| (AI IMAGE) |
History of Greenland purchase offer: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવાની ઇચ્છાએ યુરોપ-અમેરિકા વચ્ચે તણાવ વધારી દીધો છે. જો કે, આ બર્ફીલા ટાપુને હસ્તગત કરવાનું અમેરિકન ડ્રીમ સેવનાર ટ્રમ્પ કંઈ પહેલા પ્રમુખ નથી. ભૂતકાળમાં અમેરિકાના અન્ય પ્રમુખો પણ ગ્રીનલૅન્ડને ખરીદવાની પેરવી કરી ચૂક્યા છે. આ માટે 10 કરોડ ડૉલર જેવી માતબર રકમ પણ ઑફર કરાઈ હતી. આમ છતાં અમેરિકાના પ્રયાસ કદી સફળ નથી થયા.
પહેલો પ્રયાસ થયો હતો 1867માં
ઈ.સ. 1867માં અમેરિકાએ રશિયા પાસેથી અલાસ્કા ખરીદ્યું હતું, ત્યારે તત્કાલીન વિદેશ મંત્રી વિલિયમ એચ. સેવર્ડે ગ્રીનલૅન્ડ અને આઇસલૅન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અલાસ્કાની ખરીદીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ટ્રેઝરી સેક્રેટરી રોબર્ટ વોકરે એ સમયે કહ્યું હતું કે, 'ગ્રીનલૅન્ડ મળવાથી આર્કટિક પ્રદેશને અડીને આવેલા દેશોમાં અમેરિકાનો વેપારી પ્રભાવ વધશે. એ સમયે પણ ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડના લોકોએ અમેરિકાના પ્રસ્તાવને નકારી દીધો હતો.'
બીજા વિશ્વયુદ્ધ પછી 10 કરોડ ડૉલરની તોતિંગ ઑફર
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ ડેનમાર્ક પર કબજો કરી લીધો હતો, એટલે જર્મની વહેલું-મોડું ગ્રીનલૅન્ડ પર પણ હુમલો કરે એવી પ્રબળ શક્યતા હતી. તેથી ગ્રીનલૅન્ડની સુરક્ષાની જવાબદારી અમેરિકાએ સ્વીકારી અને ત્યાં લશ્કરી થાણું બનાવ્યું. આ જ કારણસર ગ્રીનલૅન્ડ જર્મનીના હાથમાં જતું બચી ગયું. યુદ્ધ સમાપ્ત થયા પછી 1946માં ટાપુ ખાલી કરવાનો સમય આવ્યો, ત્યારે અમેરિકાએ ડેનમાર્કને ગ્રીનલૅન્ડ માટે 10 કરોડ ડૉલરની તોતિંગ રકમ ઑફર કરી. યુદ્ધમાં ખૂબ પાયમાલી વેઠી ચૂકેલા ડેનમાર્ક માટે આ રકમ ઘણી મોટી હતી. આમ છતાં ડેનમાર્કે એ ઑફર ઠુકરાવી દીધી હતી.
આ પણ વાંચો: કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
છેવટે અમેરિકાએ ગ્રીનલૅન્ડમાં લશ્કરી હાજરી રાખી
અમેરિકા ગ્રીનલૅન્ડ તો ન ખરીદી શક્યું, પણ નાટો(NATO)ના સભ્ય દેશ તરીકે તેણે ગ્રીનલૅન્ડમાં પોતાની લશ્કરી હાજરી જરૂર રાખી. ડેન્માર્ક એવું કરતા અમેરિકાને અટકાવી પણ ન શક્યું. 1943થી ત્યાં કાર્યરત પિટફિક સ્પેસ બેઝમાં અમેરિકાએ લશ્કરી હાજરી વધારી. શીત યુદ્ધ વખતે રશિયા પર નજર રાખવા અમેરિકા માટે ગ્રીનલૅન્ડનું લશ્કરી થાણું મહત્ત્વપૂર્ણ સાબિત થયું.
