ઓમાનના દરિયાકાંઠે ફરી કોમર્શિયલ જહાજ પર મોટો હુમલો, 11 ભારતીયોમાંથી 10ને બચાવાયા, 1 ગુમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Oman Ship Attack | ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ જહાજ ‘GFS ગેલેક્સી’ (GFS Galaxy) પર મોટો હુમલો થયો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) રવિવારે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ જહાજ પર કુલ 11 ભારતીય નાગરિકો સવાર હતા.
10 ભારતીયોનો બચાવ, એક હજુ પણ ગુમ
વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, હુમલા બાદ તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય નાગરિક હજુ પણ ગુમ છે. ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ ત્યાંના સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે અને સર્ચ ઓપરેશન પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.
વધતા જતા હુમલા અંગે ભારતની ચિંતા
આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા સતત હુમલા અંગે ભારતે ઊંડી ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું છે. સરકારે વૈશ્વિક મંચ પરથી અપીલ કરી છે કે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને તાત્કાલિક ઓછો કરવામાં આવે અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં આવે.
મુક્ત દરિયાઈ વેપારની વકીલાત
ભારતે સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે કોમર્શિયલ જહાજો અને નાગરિકોની સુરક્ષાને નિશાન બનાવવાનો આ સિલસિલો હવે બંધ થવો જોઈએ. વૈશ્વિક વેપાર સુરક્ષિત રીતે ચાલી શકે તે માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ તમામ દરિયાઈ માર્ગો પર મુક્ત અને અવરોધ વિનાની અવરજવર જલ્દીથી બહાલ થવી જરૂરી છે.









