'આટલી સારી ઓફર મળી છે તો સહી કરી નાંખો', ટ્રેડ ડીલ મુદ્દે ભારતની અમેરિકાને સલાહ

India US Trade Deal: ટ્રેડ ડીલ મુદ્દે ભારતની અમેરિકાને સલાહ આપી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે (11 ડિસેમ્બર) કહ્યું કે, 'જો અમેરિકા ભારતની વેપાર કરારની ઓફરથી ખુશ છે, તો તેમણે તાત્કાલિક ભારત સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ.' આ દરમિયાન ગોયલે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતની ઓફર પર વિચારણાનું સ્વાગત કર્યું છે. જોકે તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત સમયમર્યાદાના આધારે કોઈપણ કરાર કરશે નહીં.
અમેરિકાના વેપાર પ્રતિનિધિની પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે, પીયૂષ ગોયલ અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેમાં ગ્રીરે કહ્યું હતું કે, 'અમેરિકાના ભારત તરફથી અત્યારસુધીની સૌથી સારી ઓફર મળી છે.'
ગોયલે શું કહ્યું?
ગોયલે કહ્યું કે, 'તેમની ખુશી આવકાર્ય છે. અને મારું માનવું છે કે, જો તેઓ ખૂબ ખુશ હોય તો સહી કરવી જોઈએ.' જોકે, ભારતે અમેરિકાને કેવા પ્રકારની ઓફર કરી છે તે અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી ન હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, યુએસ ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રિક સ્વિટ્ઝરની ભારત મુલાકાત ભારત સાથે કરારને લઈને વાટાઘાટો પર કેન્દ્રિત નથી. વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે. અમારી પાસે ઘણા રાઉન્ડમાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે. મને લાગે છે કે, પહેલા પાંચ રાઉન્ડ થઈ ચૂક્યા છે. હાલની મુલાકાત નવા યુએસ ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ની છે, જે લગભગ ત્રણ મહિના પહેલા જોડાયા હતા. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. અમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી સારી અને મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ.'
પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે, ભારત ડેડલાઈના આધારે કરાર કરશે નહીં. તેમણે કહ્યું કે, 'ડીલ ત્યારે જ થાય છે, જ્યારે બંને પક્ષે ફાયદો હોય. આપણે ક્યારેય પણ ડેડલાઈન સાથે વાતચીત કરવી ન જોઈએ. કારણ કે, ત્યારે ભૂલ થવાની સંભાવના રહે છે.'