ટ્રમ્પે ફરી ગ્રીનલૅન્ડ મેળવવાની જૂની ઇચ્છા સજીવન કરી
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે તેમણે જાહેરમાં ગ્રીનલૅન્ડ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની દલીલ હતી કે, ગ્રીનલૅન્ડના ભૂગર્ભમાં મોટા પ્રમાણમાં ખનીજો અને દુર્લભ ધાતુઓ છે. આ ઉપરાંત આર્કટિક પ્રદેશમાં અમેરિકાની હાજરી વ્યૂહાત્મક બને એમ છે, પરંતુ ત્યારે પણ ડેનમાર્કની સરકાર અને પ્રજાએ અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
ટ્રમ્પ લશ્કરી કાર્યવાહી કરવા પણ તૈયાર
2025માં ફરી સત્તા પર આવ્યા બાદ ટ્રમ્પે ગ્રીનલૅન્ડવાળો મુદ્દો ફરી ઉઠાવ્યો છે. એટલું જ નહીં, ગ્રીનલૅન્ડ મુદ્દે તેમણે વધુ આક્રમક અભિગમ અપનાવ્યો છે. તેમણે અમેરિકન કોંગ્રેસને સંબોધતા કહ્યું હતું કે, 'મને લાગે છે કે આપણે ગ્રીનલૅન્ડને કોઈક રીતે મેળવીશું. આપણે ચોક્કસ મેળવીશું.'
આ પણ વાંચો: વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી 'કિંમત'!
આ 'કોઈક રીતે'માં મુખ્યત્વે બે વિકલ્પો છે
1. ડેન્માર્ક અને ગ્રીનલૅન્ડની સરકારને બાયપાસ કરીને સીધું ગ્રીનલૅન્ડના નાગરિકોને મસમોટી રકમ આપવી અને એ રીતે ગ્રીનલૅન્ડ ખરીદી લેવું. આ મુદ્દે હાલમાં જ ટ્રમ્પ વહીવટીતંત્ર વિચાર પણ કરતું હતું. જો કે, એમની આવી ઇચ્છા જાહેર થઈ જતાં ગ્રીનલૅન્ડના લોકો ગુસ્સે થયા છે. પૈસા લઈને દેશ વેચવાનો પ્રસ્તાવ ત્યાંના લોકોને અપમાનજનક લાગે છે. આવી કોઈપણ ઑફર નકારી કઢાશે એવું પણ તેઓ કહી ચૂક્યા છે.
2. પહેલો ઉપાય કારગર ન નીવડે તો પછી લશ્કરી કાર્યવાહી કરીને ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવો. આવો આક્રમક વિચાર કરનાર ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રમુખ છે. ટ્રમ્પ લશ્કરી નવાજૂની કરે એ પહેલાં અગમચેતી રૂપે યુરોપના દેશોએ પોતાના સુરક્ષા દળો ગ્રીનલૅન્ડ મોકલવા માંડ્યા છે. ટ્રમ્પે એ દેશો પર પચીસ ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાની ધમકી પણ આપી દીધી છે.
ગ્રીનલૅન્ડની મડાગાંઠ યુદ્ધમાં પરિણમશે?
ગ્રીનલૅન્ડ અને ડેનમાર્ક કોઈ કાળે અમેરિકા સામે ઘૂંટણ ટેકવવા તૈયાર નથી. લશ્કરી કાર્યવાહીના ડરથી કદાચ સરકાર ઝૂકી જવા તૈયાર થાય, તો પણ ગ્રીનલૅન્ડના 56,000 નાગરિકો શરણે આવવાના મૂડમાં નથી. યુરોપ પણ અમેરિકાની મનમાની સામે ટટ્ટાર ઊભું છે અને ટ્રમ્પની જીદથી તો આખી દુનિયા પરિચિત જ છે. ટ્રમ્પ ગ્રીનલૅન્ડમાં 'વેનેઝુએલાવાળી' કરતા ખચકાય નહીં, એવું પણ બની શકે છે. આ સ્થિતિમાં અમેરિકા અને યુરોપ વચ્ચે આક્રમક સંઘર્ષ છેડાઈ જાય તો નવાઈ નહીં. જો એવું થયું તો એ વિવાદના છાંટા આખી દુનિયા પર ઉડશે એમાં કોઈ શંકા નથી.


