- તાલિબાનો અલકાયદા આતંકીઓને શસ્ત્રો અને નાણાં આપે છે
- સંયુક્ત રાષ્ટ્રોના જણાવ્યા પ્રમાણે અલકાયદાના આતંકીઓની સંખ્યા 25,000 જેટલી પહોંચી છે, તે જોર શોરથી યુવાનોની ભરતી કરી રહ્યું છે
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રોએ વિશ્વભરને અલકાયદાનાં ફરી ઉદ્ગમ સામે ચેતવ્યું છે તેના આતંકીઓની સંખ્યા અત્યારે વધીને ૨૫,૦૦૦ જેટલી પહોંચી છે જે ૯/૧૧ (સપ્ટે. ૧૧,૨૦૦૧) કરતાં ૫૦ ગણી વધી છે. આ આતંકી જૂથે તેની કાર્યવાહી અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી વિસ્તરી છે તેટલું જ નહીં પરંતુ તેના અગ્રણીઓ જોરશોરથી યુવાનોની ભરતી કરી રહ્યા છે.
આ માહિતી આપવા સાથે સંયુક્ત રાષ્ટ્રો જણાવે છે કે અંતર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધક પગલાં લેવાયાં હોવા છતાં આ આતંકી જૂથ સતત વિસ્તરી રહ્યું છે. તેટલું જ નહીં પરંતુ પ્રમાણમાં ઘણું બળવાન પણ બની ગયું છે.
તે સર્વવિદિત છે કે ૨૦૦૧ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે આ જૂથના બે આતંકીઓએ ન્યૂયોર્ક સ્થિતવર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે બે વિમાનો અથડાવી તે ધ્વસ્ત કરી નાખ્યા હતા. જેમાં ૩,૦૦૦થી વધુનાં મૃત્યુ થયાં હતાં.
ધી ટાઈમ્સ (લંડન), અને યુએનની મોનીટરીંગ ટીમે તારણ આપ્યું છે ૯/૧૧ના દિવસે અલકાયદા પાસે માત્ર ૫,૦૦૦ જ આતંકીઓ હતા. જે સંખ્યા અત્યારે વધીને ૨૫,૦૦૦ થઇ છે. આ આંકડા બ્રિટનની લસ્કરી જાસૂસી સંસ્થા મીલિટરી ઇન્ટેલિજન્સ-૬ (એમ.આઈ.-૬) દ્વારા અપાયા છે.
સંયુક્ત રાષ્ટ્રોએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે અલકાયદાએ હજી હથિયારો હેઠાં મુક્યાં જ નથી. હકીકતમાં તેઓ દુનિયામાં કોઈ પણ સ્થળે કોઈપણ સમેય પ્રચંડ હુમલો કરવાની પેરવી કરી રહ્યા છે. યુએનની મોનિટરીંગ ટીમના ચીફ કોલિન સ્મિથે કહ્યું છે કે તેઓ ષડયંત્રો ઘડી જ રહ્યા છે, તેમનો ભય હજી ઝળુંબે જ છે. તે પ્રત્યે બેધ્યાન રહેશું તો તે ભયપ્રદ બની રહેશે.
અલકાયદાના અગ્રણીઓ સ્થાનિક ગરીબ યુવાનોને આર્થિક મદદ કરી (તેમનાં કુટુમ્બને પણ આર્થિક મદદ કરી) પોતાની તરફ ખેંચે છે. યુવાનો, માત્ર ધાર્મિક ઝનૂનથી જ નહીં પરંતુ પૈસાની લાલચથી તેમાં જોડાય છે.
અફઘાનિસ્તાનમાંથી વધુને વધુ યુવાનોને ખેંચવામાં આવે છે. યુએનની સિક્યુરીટી કાઉન્સીલ જણાવે છે કે તાલિબાન ભલે કહે કે તે અલકાયદાને સહાય કરતા નથી, પરંતુ હકીકત તે છે કે અલકાયદાને તાલિબાનો જ સતત આર્થિક અને શસ્ત્રોની મદદ કરે છે.


