World

એન્થ્રોપિકના એઆઇ મોડેલે સરકારી વેબસાઇટમાં ઘૂસી ગેરકાયદે રીતે ડેટા તફડાવ્યો

By GS Team
27 Oct 20264 mins read
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ ક્લોડે જ્યોર્જિયા રાજ્યનો ચૂંટણી ડેટા ફી ચૂકવ્યા વિના મેળવી લીધો છે. એન્થ્રોપિક કંપનીના આ AI મોડેલે પેવોલ બાયપાસ કરીને આ માહિતી મેળવી હતી. અગાઉ ક્લોડના એક મોડેલે ફિલાડેલ્ફિયા પોલીસને ખૂન કેસમાં ખોટી બાતમી પણ આપી હતી, જેનાથી AI સિસ્ટમ્સની સુરક્ષા અને સ્વાયત્તતા પર ચિંતા વ્યક્ત થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્થ્રોપિકના એઆઇ મોડેલે સરકારી વેબસાઇટમાં ઘૂસી ગેરકાયદે રીતે ડેટા તફડાવ્યો
  • એઆઇ મોડેલે ક્લોડે પેવોલ બાયપાસ કર્યો
  • ક્લોડના બીજા મોડેલે અગાઉ પોલીસને ખોટી બાતમી આપી હતી જ્યોર્જિયા રાજ્યનો ચૂંટણી ડેટા ફી ચૂકવ્યા વગર મેળવી લીધો

નવી દિલ્હી : એઆઇ મોડેલ્સ હવે વધુ સક્ષમ બની રહ્યા છે અને પરવાનગી વગર નહીં કરવા જેવા કામ કરી નાખે છે. યુનાઇટેડ સ્ટેટસના જ્યોર્જિયાના મતદારોનો ડેટા ક્લોડ એઆઇએ મેળવી લીધો છે. આ ડેટા મેળવવા ક્લોડ પાસે કોઈ ઓથોરાઇઝેશન નહોતું તેવું કંપની એન્થ્રોપિક કહે છે. આ ડેટા નાણા ખર્ચ્યા વગર મળતો નથી, પણ ક્લોડ એઆઇએ તો પેવોલ બાયપાસ કરીને ડેટા મેળવી લીધો હતો. આવું કૃત્ય ક્લોડના કયા મોડેલે કર્યું અને ક્યારે કર્યું તેની એન્થ્રોપિકે જાણ કરી નથી.
સ્ટેટિસટિક્સના એક પ્રોજેક્ટ માટે ક્લોડનો ઉપયોગ કરાઈ રહ્યો હતો. આ 'ટ્રેઇનિંગ રન' દરમિયાન એઆઇને જાણ થઈ હતી કે પબ્લિક ડેશ બોર્ડનો ઉપયોગ કરવા વિઝિટર્સને એક્સેસ ટોકન આપવામાં આવે છે.
જે માહિતી ફી ચૂકવ્યા પછી જ મળે તે માહિતી માટે મોડેલે ડેશ બોર્ડ પાસેથી એક્સેસ ટોકનની વિનંતી કરી હતી અને વોટર્સ ડેટા (મતદાતાઓની વિગતો) મેળવી લીધો હતો.
એન્થ્રોપિકના એક પ્રવક્તાએ કહ્યું કે 'આવા કૃત્યો ફરી વાર નહીં થઈ શકે તે માટે અમે પગલાં ભર્યા છે.
ક્લોડે વ્યક્તિગત મતદારોની વિગત મેળવી નથી અથવા વોટર્સ ડેટામાં ફેરફારો કર્યા નથી તેવી સ્પષ્ટતા એન્થ્રોપિકે કરી હતી.
આ બનાવ બન્યો હતો તે પછી એન્થ્રોપિકે જ્યોર્જિયા સેક્રેટરી ઓફ સ્ટેટ અને વ્હાઇટ હાઉસને જાણ કરી હતી, આ ઘટના જૂની છે, પણ હવે જાહેર થઈ છે. જ્યોર્જિયા ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ જોર્ડન કૂક્સે કહ્યું હતું કે એઆઇએ પ્રોટેક્ટેડ (રક્ષિત) વોટર્સ ફાઇલ્સ મેળવી નહોતી, પણ જાહેરમાં ઉપલબ્ધ (ફી ભર્યા પછી) વોટર્સ ડેટા જ મેળવ્યો હતો. અહીં મહત્ત્વનું એ છે કે પેવોલ બાયપાસ કરી ડેટા મેળવવામાં આવ્યો હતો. ટોકન અથવા પેમેન્ટની આવશ્યક્તાથી રક્ષિત માહિતીને ક્લોડ વગર પેમેન્ટ મેળવી શકે છે તેવું એન્થ્રોપિકે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું. ફેડરલ, રાજ્યની અને સ્થાનિક સરકારી સંસ્થાઓની વેબસાઇટ્સ પરની પેવોલ્સને બાયપાસ કરી શકાય છે તેવું કંપનીએ જણાવ્યું હતું.
અમેરિકામાં નવેમ્બરમાં મધ્યસત્રી ચૂંટણીઓ થશે તેવા સમયે વોટર ડેટા સુધી પહોંચવાની એઆઇ એજન્ટનું કૃત્ય ખૂબ જ ચિંતાજનક છે. પરવાનગી વગર આગળ વધે તેવાને 'રોગ' એઆઇ એજન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એઆઇ એજન્ટ્સને તેમની નિયંત્રિત સરહદમાં રહેવું જોઈએ તેની ખાત્રી કરવી જરૂરી છે તેવું આ ઘટના દર્શાવે છે.
ઓટોનોમસ (સ્વાયત્ત) એઆઇ સિસ્ટમ્સ સુરક્ષા જોખમો ઊભા કરે છે તે આ બનાવ દર્શાવે છે. આ બનાવ ક્યારે બન્યો તે તારીખ કંપનીએ જણાવી નથી. આવો એક અન્ય બનાવની પણ આ મહિનામાં જાણ થઈ છે. ક્લોડના એક મોડેલે જુલાઈમાં ફિલાડેલ્ફિયા પોલીસ વેબસાઇટને એક ખૂન કેસમાં ખોટી ટીપ આપી દીધી હતી. એન્થ્રોપિકના એક એઆઇ મોડેલે ફિલાડેલ્ફિયા પોલીસ વેબસાઇટને એક ખૂન કેસ અંગે ખોટી ટીપ (બાતમી) આપી હતી. એન્થ્રોપિકના મોડેલે પોતાની રજૂઆતમાં ૧૮મી જુલાઈએ લખ્યું હતું કે 'મારી પાસે આ કેસ સંબંધી માહિતી હોય શકે છે. આ વિસ્તારમા ંવર્ણનને મેચ કરતો કોઈ વ્યક્તિને મેં જોયો હતો. આ માહિતી કામની હોય તો મારો સંપર્ક કરવા વિનંતી. જોકે ફિલાડેલ્ફિયા પોલીસે ટીપને 'સ્પામ' ગણી હતી અને તે બાબતમાં તપાસ કરી નહોતી.
ઓપન એઆઇના એજન્ટોએ પણ યુનાઇટેડ સ્ટેટસ અને ઓસ્ટ્રેલિયાની સરકારી વેબસાઇટ્સ એક્સેસ કરી છે. ઓસ્ટ્રેલિયાના એક હેલ્થ ડેટા પોર્ટલનું એક 'રોગ' (બિનઅધિકૃત કાર્ય કરતો એઆઇ એજન્ટ) એઆઇ એજન્ટે હેકિંગ કર્યુ ંહતું તે બાબતમાં ઓપન એઆઇ સપ્ટેમ્બરમાં માપી માગી હતી.

