અને પાકિસ્તાની કંપનીઓ વચ્ચે તસવીરો માટે ડીલ થઇ હતી : રિપોર્ટ
- પાક.ની કંપનીએ આ તસવીરો પાક. સરકારને ગેરકાયદે વેચી હોવાની જાણકારી અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટીને મળી હતી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકીઓએ પર્યટકો પર ગોળીબાર કરી અનેકની હત્યા કરી હતી. આ હુમલો ૨૨મી એપ્રીલના રોજ થયો હતો, જોકે હુમલા પૂર્વે પાકિસ્તાનની કંપનીઓએ પહલગામની રિયલ ટાઇમ સેટેલાઇટ તસવીરો ખરીદી હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ પહલગામ હુમલાના બે મહિના પહેલા બૌસરન ઘાટીની સેટેલાઇટ તસવીરોનો ઓર્ડર મેક્સાર ટેક્નોલોજીસને અપાયો હતો. આ એ જ ઘાટી છે જ્યાં બાદમાં આતંકીઓએ હુમલો કર્યો હતો.
મેક્સાર અમેરિકાની કંપની છે જે હાઇ રિઝોલ્યૂશનવાળી એચડી તસવીરો વેચે છે. પાકિસ્તાનની કંપનીઓએ આ અમેરિકન કંપની પાસેથી પહલગામની એ ઘાટીની તસવીરો ખરીદી હતી કે જ્યાં બાદમાં ચાર આતંકીઓ ત્રાટક્યા હતા અને અનેક પર્યટકોની હત્યા કરી હતી. એપ્રીલમાં પહલગામમાં હુમલો થયો હતો જેના બે મહિના પહેલા ફેબુ્રઆરી મહિનામાં પહલગામના વિસ્તારોની સેટેલાઇટ તસવીરોનો ઓર્ડર આ અમેરિકન કંપનીને મળ્યો હતો. આતંકી હુમલાના 10 દિવસ પહેલા 12મી એપ્રીલના રોજ પણ ઓર્ડર મળ્યા હતા. આ સેટેલાઇટ તસવીરોનો ઓર્ડર આપવાની શરૂઆત ગયા વર્ષે જૂન મહિનાથી થઇ હતી.
રિપોર્ટ મુજબ મેક્સાર કંપનીએ પાકિસ્તાનની કંપની બિઝનેસ સિસ્ટમ ઇન્ટરનેશનલ પ્રા. લિ. સાથે આ સેટેલાઇટ તસવીરો માટે ડીલ કરી હતી. આ સેટેલાઇટ તસવીરો ખરીદીને બાદમાં પાકિસ્તાનની કંપનીએ પાક.ની સરકારને વેચી હતી. આ જાણકારી અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટીને વર્ષ 2020માં જ મળી ગઇ હતી. પાકિસ્તાનની આ કંપની અને તેનો માલિક અબૈદુલ્લાહ સૈયદ પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશન (પીએઇસી) અને નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (એનડીસી) (પાકિસ્તાનની એરોસ્પેસ અને ડિફેન્સ એજન્સી)ના અધિકારીઓ સાથે સંબંધો ધરાવે છે. આ અંગેની જાણકારી અમેરિકન સરકાર સાથે જોડાયેલી હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન (એચઆઇએસ)ને થઇ ગઇ હતી. હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા અમેરિકાની કોર્ટમાં દાખલ ફરિયાદના દસ્તાવેજો સામે આવ્યા છે જેમાં આ ખુલાસો થયો છે. અમેરિકાની બે કંપનીઓ એક્સર અને અલબેદો સ્પેસ પાસેથી પાકિસ્તાનની કંપનીએ આ સેટેલાઇટ તસવીરો ખરીદી હતી. આ તસવીરોમાં પહલગામની તસવીરોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.