World

AIના કારણે 2027માં કોરોનાથી પણ વધુ મોત થઈ શકે! 3 ભયાનક ખતરાને જોતાં 14 દિવસનું ભંડોળ રાખજો: નિષ્ણાતોની ચેતવણી

By GS Team
28 Nov 20263 mins read
TukuTouch Logo
AIના ઝડપી વિકાસથી માનવજાતિ પર કોરોના કરતા પણ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. વૈજ્ઞાનિક નિકોલા યુરકોવિચે ચેતવણી આપી છે કે 2027 સુધીમાં AI બેકાબૂ બની જૈવિક હથિયારો બનાવવામાં મદદ કરી લાખો લોકોનો ભોગ લઈ શકે છે. તેમણે 14 દિવસનો ખોરાક, પાણી અને રોકડ ઘરમાં રાખવાની સલાહ આપી છે. 2030 સુધીમાં માનવજાતના અસ્તિત્વ સામે 50% જોખમ હોવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AIના કારણે 2027માં કોરોનાથી પણ વધુ મોત થઈ શકે! 3 ભયાનક ખતરાને જોતાં 14 દિવસનું ભંડોળ રાખજો: નિષ્ણાતોની ચેતવણી

Artificial Intelligence Global Threat Warning : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઝડપથી થતો વિકાસ ભવિષ્યમાં માનવજાત માટે કોરોના મહામારી કરતાં પણ મોટું સંકટ ઊભું કરી શકે છે. GPT-5ની સુરક્ષા તપાસ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક નિકોલા યુરકોવિચે AIના બેકાબૂ થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે AIની મદદથી ગુનેગારો જૈવિક હથિયારો બનાવવાની ટેકનિક સુધી પહોંચી શકે છે, જે મોટા પાયે વિનાશનું કારણ બની શકે છે. તેમના અંદાજ મુજબ, 2027માં આ પ્રકારના જોખમથી લાખો લોકોના જીવ જઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના આંકડા અનુસાર, કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં 71 લાખથી વધુ મૃત્યુ નોંધાયા હતા. જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહામારીને કારણે વાસ્તવિક મૃત્યુઆંક 2 કરોડથી વધુ હોઈ શકે છે. AIના જોખમ અંગે ચેતવણી આપતા નિષ્ણાતો તેને ભવિષ્યના મોટા વૈશ્વિક સંકટ તરીકે જોઈ રહ્યા છે. નિકોલા યુરકોવિચે ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમ ઠપ થવાની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે લોકોને સંભવિત કટોકટી માટે ઘરમાં 14 દિવસનો ખોરાક, પાણી અને રોકડ રાખવાની સલાહ આપી છે. તેમના મતે, AI પર માનવ નિયંત્રણ નબળું પડી રહ્યું છે. આ વર્ષે AIના કારણે કંપનીઓની કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી અને આર્થિક નુકસાન જેવી ઘટનાઓ પણ સામે આવી છે.

2030ના અંત સુધી માનવજાતના અસ્તિત્વ સામે જોખમ?

યુર્કોવિચના જણાવ્યા અનુસાર, જો AIના વિકાસની ગતિ પર નિયંત્રણ નહીં આવે તો 2030ના અંત સુધીમાં માનવજાતના અસ્તિત્વ પર જોખમ ઊભું થવાની અથવા AI પર નિયંત્રણ ગુમાવવાની આશંકા 50 ટકા સુધી હોઈ શકે છે. તેમણે એવો પણ અંદાજ વ્યક્ત કર્યો છે કે જો માનવજાત આ જોખમમાંથી બચી જશે તો આગામી 10 વર્ષમાં હાલની મોટાભાગની નોકરીઓનું સ્વરૂપ બદલાઈ શકે છે અથવા તે નોકરીઓ અસ્તિત્વમાં નહીં રહે.

અન્ય નિષ્ણાતોએ પણ AIના વિકાસની ગતિ ધીમી કરવાની સલાહ આપી
યોશુઆ બેન્ઝિયો, AI ક્ષેત્રના અગ્રણી વૈજ્ઞાનિક: તેમના મતે, આપણે ઝડપથી એવા AI સિસ્ટમ્સ બનાવી રહ્યા છીએ જેના પર નિયંત્રણ રાખવાની ક્ષમતા હજુ વિકસાવી શક્યા નથી. આ સ્થિતિ માનવજાત માટે જોખમ ઊભું કરી શકે છે.

જેફ્રી હિન્ટન, નોબેલ વિજેતા: તેમણે પણ AIના ઝડપથી થતા વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, આગામી ત્રણ વર્ષમાં AI માનવજાત માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેને નિયંત્રિત કરવાની રીત શોધવી જરૂરી છે.


AI પોતે હથિયારો અને ડ્રોન વિકસાવી શકે તેવી આશંકા

નિષ્ણાતોને આશંકા છે કે ભવિષ્યમાં AI પોતાની ક્ષમતાથી નવા હથિયારો વિકસાવી શકે છે અને ડ્રોન તથા રોબોટ્સની મદદથી મહત્વપૂર્ણ સ્થળો પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે. AIનો ઉપયોગ જોખમી જૈવિક હથિયારો બનાવવા માટે પણ થઈ શકે છે.AI સેફ્ટી નિષ્ણાત અને એલેન્મેન્ટ રિસર્ચ સેન્ટરના સ્થાપક પૉલ ક્રિસ્ટિયાનોના મતે, જો AI પોતાની રીતે નિર્ણયો લેવાનું શરૂ કરે અને માણસોને પોતાના કામમાં અવરોધરૂપ માનવા લાગે તો તેને રોકવું મુશ્કેલ બની શકે છે. AIનો વિકાસ આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી અને અર્થતંત્રમાં નવી તકો ઊભી કરી રહ્યો છે, પરંતુ તેની સુરક્ષા, નિયંત્રણ અને જવાબદારી અંગે વૈશ્વિક સ્તરે ચર્ચા પણ એટલી જ જરૂરી બની રહી છે.