World

ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ ભડકાવવું અમેરિકાને જ ભારે પડ્યું, 1945ના જાપાન-જર્મની જેવા હાલ થયા!

By GS Team
13 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી ભડકતાં વૈશ્વિક ચિંતા વધી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે અમેરિકાના હથિયારોનો ભંડાર ખતરનાક રીતે ખાલી થઈ રહ્યો છે. THAAD અને પેટ્રિયટ જેવી આધુનિક મિસાઈલોનો સ્ટોક અડધો થઈ ગયો છે. ટ્રમ્પની યુદ્ધવિરામ સમાપ્તિની જાહેરાત બાદ આગામી દિવસોમાં જંગ વધુ ભયાનક બનશે. નિષ્ણાતોના મતે, આ યુદ્ધ લાંબુ ચાલશે તો અમેરિકાની સ્થિતિ બીજા વિશ્વયુદ્ધ બાદના જાપાન-જર્મની જેવી થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ ભડકાવવું અમેરિકાને જ ભારે પડ્યું, 1945ના જાપાન-જર્મની જેવા હાલ થયા!

US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળતાં વૈશ્વિક સ્તરે ભારે ચિંતા વ્યાપી ગઈ છે. પશ્ચિમ એશિયાના આ ભીષણ તણાવ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે કે, ઈરાન સામેની લાંબી લડાઈના કારણે અમેરિકાના હથિયારોનો ભંડાર ખતરનાક સ્તરે ખાલી થઈ રહ્યો છે. અમેરિકાની સૌથી આધુનિક ગણાતી 'THAAD' અને 'પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર' મિસાઇલોનો સ્ટોક ઘટીને અત્યારે અડધો થઈ ચૂક્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે હવે યુદ્ધવિરામનો સમય પૂરો થઈ ગયો છે, જેથી આગામી દિવસોમાં આ જંગ વધુ ભયાનક બને તેવી પૂરી આશંકા છે. સંરક્ષણ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ યુદ્ધ આમ જ લાંબું ચાલશે, તો અમેરિકાની સ્થિતિ પણ બીજા વિશ્વયુદ્ધ (1945) પછીના જાપાન અને જર્મની જેવી થઈ શકે છે, જેઓ એક સમયે મહાસત્તા હતા પરંતુ લાંબી લડાઈના કારણે સૈન્ય અને આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા.

ભવિષ્યમાં ચીન અને ઉત્તર કોરિયા સામે લડવાની ક્ષમતા પર જોખમ

રિપોર્ટ પ્રમાણે, ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ શરૂઆતના તબક્કામાં જ લાંબા અંતરની સચોટ હુમલો કરનારી હજારો એડવાન્સ મિસાઇલો અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરી નાખ્યો છે. આ અંધાધૂંધ વપરાશના કારણે અમેરિકાના સૈન્ય ભંડાર પર ગંભીર અસર પડી છે. 'સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ' (CSIS)ના સંરક્ષણ વિશ્લેષક અને નિવૃત્ત મરીન કર્નલ માર્ક કેન્સિયનના જણાવ્યા અનુસાર, જો આગામી થોડા દિવસો સુધી પણ આ જ સ્થિતિ રહી, તો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકા માટે વ્યૂહાત્મક જોખમ ખૂબ વધી જશે. હથિયારો એટલી ઝડપથી વપરાઈ રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં તેની ભરપાઈ કરવી અશક્ય દેખાઈ રહી છે. આનાથી ભવિષ્યમાં ચીન કે ઉત્તર કોરિયા જેવા શક્તિશાળી હરીફો સામે મોટું યુદ્ધ લડવાની અમેરિકાની ક્ષમતા નબળી પડી શકે છે.

THAAD અને પેટ્રિયટ જેવી ઘાતક મિસાઇલોનો સ્ટોક ખાલી થવાના આરે

સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના વિશ્લેષણ મુજબ, એપ્રિલમાં ઈરાન સાથેનો સંઘર્ષ આંશિક રીતે શાંત થયો ત્યાં સુધીમાં અમેરિકા પોતાના THAAD બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સના ઓછામાં ઓછા 50%, પેટ્રિયટ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર્સના લગભગ 50% અને ટોમાહોક ક્રૂઝ મિસાઇલોના આશરે 30% ભાગનો ઉપયોગ કરી ચૂક્યું હતું. ત્યારબાદ હુમલાની તીવ્રતા થોડી ધીમી પડતાં વપરાશ ઘટ્યો હતો, પરંતુ નવા હથિયારો બનવાની ઝડપ અત્યંત ઓછી છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, હાલની ઉત્પાદન ક્ષમતા મુજબ અમેરિકાના સંરક્ષણ વિભાગને દર મહિને માત્ર 15 નવી ટોમાહોક અને 20 પેટ્રિયટ મિસાઇલો જ મળી રહી છે. જ્યારે વર્ષ 2026માં THAAD ઇન્ટરસેપ્ટર મિસાઇલોની એકપણ નવી ડિલિવરી નક્કી નથી. આ સંજોગોમાં હથિયારોના ભંડારને ફરીથી યુદ્ધ પહેલાંના સ્તરે પહોંચાડવામાં 3થી 5 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે.

બજેટની અછત અને પેન્ટાગોનનો બચાવ

ભૂતપૂર્વ પેન્ટાગોન અધિકારી એલેન મેકકસ્કરનું કહેવું છે કે મહત્ત્વના હથિયારોનો સપ્લાય ફરી પૂર્વવત કરવામાં વર્ષો નીકળી જશે. બીજી તરફ, સંરક્ષણ નિષ્ણાત જોન ફેરારીએ દાવો કર્યો છે કે યુદ્ધ શરૂ થયા છતાં અમેરિકન કોંગ્રેસ (સંસદ) દ્વારા મિસાઇલોના તાત્કાલિક ઉત્પાદન માટે હજુ સુધી કોઈ વધારાના બજેટને મંજૂરી આપવામાં આવી નથી, જેથી ઉત્પાદન સામાન્ય ગતિએ જ ચાલી રહ્યું છે. જોકે, આ વિવાદ વચ્ચે અમેરિકાના સંરક્ષણ વિભાગ 'પેન્ટાગોન'નું કહેવું છે કે તેઓ ડિફેન્સ પ્રોડક્શનની ક્ષમતા વધારવા માટે સતત કામ કરી રહ્યા છે.

ટ્રમ્પ સરકારે 'ડિફેન્સ પ્રોડક્શન એક્ટ'નો ઉપયોગ કરીને મિસાઇલ ઉત્પાદનમાં નડતી વહીવટી અડચણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સાથે જ જર્મની અને યુક્રેન જેવા સહયોગી દેશોને પેટ્રિયટ મિસાઇલોના સ્થાનિક ઉત્પાદનની મંજૂરી આપવા દિશામાં પણ પગલાં લેવાયા છે. પેન્ટાગોને દાવો કર્યો છે કે પોતાના હિતો અને મિત્ર દેશોની રક્ષા કરવા માટે અમેરિકા પાસે પૂરતી સૈન્ય ક્ષમતા છે, પરંતુ નિષ્ણાતો માને છે કે જો ઈરાન સાથે લાંબી લડાઈ ખેંચાશે તો વૈશ્વિક સ્તરે અમેરિકાની બાદશાહત જોખમમાં આવી શકે છે.