Chinmay Krishna Das Case : બાંગ્લાદેશની હાઈકોર્ટે થોડા દિવસ પહેલા દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપી દીધા હતા, જોકે હવે ચટગાંવની કોર્ટે હત્યાના ચાર કેસમાં ચિન્મય દાસની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. ચટગાંવ બાર એસોસિએશનના મહાસચિવ અશરફ હુસૈન રજ્જાકે કહ્યું કે, ‘કોર્ટમાં એડવોકેટે સૈફુલ ઈસ્લામ અલિફની હત્યા સંબંધીત ચાર કેસની સુનાવણી હાથ ધર્યા બાદ ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી છે.
વકીલની હત્યાના એક દિવસ પહેલા ચિન્મય દાસની ધરપકડ કરાઈ હતી
26 નવેમ્બર-2024નો રોજ ચટગાંવ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલ સૈફુલ પર અજાણ્યા હુમલાખોરોએ ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. ચિન્મય દાસને મુક્ત કરવાની માંગ વખતે વિરોધ પ્રદર્શનો થયા હતા, આ દરમિયાન સૈફુલ પર હુમલો થયો હતો. આ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે 25 નવેમ્બરે દેશદ્રોહના આરોપમાં ચિન્મય દાસની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
30 એપ્રિલે જામીન આપ્યા અને 5 મેએ કરી ધરપકડ
બાંગ્લાદેશની હાઈકોર્ટે દેશદ્રોહના કેસમાં ચિન્મય દાસને 30 એપ્રિલે જામીન આપ્યા હતા. જોકે સરકારે તુરંત ચેમ્બર કોર્ટમાં અરજી દાખલ કરી હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો. ચેમ્બર કોર્ટે જામીન અટકાવ્યા ન હતા, પરંતુ સુનાવણીની નવી તારીખ નિર્ધારીત કરી હતી.
ચિન્મય દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ
બાંગ્લાદેશના ચટગાંવમાં ઑક્ટોબર-2024માં ‘સનામત જાગરણ મંચ’ નામથી રેલી યોજાઈ હતી, જેમાં ચિન્મય દાસે સંબોધન કર્યું હતું. તે જ દિવસે ન્યુ માર્કેટ વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાયો અને તેમાં લખ્યું હતું કે, આમી સનાતની. થોડા દિવસો બાદ બીએનપી નેતા ફિરોજ ખાને આક્ષેપ કર્યો હતો કે, આ ધ્વજની ઘટનાના કારણે દેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. ત્યારબાદ ચિન્મય દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો હતો, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન માત્ર બાંગ્લાદેશ જ નહીં, ભારત સહિત અનેક દેશોમાં તેમની ધરપકડનો વિરોધ થયો હતો.
ચિન્મય કૃષ્ણ દાસ કોણ છે?
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમનું અસલી નામ ચંદન કુમાર ધર છે, તેમને લોકો ચિન્મય પ્રભુ નામથી પણ ઓળખે છે. તે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સશક્ત અવાજ ઉઠાવતા રહ્યા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન(ISKCON)ના 77થી વધુ મંદિર છે અને લગભગ 50 હજારથી વધુ લોકો આ સંગઠનથી જોડાયેલા છે.
ધરપકડથી જામીન સુધીનો ઘટનાક્રમ
- 25-11-2024 : ઢાકા ઍરપોર્ટ પરથી ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી હતી.
- 26-11-2024 : તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા..
- 02-01-2025 : આ દિવસથી 11 ડિસેમ્બર સુધી તેમની જામીન અરજી રદ કરવામાં આવી હતી.
- 03-04-2025 : વકીલોએ ફરી હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
- 30-04-2025 : હાઇકોર્ટે જામીન આપ્યા પણ સરકારે તુરંત ચેમ્બર કોર્ટમાં અરજી દાખલ કરી જામીન અટકવવાનો પ્રયાસ કરતા ચેમ્બર કોર્ટે સુનાવણીની નવી તારીખ નક્કી કરી.
- 05-05-2025 : ચટગાંવ કોર્ટ વકીલની હત્યાના કેસમાં ચિન્મય દાસની ધરપકડ કરવાના આદેશ આપ્યા