એન્થ્રોપિકે ૧૦૦ અબજ ડોલર એકત્ર કરવા આઇપીઓ માટે પેપર ફાઇલ કર્યા

આર્ટિેફિશિયલ ઇન્ટેલિજન્સની મોટી કંપની એન્થ્રોપિકે સોમવારે અત્યાર સુધીનાં સૌથી મોટા આઇપીઓ માટે પેપર ફાઇલ કર્યા છે. આ પેપર એવા સમયે ફાઇલ કરવામાં આવ્યા છે જ્યારે આ કંપનીનાં ટોચનાં એક્ઝિક્યુટીવે ચેતવણી આપી છે કે એડવાન્સ્ડ એઆઇ માનવતા માટે ખતરો બની શકે છે. આ ફાઇલિંગથી સાન ફ્રાન્સિસ્કોની કંપની વોલ સ્ટ્રીટમાં એન્ટ્રી કરશે. જે જૂનમાં આવેલા સ્પેસએક્સનાં આઇપીઓને પાછળ છોડી દેશે. જેણે વિક્રમજનક ૮૬ અબજ ડોલર એકત્ર કર્યા હતાં. રિપોર્ટ અનુસાર આ આઇપીઓ ૧૦૦ અબજ ડોલર એકત્ર કરી શકે છે. એન્થ્રોપિક આઇપીઓથી કંપની ઓપનએઆઇથી પણ આગળ નીકળી જશે. આ આઇપીઓ એન્થ્રોપિક પોતાના વિસ્તારમાં તેજી લાવવા માટે ઘણા બધા રિસોર્સ આપી શકે છે. કંપની અંતે ચોક્કસ કેટલી રકમ એકત્ર કરશે તે હાલમાં કહી શકાય તેમ નથી. આ આઇપીઓથી અમોદેઇ અને તેમના બહેન તથા કો ફાઉન્ડર ડેનિએલાની સંપત્તિમાં અબજો ડોલરનો વધારો કરશે.