‘દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધીને ખતમ કરી નાંખીશું’ ઑસ્ટ્રેલિયા હુમલા બાદ નેતન્યાહૂની ચેતવણી

Terrorist attack in Australia : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર યહુદીઓ રવિવારે (14 ડિસેમ્બર) હનુક્કા તહેવારની ઊજવણી કરી રહ્યા હતા, તેવા સમયે જ બે મુસ્લિમ આતંકીઓએ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. નજરે જોનારાઓએ કહ્યું કે, કંપારી છૂટી જાય તેવા દૃશ્યનું વર્ણન કર્યું હતું. હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ પર ફાયરિંગ ભડકાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમણે ચાર મહિના પહેલા અલ્બનીઝને પત્ર લખીને ઓસ્ટ્રેલિયામાં યહુદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ષડયંત્રની જાણ કરી હતી.
ઓસ્ટ્રેલિયન સરકાર યહૂદી-વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહી છે : નેતન્યાહૂ
નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન (Australia PM Anthony Albanese)ને ચેતવણી આપતા ચિઠ્ઠી લખ્યું હતું કે, ‘મેં લગભગ ચાર મહિના પહેલાં 17મી ઓગસ્ટે વડાપ્રધાન આલ્બાનીઝને એક પત્ર મોકલ્યો હતો, જેમાં મેં તેમને ચેતવણી આપી હતી કે, ઓસ્ટ્રેલિયન સરકારની નીતિ ઓસ્ટ્રેલિયામાં યહૂદી-વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહી છે. મેં લખ્યું હતું કે, પેલેન્સ્ટાઈનને રાષ્ટ્ર બનાવવાની ઓસ્ટ્રેલિયાની માગણી યહૂદી વિરોધીઓ વધારી રહી છે અને હમાસના આતંકને સમર્થન આપી રહી છે. તમારી નીતિ એવા લોકોને હિંમત આપે છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં રહેતા યહૂદીઓને ધમકાવે છે અને યહૂદીઓ પ્રત્યે નફરત વધારી રહી છે અને હવે આ નફરત તમારા રસ્તાઓ પર ફરી રહી છે.’
લીડર ચુપ હોવાથી યહુદીઓનો વિરોધ વધ્યો : ઈઝરાયલી વડાપ્રધાન
નેતન્યાહૂએ ઓસ્ટ્રેલિયન સરકારને આડે હાથ લેતા લખ્યું કે, ‘યહુદીઓનો વિરોધ કેન્સરની જેમ ફેલાઈ રહ્યો છે. આ ત્યારે જ ફેલાય છે, જ્યારે લીડર ચુપ રહે છે. જો લીડર કાર્યવાહી કરે તો આવા વિરોધો પીછેહઠ કરે છે. હું તમને અપીલ કરું છું કે, તમે કમજોરીને એક્શનમાં બદલો અને શાંતિના પાક્કા ઈરાદાને પણ બદલો. વડાપ્રધાન તમે કમજોરીને કમજોરીથી અને તૃષ્ટીકરણને વધુ તૃષ્ટીકરણથી બદલી દીધો.’
‘ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને કોઈ કાર્યવાહી ન કરી’
ઈઝરાયલના વડાપ્રધાને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘તમારી સરકારે ઓસ્ટ્રેલિયામાં યહુદીઓના વિરોધીઓને અટકાવવા માટે કશું જ કર્યું નથી. તમે તમારા દેશમાં વધી રહેલા કેન્સરને અટકાવવા માટે કંઈ ન કર્યું. તમે કોઈપણ કાર્યવાહી ન કરી. તમે બીમારીને ફેલાવા દીધી, જેનું પરિણામ એ આવ્યું કે, આજે આપણે યહુદીઓ પર ભયાનક હુમલા જોવા પડ્યા.’
આ પણ વાંચો : જેના કારણે યુદ્ધ થયું તે નિર્ણય રદ કરવા ઝેલેન્સ્કી તૈયાર! પણ સમાધાન પહેલા મૂકી 2 શરત
આતંકી હુમલામાં 16 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર યહુદીઓ રવિવારે હનુક્કા તહેવારની ઊજવણી કરી રહ્યા હતા, તેવા સમયે જ બે મુસ્લિમ આતંકીઓએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલાના જવાબમાં વળતી કાર્યવાહીમાં એક આતંકી ઘટના સ્થળે ઠાર કરાયો હતો અને અન્ય એકની ધરપકડ કરાઈ છે. સિડનીની આ ઘટનાએ યહુદીઓને ઈઝરાયલમાં 2023ની સાત ઑક્ટોબરે ધાર્મિક તહેવારની ઊજવણી સમયે જ હમાસના આતંકીઓએ કરેલા હુમલાની યાદ તાજી કરાવી દીધી હતી. આ હુમલાને ભારતીયોએ પણ પહેલગામના હુમલા સાથે સરખાવ્યા હતા.
અમારી નીતિ અમેરિકા જેવી, શોધીને મારીશું : નેતન્યાહૂ
ગયા દિવસે સીરિયામાં બે અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આ અંગે ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું હતું કે, ‘સીરિયામાં ગઈકાલે બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન ઈન્ટરપ્રેટરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેઓને એટલા માટે મારવામાં આવ્યા કારણ કે, તેઓ આપણી સામાન્ય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. હુમલો કરનારાઓને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે, જો તમે દુનિયામાં ક્યાંય પણ અમેરિકનોને નિશાન બનાવો છો, તો તમે તમારા બાકીના જીવન દરમિયાન એ ડરમાં હશો કે, અમેરિકા તમને શોધી કાઢશે અને તમને નિર્દયતાથી મારી નાખશે. અમે અમેરિકાના લોકો પ્રત્યે અમારી સંવેદનાઓ મોકલીએ છીએ અને હું કહેવા માંગુ છું કે અમારી નીતિ પણ બિલકુલ એવી જ છે.’
ઈઝરાયલના વડાપ્રધાનની ચેતવણી
ઈઝરાયલના વડાપ્રધાને સખત ચેતવણી આપી છે કે, ‘દુનિયાના કોઈ પણ ખૂણામાં જો કોઈ યહૂદીઓને નુકસાન પહોંચાડશે, તો તેને નિર્દયતાથી ખતમ કરી દેવામાં આવશે. આ બાબતે અમારી નીતિ પણ અમેરિકા જેવી જ છે. હત્યારાઓ તેમના બાકીના જીવનમાં ડર રહેશે કે, ઈઝરાયલ તેમનો શિકાર કરશે, તેમને શોધી કાઢશે અને નિર્દયતાથી ખતમ કરી દેશે. અમે ચૂપચાપ બેસીને હત્યારાઓને મારવા ન દઈએ.’

