For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક.ને નાણાકીય સહાય ભારત માટે કોઈ સંદેશ સમાન નથી : અમેરિકા

એફ-૧૬ ફાઈટર પ્લેન મુદ્દે પાક.ને મદદ અંગે અમેરિકાનો ખુલાસો

આતંકવાદ સામે નિષ્ફળ જવા બદલ ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને નાણાકીય સહાય બંધ કરી દીધી હતી

Updated: Sep 23rd, 2022

Article Content Image

વોશિંગ્ટન, તા.૨૩

પાકિસ્તાનને એફ-૧૬ ફાઈટર વિમાનના કાફલા માટે ૪૫ કરોડ ડોલરની અમેરિકાની મદદ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે ત્યારે અમેરિકાએ આ સંદર્ભમાં ખુલાસો કર્યો છે. અમેરિકાએ કહ્યું હતું કે, પાકિસ્તાનને મદદનો નિર્ણય ભારતને કોઈ સંદેશ આપવાનો નથી.

ટ્રમ્પ સરકારે આતંકવાદી સંગઠનો અફઘાન તાલિબાન તથા હક્કાની નેટવર્ક પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા પર પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાય અટકાવી દીધી હતી. જોકે, બાઈડેન તંત્રે ટ્રમ્પ સરકારનો નિર્ણય ઉથલાવતા ૮મી સપ્ટેમ્બરે પાકિસ્તાનને તેના એફ-૧૬ ફાઈટર વિમાનના કાફલા માટે ૪૫ કરોડ ડોલરની મદદની મંજૂરી આપી હતી. આ અંગે અમેરિકાએ કહ્યું કે, ઈસ્લામાબાદ અમેરિકન સંરક્ષણ ભાગીદારી સાથે જોડાયેલું છે અને આ સહાય વિશેષરૂપે આતંકવાદ અને પરમાણુ સુરક્ષા પર કેન્દ્રિત છે.

ભારતે અમેરિકાને પાકિસ્તાનના એફ-૧૬ ફાઈટર વિમાનો માટે સહાયતા પેકેજ આપવાના વોશિંગ્ટનના નિર્ણય પર ચિંતાઓની જાણ કરી હતી. અમેરિકન સંસદને અપાયેલા એક નોટિફિકેશનમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તેણે પાકિસ્તાનને એફ-૧૬ ફાઈટર વિમાનોની જાળવણી માટે સંભવિત વિદેશ સૈન્ય વેચાણ (એફએમએસ)ને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.  મંત્રાલયે દલીલ કરી હતી કે તેનાથી ઈસ્લામાબાદને વર્તમાન તથા ભવિષ્યમાં આતંકીઓના જોખમનો સામનો કરવામાં સક્ષમ બનાવી રાખવામાં મદદ મળશે.

Gujarat