'મારું અપમાન કર્યું, હવે આ પદે મારે નથી રહેવું...', મોહમ્મદ યુનુસથી અકળાયા બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ

Bangladesh News: બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને કહ્યું કે, તેઓ ફેબ્રુઆરીમાં સંસદીય ચૂંટણીઓ પછી તેમના કાર્યકાળની વચ્ચે જ પદ છોડી દેવા ઈચ્છે છે. ગુરૂવારે એક મીડિયા એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર તરફથી અપમાનિત અને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે.
2023માં બન્યા હતા રાષ્ટ્રપતિ
શહાબુદ્દીન બાંગ્લાદેશના સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર છે. રાષ્ટ્રપતિનું પદ મોટાભાગે ઔપચારિક માનવામાં આવે છે અને વાસ્તવિક કારોબારી સત્તા વડાપ્રધાન અને મંત્રીમંડળ પાસે રહે છે. ઓગસ્ટ 2024ના વિદ્યાર્થી આંદોલનના કારણે લાંબા સમયથી વડાપ્રધાન રહેલા શેખ હસીનાએ દેશ છોડવા અને સંસદ ભંગ થયા બાદ રાષ્ટ્રપતિ જ દેશના એકમાત્ર બંધારણીય રૂપથી સત્તાવાર પદાધિકારી રહી ગયા હતા.
શહાબુદ્દીનને 2023માં આવામી લીગના ઉમેદવાર તરીકે પાંચ વર્ષના કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ, આવામી લીગને 12 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી દેવાયા છે.
'હું પદ છોડવા ઇચ્છુ છું'
ઢાકાના રાષ્ટ્રપતિ ભવનથીથી વોટ્સએપ દ્વારા આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, 'હું હવે આ પદ પર રહેવા નથી ઈચ્છતો. હું પદ છોડવા ઇચ્છું છું, બહાર જવા ઈચ્છું છું. હું ફક્ત ચૂંટણી સુધી જ આ પદ પર રહીશ. જ્યાં સુધી ચૂંટણી ન થઈ જાય મારે રહેવું જોઈએ. હું ફક્ત એટલા માટે જ પદ પર છું કારણકે, આ બંધારણીય જવાબદારી છે. યુનુસની નેતૃત્વવાળી વચગાળાની સરકારે મને સંપૂર્ણ રીતે હાંસિયામાં ધકેલી દીધો છે. યુનુસે લગભગ સાત મહિનાથી મને મળ્યા નથી, તેમના પ્રેસ વિભાગને દૂર કરવામાં આવ્યો હતો અને વિશ્વભરના દૂતાવાસ અને મિશનમાંથી મારો ફોટો પણ ઉતારી લેવાયો છે.'
આ પણ વાંચોઃ 'આટલી સારી ઓફર મળી છે તો સહી કરી નાંખો', ટ્રેડ ડીલ મુદ્દે ભારતની અમેરિકાને સલાહ
'એક રાતમાં તમામ દૂતાવાસોમાંથી દૂર કરી દીધી મારી તસવીર'
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ વધુમાં કહ્યું કે, 'તમામ દૂતાવાસો, હાઇ કમિશનો અને કાંસુલેટ્સમાં રાષ્ટ્રપતિની તસવીરો લાગેલી હતી, પરંતુ એક જ રાતમાં તેને દૂર કરી દેવાયા. આનાથી લોકો વચ્ચે ખોટો મેસેજ જાય છે કે, કદાચ રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવી શકે છે. મને ખૂબ જ અપમાનિત અનુભૂતિ થઈ રહી છે. મેં આ બાબતે યુનુસને પત્ર લખ્યો હતો પરંતુ, કોઈ જવાબ મળ્યો નથી. મારો અવાજ દબાવી દેવામાં આવ્યો છે.'
જોકે, યુનુસના મીડિયા સલાહકારોએ આ વિશે કોઈ ટિપ્પણી કરી નથી.

