યુક્રેનમાં રશિયાના આડેધડ હુમલા, સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટ પર ડ્રોન-મિસાઇલથી પ્રહાર
Image Source: Twitter
Russia Ukraine War: છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ હવે વધુ લંબાય તેવું નજર આવી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના અનેક પ્રયાસો છતાં શાંતિ સ્થાપિત નથી થઈ શકી. આવી સ્થિતિમાં બંને દેશો એકબીજાના સૈન્ય ઠેકાણા અથવા ઊર્જા માળખાને નિશાન બનાવીને પોતાના દુશ્મનને આર્થિક રીતે નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે તાજેતરમાં રશિયન સેનાએ અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટને નિશાન બનાવ્યા છે.
યુક્રેનના સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટ પર ડ્રોન-મિસાઇલથી પ્રહાર
એક અહેવાલ પ્રમાણે રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, 'યુક્રેન ઉપર આખી રાત અનેક પ્લેટફોર્મ પરથી મિસાઇલો અને લાંબા અંતરના ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ ડ્રોન અને મિસાઇલોએ સફળતાપૂર્વક તેમના લક્ષ્યોને ટારગેટ કર્યા અને મિશન સફળ બનાવ્યું.'
દેશના ગેસ પ્લાન્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
બીજી તરફ યુક્રેન દ્વારા પણ આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. યુક્રેનની સરકારી ઊર્જા કંપની નેફ્ટોગેઝે આ હુમલાને દેશના ગેસ પ્લાન્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. કંપનીએ કહ્યું કે રશિયન હુમલાઓથી તેને ખૂબ જ ગંભીર નુકસાન થયું છે.
યુક્રેનની રાજધાની કિવ પર હુમલો
રશિયા દ્વારા યુક્રેન પર સતત આ રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે. અહેવાલ પ્રમાણે 7 સપ્ટેમ્બરના રોજ રશિયાએ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે કિવમાં કુલ 11 કલાક સુધી સાયરન વાગતા રહ્યા હતા. આ હુમલા દરમિયાન રશિયાએ લગભગ 800થી વધુ ડ્રોન તહેનાત કર્યા હતા, જેમાંથી મોટાભાગનાને એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા, પરંતુ તેમ છતાં પણ તેમાંથી ઘણા રહેણાંક ઇમારતો અને સરકારી ઇમારતો સાથે અથડાયા પછી ફાટ્યા હતા. આના કારણે રાજધાની કિવમાં બે લોકોના મોત થયા હતા, જેમાં એક બાળક પણ સામેલ હતું.
આ પણ વાંચો: કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ
આ હુમલા અંગે યુક્રેનિયન વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રશિયાએ 810 ડ્રોન ઉપરાંત ચાર બેલિસ્ટિક મિસાઇલ અને નવ ક્રુઝ મિસાઇલ છોડી હતી. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા પ્રમાણે આ હુમલો જુલાઈમાં કરવામાં આવેલા હુમલા કરતાં પણ વધુ ભયાનક હતો.