'અમેરિકાની શરતો માની લઈશું તો અર્થતંત્ર જ ડૂબી જશે...' દ.કોરિયાના પ્રમુખનું મોટું નિવેદન
Big Statement From The President of South Korea: દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગે મોટું નિવેદન આપતાં કહ્યું કે, જો અમારી સરકાર અમેરિકાની વર્તમાન રોકાણની માગણીઓને સુરક્ષા ઉપાયો વિના માની લેશે, તો દેશની અર્થવ્યવસ્થા 1997ના નાણાકીય સંકટ જેવી પરિસ્થિતિમાં મૂકાઈ શકે છે. તેમણે આ નિવેદન એક મીડિયા કંપની સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું.
જુલાઈમાં સિઓલ અને વોશિંગ્ટન વચ્ચે એક મૌખિક ટ્રેડ ડીલ થઈ હતી, જેના હેઠળ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ ઘટાડવા સંમત થયું હતું. બદલામાં દક્ષિણ કોરિયાએ 350 અબજ ડૉલરનું રોકાણ અમેરિકામાં કરવાનું હતું. જોકે, આ કરાર હજુ સુધી કોઈ હસ્તાક્ષર નથી થયા, કારણ કે રોકાણની શરતો અંગે બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
પ્રમુખ લી એ કહ્યું કે, કરન્સી સ્વેપ વિના જો અમે અમેરિકન માગ પ્રમાણે 350 બિલિયન ડૉલર રોકડ કાઢીને અમેરિકામાં રોકાણ કરીએ, તો દક્ષિણ કોરિયા એવી જ સ્થિતિનો સામને કરશે, જેવી સ્થિતિ 1997ના નાણાકીય સંકટ દરમિયાન સર્જાઈ હતી. અમેરિકાની શરતોને માની લઈશું તો અર્થતંત્ર જ ડૂબી જશે.
શું બોલ્યા મ્યુંગ
લી જે મ્યુંગે પોતાની ઑફિસમાં આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકન ઇમિગ્રેશન દરોડાઓનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સેંકડો કોરિયન નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે ઉત્તર કોરિયા, ચીન અને રશિયા સાથેના સંબંધો પર પણ ચર્ચા કરી.
જોકે, હાલમાં અમેરિકા સાથે વેપાર અને સંરક્ષણ વાટાઘાટો સૌથી વધુ ચર્ચામાં છે. અમેરિકા દક્ષિણ કોરિયાનું સૈન્ય સહયોગી અને ટોચનું આર્થિક ભાગીદાર છે. આ સંદર્ભમાં પ્રમુખ લી સોમવારથી ન્યુયોર્કના પ્રવાસ પર જઈ રહ્યા છે. ત્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે અને સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરનાર પ્રથમ દક્ષિણ કોરિયન પ્રમુખ બનશે.
લીએ દેશની રાજનીતિ અને અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો
લી જે મ્યુંગનું જીવન સંઘર્ષોથી શરૂ થયું અને સિદ્ધાંતો સાથે આગળ વધ્યું. તેમણે પોતાનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું, બાળ મજૂર તરીકે કામ કર્યું. તેમણે પોતે અભ્યાસ કર્યો અને કાયદાની ડિગ્રી મેળવી. તેમણે માનવ અધિકાર વકીલ તરીકે શરુઆત કરી. ત્યારબાદ તેઓ સેઓંગનામના મેયર અને પછી ગ્યોંગગી પ્રાંતના ગવર્નર બન્યા.
પ્રમુખ બન્યા પછી લીએ દેશની રાજનીતિ અને અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, મારા અમેરિકા પ્રવાસ દરમિયાન હું વિશ્વને સંદેશ આપવા માગુ છું કે, ડેમોક્રેટિક કોરિયા પાછું આવી ગયું છે.