VIDEO : બ્રિટનની ફ્લાઇટમાં ભારતીય યાત્રીનો હોબાળો, બોમ્બથી ઉડાડવાની આપી ધમકી
Indian Passenger Threatens in sky Emergency Landing: બ્રિટનના લ્યુટનથી ગ્લાસગો જઈ રહેલી ઇઝીજેટની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફ્લાઇટમાં એક વ્યક્તિ અચાનક જ 'અલ્લાહ હુ અકબર, ફ્લાઇટમાં બોમ્બ છે' જોરથી એવી બૂમો પાડવા લાગ્યો જેના કારણે પાઇલટને ગ્લાસગો એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તેમજ યાત્રીએ 'અમેરિકા મુર્દાબાદ' અને 'ટ્રમ્પ મુર્દાબાદ' જેવા નારા પણ લગાવ્યા હતા.
બ્રિટનની ફ્લાઇટને યાત્રીએ બોમ્બથી ઉડાડવાની ધમકી આપી
પ્રાથમિક માહિતી અનુસાર, આ વ્યક્તિ ટૉયલેટમાંથી બહાર આવીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યો હતો. આ જોઈને અન્ય યાત્રીઓએ તેને કાબૂમાં કર્યો. ત્યારબાદ ફ્લાઇટમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરવામાં આવી અને ATC (એર ટ્રાફિક કંટ્રોલ) નો સંપર્ક કરીને ગ્લાસગો એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ધમકી આપનાર અને વિરોધી નારા લગાવનાર યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની ઓળખ લુટનમાં રહેતા 41 વર્ષીય અભય દેવદાસ નાયક તરીકે થઈ છે.
ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનાર આરોપીની ધરપકડ
આ ઘટના પછી, આરોપીને ગ્લાસગો એરપોર્ટ પર ઉતરતા જ ઝડપી લેવામાં આવ્યો. સોમવારે તેને પેસ્લે શેરિફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેના પર હુમલો કરવા અને વિમાનની સુરક્ષાને જોખમમાં મૂકવા બદલ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ સ્કોટલેન્ડમાં ગંભીર ગુનાઓની સુનાવણી માટે અપનાવવામાં આવતી 'સોલમ્ન પ્રક્રિયા' હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે. હાલ નાયકે પોતાનો કોઈ ગુનો કબૂલ કર્યો નથી અને અદાલતે તેને કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે તેને 5 ઓગસ્ટે કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ફ્લાઇટમાં થયેલી ઘટના
રવિવારે સવારે 7 વાગ્યે લુટનથી ગ્લાસગો જવા માટે ફ્લાઇટ રવાના થઈ હતી. વચ્ચે રસ્તામાં નાયક અચાનક ટૉયલેટમાંથી બહાર નીકળીને મોટેથી બૂમો પાડવા લાગ્યો. તેણે કહ્યું, 'હું ફ્લાઇટમાં બોમ્બ લગાવીશ! અમેરિકા મુર્દાબાદ! ટ્રમ્પ મુર્દાબાદ! અલ્લાહુ અકબર!' તે મહિલા એર હોસ્ટેસને ધક્કા મારી રહ્યો હતો અને ખૂબ આક્રમક થઈ ગયો હતો. આ કૃત્યથી મુસાફરોમાં દહેશત ફેલાઈ ગઈ.
ફ્લાઇટમાં બેઠેલા એક પુરુષ યાત્રીએ તરત જ સ્થિતિને સંભાળીને નાયકને પકડીને નીચે પાડી દીધો અને તેને જમીન પર દબાવી રાખ્યો. અન્ય બે પુરુષ યાત્રીઓએ પણ મદદ કરી. નાયકના ખિસ્સાની તલાશી લેવામાં આવી અને તેના બેગની પણ તપાસ કરવામાં આવી. એક યાત્રીએ જણાવ્યું કે તેની પાસે શરણાર્થી ઓળખપત્ર હતું અને તે ભારતીય નાગરિક લાગી રહ્યો હતો. પૂછવા પર તેણે કહ્યું, 'હું ટ્રમ્પને સંદેશ આપવા માંગતો હતો.'
કાઉન્ટર ટેરરિઝમ યુનિટ આ મામલાની તપાસ કરી રહ્યું છે
ફ્લાઇટને ગ્લાસગો એરપોર્ટના એક દૂરના હિસ્સામાં ઉતારવામાં આવી, જ્યાં ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ પહેલાથી હાજર હતી. નાયકને હથકડી પહેરાવીને નીચે ઉતારવામાં આવ્યો. હવે કાઉન્ટર ટેરરિઝમ યુનિટ આ મામલાની તપાસ કરી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો ફૂટેજનું વિશ્લેષણ કરી રહ્યું છે.