| (IMAGE - IANS) |
Trump Arctic Strategy 2026: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પશ્ચિમ ગોળાર્ધમાં પોતાની પકડ મજબૂત કરવા માટે આક્રમક તેવર બતાવી રહ્યા છે. ગ્રીનલૅન્ડને ખરીદવાની ઇચ્છા બાદ હવે ટ્રમ્પનું ધ્યાન કેનેડાના આર્કટિક ક્ષેત્ર પર કેન્દ્રિત થયું છે. ટ્રમ્પને આશંકા છે કે કેનેડા પોતાની સરહદોની રક્ષા કરવામાં સક્ષમ નથી, જેના કારણે આ વિસ્તારમાં રશિયા અને ચીનનો પ્રભાવ વધી રહ્યો છે.
ચીન અને રશિયાના વધતા પ્રભાવથી ટ્રમ્પ ચિંતિત
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ તાજેતરના અઠવાડિયામાં પોતાના સહયોગીઓ સામે સતત ફરિયાદ કરી રહ્યા છે કે આર્કટિક ક્ષેત્રમાં અમેરિકા નબળું પડી રહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે રશિયા કે ચીનની કોઈપણ ઘૂસણખોરીને રોકવા માટે કેનેડાએ પોતાના સંરક્ષણ પર વધુ ખર્ચ કરવો જોઈએ. ટ્રમ્પ ઇચ્છે છે કે અમેરિકન અધિકારીઓ કેનેડામાં પોતાનો પ્રભાવ વધારે જેથી દુશ્મન દેશોને આ વિસ્તારથી દૂર રાખી શકાય.
શું કેનેડામાં અમેરિકન સૈનિકો તૈનાત થશે?
હાલના અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેનેડાની ઉત્તરી સરહદ પર અમેરિકન સૈનિકોની તૈનાતી અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. ગ્રીનલૅન્ડની જેમ ટ્રમ્પ કેનેડાને ખરીદવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ તેઓ આર્કટિકની સુરક્ષા વ્યૂહરચનાને લઈને કોઈ મોટો કરાર કરવાની તૈયારીમાં છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'ટ્રમ્પને ચિંતા છે કે અમેરિકા પશ્ચિમ ગોળાર્ધમાં પોતાની પકડ ગુમાવી રહ્યું છે.'
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ મિશન કે નવી સ્કીમ? ગાઝા બોર્ડની મેમ્બરશિપ માટે 9000 કરોડની ઉઘરાણી!
ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીથી પાડોશી દેશોમાં ફફડાટ
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અમેરિકા અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ દ્વારા તાજેતરમાં લેવાયેલા કેટલાક આક્રમક નિર્ણયોએ કેનેડાની સરકારની ચિંતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખ માદુરોને પકડીને અમેરિકા લાવવા અને ત્યાંના તેલ ઉદ્યોગ પર કબજો કરવાના આદેશ આપવાની સાથે ક્યુબા સરકારને પણ ખુલ્લેઆમ ધમકીઓ આપી છે. આ ઉપરાંત, મેક્સિકો અને કોલંબિયા જેવા દેશોમાં ડ્રગ સપ્લાય રોકવા માટે સૈન્ય હસ્તક્ષેપ કરવાની તેમની ચેતવણીએ પાડોશી દેશોમાં ફફડાટ ફેલાવ્યો છે, જેના કારણે કેનેડાને પણ પોતાની સરહદી સુરક્ષા અને સ્વાયત્તતા બાબતે ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે.
કેનેડા અને અમેરિકા વચ્ચે ગ્રીનલૅન્ડ મુદ્દે ખેંચતાણ
ટ્રમ્પનું કહેવું છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર કબજો કરે તો તે કેનેડાના હિતમાં પણ હશે, કારણ કે તેનાથી રશિયા-ચીન પર લગામ કસાશે. જોકે, કેનેડાના પીએમ માર્ક કાર્નીએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલૅન્ડનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ગ્રીનલૅન્ડ અને ડેનમાર્ક પાસે છે. કેનેડા આ મામલે ડેનમાર્કની સાથે ઊભું છે અને ટ્રમ્પના આ પ્લાનનો વિરોધ કરી રહ્યું છે.


