Get The App

આયતુલ્લાહ ખામેનેઈના મોતથી ઈરાનમાં માતમ તો દુનિયાના અનેક દેશોમાં ઉજવણીનો માહોલ

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
આયતુલ્લાહ ખામેનેઈના મોતથી ઈરાનમાં માતમ તો દુનિયાના અનેક દેશોમાં ઉજવણીનો માહોલ 1 - image

Supreme Leader Ali Khamenei Death News : Israel Iran War : ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે ખામેનેઈની ઓફિસ પર હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતાનું મૃત્યુ થયું છે. ઈરાની મીડિયાએ ખામેનેઈના મોતની પુષ્ટિ કરી છે. ટીવી પ્રેઝન્ટરે રડતા રડતા ખામેનેઈના મોતના સમાચાર સંભળાવ્યા અને જણાવ્યું કે ઈરાનમાં 40 દિવસનો શોક રહેશે.

ખામેનેઇના પુત્રનું નિધન

ખામેનેઈના મોત બાદ ઈરાને પોતાના નવા સુપ્રીમ લીડરની જાહેરાત કરી દીધી છે. ખામેનેઈના પુત્ર મુજતબા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે. ખામેનેઈના મોત બાદ સમગ્ર ઈરાનમાં માતમ છવાયો છે. લોકો મસ્જિદોમાં એકઠા થઈને પોતાના સર્વોચ્ચ નેતા માટે રડતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ઈરાનીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને અમેરિકા તથા ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઈરાની મીડિયામાં પણ અત્યંત ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે.

IRNA ન્યૂઝ એજન્સીનો અહેવાલ

ઈરાની ન્યૂઝ એજન્સી IRNA એ લખ્યું કે, "ઈસ્લામી ક્રાંતિના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈ શનિવારે સવારે સિયોનિસ્ટ શાસન (ઈઝરાયેલ) અને અમેરિકાના હુમલામાં શહીદ થયા છે. ક્રાંતિના નેતાની શહાદત બાદ કેબિનેટે 40 દિવસના જાહેર શોક અને 7 દિવસની રજાની જાહેરાત કરી છે."

પ્રેસ ટીવીએ લોગો કાળો કર્યો

ઈરાનની પ્રેસ ટીવીએ પોતાના સુપ્રીમ લીડરના નિધન પર શોક વ્યક્ત કરતા પોતાનો લોગો કાળો (Black) કરી દીધો છે. પ્રેસ ટીવીએ લખ્યું કે, "ઈઝરાયેલ-અમેરિકાના કાયરતાપૂર્ણ હુમલામાં ઈસ્લામિક ક્રાંતિના નેતા શહીદ થયા છે. તેમની શહાદતની જાહેરાત રવિવારે વહેલી સવારે કરવામાં આવી હતી. શનિવારે સવારે તેહરાન સ્થિત અયાતુલ્લા ખામેનેઈના નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં તેમની પુત્રી, જમાઈ, પુત્રવધૂ અને એક પૌત્ર/પૌત્રી પણ શહીદ થયા છે."

આ પણ વાંચો : અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈનું નિધન, ઈરાની મીડિયાએ કરી પુષ્ટિ

IRGCનું નિવેદન: 'બદલો લેવામાં આવશે'

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ઈરાની રાષ્ટ્રે એક મહાન નેતા ગુમાવ્યા છે. જેઓ ઘમંડી શક્તિઓ સામે સાહસ અને અલ્લાહના માર્ગમાં કરેલા પ્રયાસો માટે પોતાના યુગમાં અજોડ હતા.

તેમને પસ્તાવો થાય તેવી કાર્યવાહી કરાશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "માનવતાના સૌથી દુષ્ટ આતંકવાદીઓ અને જલ્લાદોના હાથે તેમની શહાદત, આ મહાન નેતાની સચ્ચાઈ અને તેમની નિષ્ઠાવાન સેવાઓની સ્વીકૃતિનો સંકેત છે. અમેરિકા અને સિયોનિસ્ટ શાસનની દુષ્ટ સરકારોનું આ ગુનાહિત અને આતંકવાદી કૃત્ય ધાર્મિક, નૈતિક અને કાનૂની સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેથી, ઉમ્મતના ઈમામના હત્યારાઓને કઠોર અને પસ્તાવો થાય તેવી સજા આપવામાં આવશે. ઈરાન બદલો લઈને રહેશે, તેમને છોડશે નહીં."

તસ્નીમ ન્યૂઝ એજન્સીનો અહેવાલ

ઈરાની ન્યૂઝ એજન્સી Tasnim ના રિપોર્ટ અનુસાર, "ઈઝરાયેલ અને અમેરિકાના હુમલામાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ શહીદ થયા છે. ખામેનેઈએ 1989માં ઈસ્લામિક રિપબ્લિકના સ્થાપક ઈમામ ખુમેનીના નિધન બાદ 37 વર્ષ સુધી ઈરાન અને મુસ્લિમ ઉમ્માહનું નેતૃત્વ કર્યું હતું. ઈરાની સશસ્ત્ર દળોએ અમેરિકન-ઈઝરાયેલી આક્રમકતાના જવાબમાં ઈઝરાયેલના કબજા હેઠળના વિસ્તારો અને મધ્ય-પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ પર મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે."

તેહરાનમાં લોકોએ મૃત્યુ અંગે ખુશી વ્યક્ત કરી

રાજધાનીતેહરાન પાસે આવેલા કરજમાં લોકોએ ગાડીઓ બહાર કાઢી હોર્ન વગાડીને ખુશી વ્યક્ત કરી હતી. તેહરાનના અનેક વિસ્તારોમાં લોકો પોતાના ઘરની બાલ્કનીમાંથી મોટેથી સંગીત વગાડતા અને ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. ફુલાદશહરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને હાથ ઊંચા કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. બોરાજજાન અને મમાસાનીમાં લોકોએ ઝંડા લહેરાવ્યા અને નાચીને જશ્ન મનાવ્યો હતો. શિરાજ અને આબાદાનમાં પણ મોડી રાત સુધી લોકો રસ્તા પર રહ્યા હતા.

દેશ એક નવા યુગમાં પ્રવેશ કરશે

ઘણા લોકો તેને લાંબા સમય પછી પરિવર્તનની શરૂઆત માની રહ્યા છે. તેમનું કહેવું છે કે, લગભગ પાંચ દાયકાથી ચાલી રહેલા શાસન બાદ હવે દેશ એક નવા યુગમાં પ્રવેશ કરી શકે છે. જોકે, તમામ લોકો આ ઘટનાક્રમથી ખુશ નથી; દેશના કેટલાક ભાગોમાં ડર અને અનિશ્ચિતતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

અલી ખામેનેઈના મોત પર વિરોધીઓનો ઉત્સાહ

વિદેશોમાં વસતા ઈરાનીઓએ પણ આ સમાચાર પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી છે. લોસ એન્જલસમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઈરાન તથા અમેરિકાના ઝંડા લહેરાવ્યા હતા. કેટલાક લોકોએ 'નવા ઈરાન'ની આશા વ્યક્ત કરી હતી. આ સિવાય લંડન, બર્લિન અને મેડ્રિડ જેવા શહેરોમાં પણ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.