એક સમયે અમેરિકાએ જેને આતંકવાદી જાહેર કર્યો, તે હવે ટ્રમ્પનો ખાસ મહેમાન; UNGAમાં સામેલ થશે
US-Syria relations : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા સંભાળી છે, ત્યારથી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. હવે આમાં એક નવી ઘટના ઉમેરાઈ છે. વાસ્તવમાં અમેરિકાએ 2013માં એક વ્યક્તિને કુખ્યાત આતંકવાદી માની ‘સ્પેશિયલ ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કર્યો હતો. જોકે હવે અમેરિકાએ કુખ્યાત આતંકી માટે રેડ કાર્પેટ બિછાવી છે અને તેને સ્ટેટ ગેસ્ટ ઑનર આપી રહ્યું છે.
અમેરિકાએ 2013માં સિરિયન રાષ્ટ્રપ્રમુખને આતંકી જાહેર કર્યા હતા
અમે વાત કરી રહ્યા છીએ સિરિયાના રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ-શરાની... જેઓ સંયુક્ત રાષ્ટ્રની 80મી સામાન્ય સભામાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. લગભગ 58 વર્ષ બાદ સિરિયન વડાએ અમેરિકાની ધરતી પર પગ મૂક્યો હોય, તેવું પ્રથમવાર બન્યું છે. આ પહેલાં 1967માં રાષ્ટ્રપ્રમુખ નુરુદ્દીન અલ-અતાસીએ અમેરિકાની મુલાકાત લીધી હતી.
અહેમદ અલ-શરાની કરતૂત થ્રિલર ફિલ્મ
અલ-અતાસીએ સીરિયાની સત્તા ભોગવ્યા બાદ અલ-આસદ પરિવારે સત્તા સંભાળી અને દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યું. હવે અલ-શરા (Ahmed Al Sharaa)એ સત્તા પર કબજો જમાવ્યા બાદ અમેરિકા પહોંચ્યા છે. અહેમદ અલ-શરાની વાત કરીએ તો તેમની કરતૂત થ્રિલર ફિલ્મ જેવી છે. તેઓ એક દાયકા સુધી ઉત્તર સીરિયામાં બળવાખોર અને વિદ્રોહી સેનાની રહેલા છે. ઘણા વર્ષોના સંઘર્ષ બાદ તેમણે સિરિયાની સત્તા પર કબ્જો કર્યો અને ત્યાર બાદ પોતાની છબી સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો : તાલિબાને અફઘાનિસ્તાનના એરબેઝ મામલે ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી આપી, જાણો મામલો
અહેમદ અલ-શરા ટ્રમ્પ સાથે પણ કરી હતી મુલાકાત
આ વર્ષે મે મહિનામાં અલ-શરા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ને મળ્યા હતા. છેલ્લા 25 વર્ષમાં સિરિયન અને અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે યોજાયેલ GCCના સંમેલનમાં બંને વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રમ્પે સિરિયા પરના તમામ પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી હતી.
અલ-શરાની સરકાર પણ ગૃહયુદ્ધનો શિકાર
સત્તા સંભાળ્યા બાદ અલ-શરાની સરકાર પણ ગૃહયુદ્ધનો સામનો કરી રહી છે. જૂનમાં સુવૈદા વિસ્તારમાં હિંસક અથડામણો થઈ હતી. એટલું જ નહીં, ઈઝરાયલે પણ સિરિયાના વિસ્તારો પર અનેક વખત હુમલા કર્યા હતા.
આ પણ વાંચો : પુતિનની જાહેરાતથી અમેરિકાને રાહત, પરમાણુ હથિયાર કરાર મામલે લીધો મોટો નિર્ણય