VIDEO : અમેરિકામાં વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ, સિક્રેટ સર્વિસે શખસને મારી ગોળી
Firing Near White House : અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગની ઘટના બની છે, જેમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓએ બંદૂક લઈને આવેલા શખસને ગોળી મારી છે. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી, જોકે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં હતાં. વાસ્તવમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓને માહિતી મળી હતી કે, વ્હાઈસ પાસે આવેલો વ્યક્તિ આત્મઘાતી છે, તેથી તેઓએ શખસની પૂછપરછ કરી અને અચાનક અથડામણ થયા બાદ ફાયરિંગ થયું હતું.
બંદૂક લઈને આવેલો વ્યક્તિ ઈન્ડિયાનાથી આવ્યો હતો
સૂત્રોના જણાવ્યા મુજબ બંદૂક લઈને આવેલો વ્યક્તિ ઈન્ડિયાનાથી આવ્યો હતો. રિપોર્ટ મુજબ સિક્રેટ સર્વિસને લોકલ પોલીસે માહિતી આપી હતી કે, ફાયરિંગ કરનાર વ્યક્તિ જેવો જ મળતો ચહેરો અને તેની કાર વ્હાઈટ પાસે જોવા મળી હતી. ત્યારબાદ અધિકારીઓએ આ કાર્યવાહી કરી હતી.
સિક્રેટ સર્વિસે શખસ પર કર્યું ફાયરિંગ
એવું કહેવાય છે કે, સિક્રેટ સર્વિસના અધિકારીઓને માહિતી મળ્યા બાદ તેઓ શખસ પાસે ગયા હતા. આ દરમિયાન અધિકારીઓએ તેની પૂછપરછ કરતા તે વ્યક્તિએ અધિકારીઓને બંદૂક દેખાડી હતી. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે, તે શખસે અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં. જોકે એવું કહેવાય છે કે, તેણે બંદૂક બતાવતા અથડામણ થઈ હતી અને ત્યારબાદ અધિકારીઓએ તે વ્યક્તિને ગોળી મારી દીધી હતી.
ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
સિક્રેટ સર્વિસના અધિકારીઓએ કહ્યું કે, અમારા અધિકારીઓએ શખસને ગોળી મારી છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા શખસને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે હાલ તેની હાલત શું છે, તે અંગે કોઈ માહિતીસામે આવી નથી. આ ઘટના અન્ય કોઈને પણ નુકસાન થયું નથી. આ ઘટના વ્હાઈટ હાઉસથી થોડે દૂર એક બ્લોક પાસે બની છે. સિક્રેટ સર્વિસે કહ્યું કે, ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : આ તત્ત્વો સામે કડકમાં કડક પગલાં લો, કેલિફોર્નિયામાં મંદિર પર હુમલા મુદ્દે ભારત લાલઘૂમ