World

હોર્મુઝ બંધ કરતાં ઈરાન પર અમેરિકાના ભયાનક હુમલા, ઓઇલ-ગેસ સપ્લાય સામે ફરી સંકટ

By GS Team
12 Jul 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની જાહેરાત કરી, જેના કલાકોમાં જ અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ઈરાનના મતે, એક જહાજે નિયમોનું ઉલ્લંઘન કરતા આ કાર્યવાહી કરાઈ. અમેરિકાએ સાયપ્રસના જહાજ M/V GFS Galaxy પર ઈરાનના હુમલાના જવાબમાં વળતો પ્રહાર કર્યો. ટ્રમ્પે 1000 મિસાઈલોની ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ બંધ કરતાં ઈરાન પર અમેરિકાના ભયાનક હુમલા, ઓઇલ-ગેસ સપ્લાય સામે ફરી સંકટ

Hormuz Crisis Iran and USA war Updates | પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ફરી એકવાર ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં પરિણમતો જોવા મળી રહ્યો છે. ઈરાને રવિવારે વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ વેપાર માર્ગો પૈકીના એક 'હોર્મુઝ સ્ટ્રેટ'ને આગામી નોટિસ સુધી અચોક્કસ મુદત માટે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ઈરાનના આ આક્રમક પગલાના થોડા જ કલાકોમાં અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ શરૂ કરી દીધા છે, જેના કારણે દુનિયાભરમાં તેલ અને ગેસના સપ્લાય પર ગંભીર ખતરો ઊભો થયો છે.

જહાજો પર ઈરાનનો આરોપ અને નાકાબંધીનું કારણ

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, એક જહાજે નિર્ધારિત દરિયાઈ માર્ગનું ઉલ્લંઘન કર્યું હતું અને પોતાની નેવિગેશન સિસ્ટમ પણ બંધ કરી દીધી હતી. વારંવારની ચેતવણીઓ છતાં જહાજે રસ્તો ન બદલતા તેની પર કાર્યવાહી કરાઈ છે. IRGC નો એવો પણ દાવો છે કે અન્ય ઘણા જહાજો પણ મંજૂરી વગરના રસ્તાઓ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આથી, જ્યાં સુધી વિસ્તારમાંથી અમેરિકન દખલગીરી બંધ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવાનો નિર્ણય ઈરાને લીધો છે.

અમેરિકાનો તાબડતોડ વળતો પ્રહાર

ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જ અમેરિકન સેનાએ રવિવારે ઈરાનના સૈન્ય મથકો, IRGC સાથે જોડાયેલા ઠેકાણાઓ અને દક્ષિણી વિસ્તારોમાં વળતા હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા સાયપ્રસના કન્ટેનર જહાજ M/V GFS Galaxy પર ઈરાન દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાનના હુમલામાં જહાજ પર ભીષણ આગ ફાટી નીકળી હતી, એન્જિન રૂમને નુકસાન થયું હતું અને એક ક્રૂ મેમ્બર લાપતા છે. અગાઉ કતાર અને સાઉદી અરેબિયાના ત્રણ ટેન્કરો પર પણ હુમલા થયા હતા, જેનો આરોપ અમેરિકાએ ઈરાન પર લગાવ્યો છે.

ટ્રમ્પની 1000 મિસાઈલોની ચેતવણી

આ તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાનું વલણ વધુ કડક કર્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જૂનમાં થયેલો યુદ્ધવિરામ હવે સમાપ્ત થઈ ગયો છે. જો અમેરિકન હિતો પર હુમલો થશે તો કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ દાવો કર્યો હતો કે અમેરિકાની 1000 મિસાઈલો સંપૂર્ણપણે તૈયાર છે અને જરૂર પડ્યે તેનો ઉપયોગ ઈરાન સામે કરવામાં આવશે. બીજી તરફ, ઈરાને ધમકી આપી છે કે જો સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે તો તે અમેરિકન અને સહયોગી દેશોના સૈન્ય મથકોને નિશાન બનાવશે.

બંને દેશો વચ્ચે શાંતિના પ્રયાસો

એક તરફ યુદ્ધની સ્થિતિ છે, તો બીજી તરફ ઓમાન, કતાર અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઓમાનના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. ઓમાને પ્રસ્તાવ મૂક્યો છે કે દક્ષિણ કોરિડોરમાંથી જહાજોને મુક્તપણે પસાર થવા દેવામાં આવે અને ઉત્તરીય માર્ગ માટે ઈરાનની મંજૂરી લેવામાં આવે. જોકે, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ મોજતબા ખામેનેઈએ તેમના પૂર્વગામીના મોતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તણાવ વધુ વકર્યો છે.