આ તત્ત્વો સામે કડકમાં કડક પગલાં લો, કેલિફોર્નિયામાં મંદિર પર હુમલા મુદ્દે ભારત લાલઘૂમ
Hindu Temple Vandalised in California USA: અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંથી એક શ્રી સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરાયું અને દિવાલો પર ભારતવિરોધી નારા લખી દેવામાં આવ્યા હતા. BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. હવે આ અંગે વિદેશ મંત્રાલયે પર પ્રતિક્રિયા આપી છે.
'હિન્દુ સમુદાયના લોકો સામે નફરતને ક્યારેય પગભર નહીં થવા દઈએ'
સોશિયલ મીડિયા પોસ્ટમાં BAPS પબ્લિક અફેર્સે લખ્યું, 'આ વખતે ચિનો હિલ્સ કેલિફોર્નિયામાં વધુ એક મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું. અમે ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિન્દુ સમુદાયના લોકો સામે નફરતને ક્યારેય પગભર નહીં થવા દઈએ. અમારી સંયુક્ત માનવતા અને આસ્થા સુનિશ્ચિત કરશે કે શાંતિ અને સદભાવ કાયમ રહે. જોકે હજુ સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.'
વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા
ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે અને સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'અમને કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ થયાની માહિતી મળી છે. અમે આવા ઘૃણાસ્પદ કૃત્યોની સખત નિંદા કરીએ છીએ. અમે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને આ કૃત્યો માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા અને ધાર્મિક સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા આહવાન કરીએ છીએ.'
અમેરિકામાં હિન્દુઓના ગઠબંધનનું નિવેદન સામે આવ્યું
અમેરિકામાં હિન્દુઓના ગઠબંધન (CoHNA) એ આ ઘટનાની ટીકા કરતાં એક પોસ્ટ કરી હતી જેમાં વધુ એક મંદિરમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરાયો હતો. પોસ્ટમાં લખ્યું કે આ વખતે ચિનો હિલ્સની ઘટના BAPS મંદિરમાં બની. આ દુનિયાનો વધુ એક દિવસ છે જ્યાં મીડિયા અને શિક્ષણવિદ એ વાત પર ભાર મૂકશે કે હિન્દુઓ વિરુદ્ધ કોઈ નફરત નથી અને હિન્દુફોબિયા ફક્ત અમારી કલ્પના છે.