| (IMAGE - IANS) |
Trump invites Pakistan to Gaza Peace Board: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર તાજેતરમાં વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લંચ કરીને ઉત્સાહમાં હતા, પરંતુ હવે ટ્રમ્પે તે લંચની ભારે કિંમત માંગી છે. ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફને નવા રચાયેલા 'ગાઝા પીસ બોર્ડ'માં સામેલ થવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાન માટે આ આમંત્રણ કોઈ સન્માન નથી, પરંતુ એક રાજદ્વારી ફાંસો સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ ઑફર સ્વીકારવી પાકિસ્તાન માટે આત્મઘાતી સાબિત થઈ શકે તેમ છે.
શું છે ટ્રમ્પનો 20 મુદ્દાનો શાંતિ પ્લાન?
ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝા માટે 20 મુદ્દાની શાંતિ યોજના લાવ્યા છે, જેના બીજા તબક્કામાં 'ગાઝા એક્ઝિક્યુટિવ બોર્ડ'ની રચના કરવામાં આવી છે. આ બોર્ડનું મુખ્ય કામ યુદ્ધ પછી ગાઝામાં શાસન વ્યવસ્થા અને સુરક્ષા જાળવવાનું રહેશે. ટ્રમ્પની રણનીતિ સ્પષ્ટ છે: તેઓ ઇચ્છતા નથી કે અમેરિકન સૈનિકો ગાઝાની ગલીઓમાં હમાસ સાથે લડે. તેથી, તેઓ શાંતિ સ્થાપવાના નામે મુસ્લિમ દેશોની સેનાઓને ગાઝામાં ઉતારવા માંગે છે. જો પાકિસ્તાન આ બોર્ડમાં જોડાય, તો તેણે મોડા-વહેલા પોતાની સેના ગાઝા મોકલવી પડશે.
પાકિસ્તાન માટે કેમ છે 'ડેથ વોરંટ'?
પાકિસ્તાન માટે સૌથી મોટો ડર એ છે કે જો તેની સેના ગાઝા જાય, તો તેણે હમાસ અને ઇસ્લામિક જેહાદ જેવા સંગઠનોને નિઃશસ્ત્ર કરવા પડશે. શું પાકિસ્તાની જનતા એ સ્વીકારશે કે તેમની ફોજ, જેને તેઓ 'ઇસ્લામની રક્ષક' માને છે, તે ગાઝામાં જઈને પેલેસ્ટાઇનીઓ કે હમાસના લડવૈયાઓ પર ગોળીબાર કરે? આ સ્થિતિ પાકિસ્તાનની અંદર જ આંતરવિગ્રહ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. પાકિસ્તાનમાં ઇઝરાયલ વિરોધી ભાવનાઓ ચરમસીમા પર છે અને જો સેના ઇઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત કરતી દેખાશે, તો શાહબાઝ સરકાર માટે ટકી રહેવું મુશ્કેલ બનશે.
આ પણ વાંચો: કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
પાકિસ્તાન માટે 'ના' કહેવું અશક્ય
બીજી તરફ, પાકિસ્તાન આ પ્રસ્તાવને ઠુકરાવી શકે તેમ પણ નથી. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યારે વેન્ટિલેટર પર છે અને તે IMF તથા અમેરિકાની મદદ પર નિર્ભર છે. ડોનાલ્ડ ટ્રમ્પ 'ના' સાંભળવાના આદિ નથી. જો પાકિસ્તાન આ ઓફર ઠુકરાવે, તો ટ્રમ્પ તેને અપમાન માની શકે છે, જેની સીધી અસર IMFના હપ્તા અને સૈન્ય મદદ પર પડી શકે છે. ટ્રમ્પ ઇચ્છે છે કે ગાઝાની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાન, તૂર્કીયે અને કતાર જેવા દેશો સંભાળે, જેથી જો લોહી વહે તો તે મુસ્લિમ દેશોના સૈનિકોનું વહે, અમેરિકનોનું નહીં.
ઇઝરાયલ અને હમાસ બંને નારાજ
આ વિવાદમાં રમૂજી પાસું એ છે કે ખુદ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ આ બોર્ડથી ખુશ નથી, કારણ કે તેમાં તૂર્કીયે અને કતાર જેવા દેશો છે. બીજી તરફ, પેલેસ્ટાઇની સંગઠન 'ઇસ્લામિક જેહાદ' આ બોર્ડને ઈઝરાયલનું કાવતરું ગણાવી રહ્યું છે. આમ, જે બોર્ડનો વિરોધ ઈઝરાયલ અને પેલેસ્ટાઇન બંને કરી રહ્યા છે, તેમાં જોડાઈને પાકિસ્તાન બંને બાજુથી પીસાશે તે નક્કી છે.


