Get The App

'...નહીંતર ગંભીર પરિણામ ભોગવવા પડશે', પાકિસ્તાન પર કેમ ભડક્યું અફઘાનિસ્તાન?

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
Taliban Zabiullah Mujahid Target Pakistan PM Shehbaz Sharif


Taliban Zabiullah Mujahid Target Pakistan PM Shehbaz Sharif:  પાકિસ્તાનને આડેહાથ લેતા અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું છે કે, પાકિસ્તાની નેતાઓએ દરેક સમસ્યા માટે અફઘાનિસ્તાન પર આંગળી ચીંધવાનું બંધ કરવું જોઈએ. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ચેતવણી આપી છે કે પાકિસ્તાની નેતાઓએ ઉશ્કેરણીજનક નિવેદનો અને કાબુલ પર ખોટા આરોપો લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બંને દેશોના સંબંધો બગડી શકે છે અને ગંભીર પરિણામો આવી શકે છે.

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે તણાવ: TTP પર આરોપ-પ્રત્યારોપ

પાકિસ્તાન દ્વારા કાબુલ વિરુદ્ધ આક્રમક ભાષાના ઉપયોગ અંગે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે. આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે પાકિસ્તાનની સેના અને સરકારે તાજેતરમાં અફઘાનિસ્તાન પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે, 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને અફઘાનિસ્તાનમાં આશ્રય મળ્યો છે.'

TTP પર નિયંત્રણ અને સંબંધો સુધારવા માટે વાતચીત જરૂરી: તાલિબાન

ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, 'તેના નેતાઓની ધમકીઓથી ટીટીપી પર નિયંત્રણ રાખવું મુશ્કેલ થઈ જશે. પાકિસ્તાની અધિકારીઓ અને નેતાઓની આક્રમક ભાષાને કારણે બંને દેશોના સંબંધોને નુકસાન થશે. પાકિસ્તાની નેતાઓએ વાતાવરણ બગાડવા કે સૈન્ય કાર્યવાહીની વાત કરવાને બદલે વાતચીત દ્વારા સમાધાન શોધવું જોઈએ.'

તાલિબાને શું કહ્યું?

તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, 'પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓના હુમલાઓ તાજેતરમાં જ શરૂ થયા નથી. પાકિસ્તાને અમને દોષ આપવાને બદલે આવા હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે પગલાં ભરવા જોઈએ. મુજાહિદે કહ્યું કે ઇસ્લામાબાદે કાબુલ સાથે પણ માહિતી શેર કરવી જોઈએ જેથી અમે આ જોખમોનો સામનો કરવાના પ્રયાસો કરી શકીએ. અમે શાંતિ ઇચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાન તેમાં રસ ધરાવતું નથી.'

આ પણ વાંચો: બ્રિટનમાં અનોખા લગ્ન, હનીમૂન માટે કપલે QR કોડ લગાવી પૈસા એકઠાં કર્યા

શહબાઝ શરીફે શું નિવેદન આપ્યું હતું?

તાલિબાન તરફથી આવેલા આ નિવેદનને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. શહબાઝે તાજેતરમાં કહ્યું હતું કે, 'જો અફઘાન તાલિબાન ટીટીપીને સમર્થન આપવાનું ચાલુ રાખશે તો અમે કાબુલ સાથે સંબંધો તોડી નાખીશું. અફઘાન તાલિબાને ઇસ્લામાબાદ અને ટીટીપીમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે. પાકિસ્તાન સતત આરોપ લગાવે છે કે ટીટીપીના આતંકવાદીઓ તેના દેશમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપતા રહે છે અને તેમને અફઘાન તાલિબાનનું સમર્થન પણ મળે છે.

પાકિસ્તાનનું માનવું છે કે જ્યારેથી કાબુલ પર અફઘાન તાલિબાનનો કબજો થયો છે, ત્યારથી ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન જેવા પ્રાંતોમાં સુરક્ષા વ્યવસ્થા એક પડકાર બની ગઈ છે. ટીટીપીના આતંકવાદીઓ પાકિસ્તાનના સુરક્ષા દળો, માળખાકીય સુવિધાઓ અને ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારા (CPEC) ને નિશાન બનાવે છે. પાકિસ્તાનની સેના અને સરકાર બંનેનું માનવું છે કે ટીટીપીનો બેઝ અફઘાનિસ્તાનમાં છે.

'...નહીંતર ગંભીર પરિણામ ભોગવવા પડશે', પાકિસ્તાન પર કેમ ભડક્યું અફઘાનિસ્તાન? 2 - image

Tags :