Terrorist attack in Australia : ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત બોન્ડી બીચ ખાતે રવિવારે (14 ડિસેમ્બર) યહૂદીઓના હનુક્કાહ પર્વની ઉજવણી દરમિયાન આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. આડેધડ ગોળીબાર ચાલુ હતો છતાં એક બહાદુર વ્યક્તિ અહેમદ અલ અહેમદે આતંકવાદીને પકડી લીધો હતો, જેની વિશ્વભરમાં ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. હુમલામાં અહેમદને પણ ગોળી વાગી હતી. હવે વિશ્વભરમાંથી અનેક લોકો અહેમદની મદદ કરવા માટે આગલ આવ્યા છે. ઈજાગ્રસ્ત અહેમદ માટે એક યહૂદી અબજોપતિએ ડોનેશન શરૂ કર્યું છે. ત્યારે આ લખાયા ત્યાં સુધીમાં લગભગ 11.42 કરોડ રૂપિયાનું ફંડ એકઠું થઈ ચૂક્યું છે.
બહાદુર અહેમદે ગોળીબાર વચ્ચે હુમલાખોરને પકડી લીધો
સિડનીના સધરલેન્ડમાં ફળોની દુકાન ચલાવતા 43 વર્ષીય અહેમદ બે બાળકોના પિતા છે, તે એવા વ્યક્તિ છે જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં ગોળીબાર વચ્ચે તેઓ એક હુમલાખોરને પાછળી પકડી લેતા અને તેની બંદૂક છીનવી લેતા અને તેના પર તાકી દેતા જોવા મળે છે. આ હુમલામાં તેમને પણ ગોળી વાગી હોવાના અહેવાલો છે. તેમની આ બહાદુરીના કારણે અનેક નિર્દોષ લોકોનો જીવ બચી ગયો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : યહુદીઓ પર આતંકી હુમલો થતા નેતન્યાહૂ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પર ભડક્યા
બહાદુર અહેમદના પરિવારને ઈનામની પહેલ
અમેરિકાના જાણીતા યહૂદી ઉદ્યોગપતિ વિલિયમ એકમેન (બિલ એકમેન)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અહેમદના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ સ્પષ્ટ છે કે એક બહાદુર હીરોએ ઓસ્ટ્રેલિયામાં અનેક લોકોનો જીવ બચાવ્યો. એકવાર આ હીરોની ઓળખ થાય, તો કૃપા કરીને એક વેરિફાઇડ GoFundMe સેટઅપ કરો, જેથી અમે તેને અને તેના પરિવારને ઈનામ આપી શકીએ.’ એકમેને અહેમદને 99.999 ડોલર (લગભગ 90.73 લાખ રૂપિયા)નું ફંડ આપીને અભિયાનની શરૂઆત કરી છે. આ ફંડ સીધું અહેમદ અલ અહેમદને આપવામાં આવશે.
This is the verified link for the Bondi hero. I am told by @gofundme that the funds will only be released directly to the hero. https://t.co/2sc5Z1Vut1
— Bill Ackman (@BillAckman) December 14, 2025
હુમલામાં 16 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, ન્યૂ સાઉથ વેલ્સના સિડનીમાં રવિવાર, 14 ડિસેમ્બરે બે મુસ્લિમ આતંકીઓએ યહૂદીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલાના જવાબમાં સુરક્ષા દળોએ એક આતંકી ઘટનાસ્થળે ઠાર કર્યો હતો અને અન્ય એકની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : જેના કારણે યુદ્ધ થયું તે નિર્ણય રદ કરવા ઝેલેન્સ્કી તૈયાર! પણ સમાધાન પહેલા મૂકી 2 શરત


