ઇઝરાયલને મોટો ઝટકો! દુનિયા પર 'રાજ' કરી ચૂકેલો દેશ પેલેસ્ટાઇનને માન્યતા આપવા તૈયાર
British PM Keir Starmer On Gaza War: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે મંગળવારે જણાવ્યું હતું કે, જો ઇઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામની દિશામાં પહેલ નહીં કરે તો બ્રિટન સપ્ટેમ્બરમાં યુએન મહાસભામાં પેલેસ્ટાઇનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સંબોધન આપતાં હમાસને આદેશ આપ્યો છે કે, તે 7 ઑક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવેલા તમામ ઇઝરાયલી બંધકોને તાત્કાલિક ધોરણે મુક્ત કરે. યુદ્ધવિરામ પર તાત્કાલિક ધોરણે સહમત થાય તેમજ હથિયારોનો ત્યાગ કરવા પ્રતિબદ્ધતા દર્શાવે ઉપરાંત, ગાઝાની શાસન વ્યવસ્થામાં તમામ ભૂમિકામાંથી પીછેહઠ કરે.
પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની તૈયારી
કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું હંમેશા કહું છુ કે, અમે પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા ત્યારે જ આપીશું, જ્યારે બંને દેશ સમાધાન માટે અસરકારક નિર્ણય લે. તેઓ વાસ્તવમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં યોગદાન આપે. હવે જ્યારે બે રાષ્ટ્રના સિદ્ધાંતો પર જોખમ વધ્યું છે, ત્યારે સમય આવી ગયો છે કે, આપણે કાર્યવાહી કરવી જોઈએ. શાંતિની દિશામાં આ પ્રક્રિયા હેઠળ હું ખાતરી આપુ છું કે, જો ઇઝરાયલ સરકાર ગાઝામાં ભયાવહ સ્થિતિ દૂર કરવા નક્કર પગલાં નહીં લે અને યુદ્ધવિરામ પર સહમતિ નહીં દર્શાવે તો બ્રિટન સપ્ટેમ્બરમાં યુએન મહાસભામાં પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. ઇઝરાયલે ટકાઉ શાંતિ માટે પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે.
આ પણ વાંચોઃ VIDEO : બ્રિટનની ફ્લાઇટમાં ભારતીય યાત્રીનો હોબાળો, બોમ્બથી ઉડાડવાની આપી ધમકી
સપ્ટેમ્બરમાં કરશે આંકલન
બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું કે, તેમની અપીલમાં યુએનને ફરીથી સહાયતા પૂરી પાડવા મંજૂરી આપવાનો તેમજ પશ્ચિમી તટ પર કોઈ કબજો નહીં કરવાની બાબતો સમાવિષ્ટ છે. સપ્ટેમ્બરમાં અમે આંકલન કરીશું કે, બંને પક્ષોએ અમારી શરતોને પરિપૂર્ણ કરી છે કે નહીં. સોમવારે સ્કોટલૅન્ડમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેનાથી ગાઝામાં માનવતાવાદી પુરવઠો ફરી શરુ કરવાના મોટા પ્રયાસનો માર્ગ મોકળો થયો હતો. અમારું લક્ષ્ય એક સુરક્ષિત ઇઝરાયલ તેમજ એક સક્ષમ અને સાર્વભૌમ પેલેસ્ટાઇન દેશનું છે. હાલ આ લક્ષ્ય અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
આ વિકાસ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલ પર દબાણ લાવવા માટે પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરનાર પ્રથમ G-7 દેશ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રથમ કાયમી સભ્ય બનવાના નિર્ણય પછી થયો છે.