ઈરાન સંઘર્ષ વચ્ચે વધુ એક મોટું સંકટ! મોચા શહેર પર હૂતીઓનો કબજો, સાઉદી સરહદે ભીષણ અથડામણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Houthi-Yemen Conflict : યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રના અત્યંત મહત્વપૂર્ણ બંદર શહેર મોચા પર કબજો જમાવી લીધો છે. યમન સરકારના 3 અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. મોચા શહેર બાબ-અલ-મંદેબ સ્ટ્રેટથી 50 માઈલ કરતા પણ ઓછા અંતરે આવેલું છે. ગુરુવારે સવારે યમનની સરકારી સેના પાછળ હટી ગઈ હતી અને હૂતી લડવૈયાઓ આગળ વધી ગયા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ શહેરની અંદર હૂતી લડવૈયાઓની હાજરી દર્શાવતા તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
મોચા પર કબજો અને વિરોધી દળોનો વળતો પ્રહાર
મોચા પર આ કબજો હૂતીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવે છે. આનાથી લાલ સમુદ્ર અને બાબ-અલ-મંદેબ વિસ્તારમાં તેમનો પ્રભાવ વધુ મજબૂત બની શકે છે. જોકે, હૂતીઓ સામે લડી રહેલા નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે જણાવ્યું છે કે તેના એક કમાન્ડર લશ્કરી ટુકડી સાથે ગુરુવારે સવારે મોચામાં દાખલ થયા છે. સંગઠને સ્પષ્ટતા કરી છે કે એન્ટી-હૂતી ગઠબંધન સાથે મળીને મોચાની સુરક્ષા વ્યવસ્થા ફરીથી ગોઠવવા અને તેને મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના જણાવ્યા અનુસાર, તેમના સૈનિકો અને હૂતી નૌકાદળ વચ્ચે પણ અથડામણ થઈ છે.
બાબ-અલ-મંદેબ પર હૂતીઓની નજર
યમન સરકારના 4 લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, હૂતીઓ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર પોતાનો પ્રભાવ વધારવાની ખૂબ નજીક પહોંચી ગયા છે. આ સમુદ્રી માર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપારી માર્ગો પૈકીનો એક છે. હૂતીઓ મોચા અને ધુબાબ જેવા દરિયાકાંઠાના શહેરો પર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે, કારણ કે આ શહેરો સીધા બાબ-અલ-મંદેબની નજીક આવેલા છે.
આંતરરાષ્ટ્રીય જળમાર્ગનું વ્યૂહાત્મક મહત્વ
બાબ-અલ-મંદેબ લાલ સમુદ્રનો દક્ષિણ પ્રવેશદ્વાર છે, જે યમનને આફ્રિકન દેશો જિબૂતી અને એરિટ્રિયાથી અલગ કરે છે. ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઈલ અને ઈંધણ આ જ દરિયાઈ માર્ગે ભૂમધ્ય સમુદ્ર તરફ જાય છે. આ સિવાય એશિયા તરફ આવતા-જતા મોટાભાગના માલસામાનની હિલચાલ પણ આ જ વ્યૂહાત્મક માર્ગ દ્વારા થાય છે.
સાઉદી અરેબિયા સાથે વધતો સંઘર્ષ
છેલ્લા કેટલાક દિવસોમાં હૂતીઓ અને સાઉદી અરેબિયા સમર્થિત યમન સરકારી દળો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. વર્ષ 2022 માં સંયુક્ત રાષ્ટ્ર (UN) ની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામે યમનમાં લાંબા સમયથી ચાલતા યુદ્ધને મોટા પાયે શાંત કર્યું હતું, પરંતુ આ કરાર હવે નબળો પડી રહ્યો હોય તેવું જણાય છે.
પરસ્પર હુમલા અને હવાઈ મથકો પર નિશાન
હૂતીઓએ બુધવારે દાવો કર્યો હતો કે સાઉદી અરેબિયાએ યમનના જૌફ, મારીબ અને સાદા પ્રાંતોની સાથે તાઈઝ અને લાલ સમુદ્ર કિનારે આવેલા અલ-હુદૈદાહ પર હુમલા કર્યા છે. જોકે સાઉદી અરેબિયાએ આ હુમલાઓની પુષ્ટિ કરી નથી. બીજી તરફ, સાઉદી અરેબિયાના ખમીસ મુશૈતમાં ગુરુવારે 24 કલાકમાં ચોથી વખત ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાઉદી ગઠબંધનના જણાવ્યા મુજબ, તાજેતરના હૂતી હુમલાઓમાં દેશના 4 દક્ષિણી શહેરોમાં ઓછામાં ઓછા 73 લોકો ઘાયલ થયા છે. હૂતીઓએ ખમીસ મુશૈતના એરબેઝ અને આસપાસના તેલ મથકોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.




