World

41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું: એર ઇન્ડિયા 'કનિષ્ક' બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું સ્વીકાર્યું!

By GS Team
26 Jun 20263 mins read
TukuTouch Logo
કેનેડાએ 1985ના એર ઇન્ડિયા કનિષ્ક ફ્લાઇટ 182 બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાનું 41 વર્ષે સ્વીકાર્યું છે. 23 જૂન, 1985ના રોજ મોન્ટ્રિયલથી મુંબઈ જતી ફ્લાઇટ એટલાન્ટિક મહાસાગર પર 31,000 ફૂટની ઊંચાઈએ ઉડતી હતી ત્યારે બબ્બર ખાલસાના આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 329 નિર્દોષ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના કેનેડિયન નાગરિકો હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું: એર ઇન્ડિયા 'કનિષ્ક' બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું સ્વીકાર્યું!
(IMAGE - IANS)

Air India Kanishka Flight 182: વર્ષ 1985માં થયેલા એર ઈન્ડિયાના વિમાન બ્લાસ્ટ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે એક બહુ મોટો ખુલાસો થયો છે. કેનેડાની સરકારી એજન્સીએ આખરે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે કે આ ભયાનક આતંકી હુમલા પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો જ હાથ હતો. ભારત શરૂઆતથી જ આ વલણ પર કાયમ હતું, પરંતુ કેનેડાએ આ સત્ય સ્વીકારવામાં 41 વર્ષ જેટલો લાંબો સમય લગાડી દીધો. કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) દ્વારા આ હુમલાને તેમના દેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવવામાં આવ્યો છે.

શું હતી આખી ઘટના અને કેટલો મોટો હતો આતંકનો આંકડો?

આ ઘટના 23 જૂન, 1985ના રોજ ઘટી હતી. કેનેડાના મોન્ટ્રિયલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 (સમ્રાટ કનિષ્ક)એ મુંબઈ આવવા માટે ટેક ઓફ કર્યું હતું, જેનું લંડનમાં હોલ્ટ હતું. આ વિમાન જ્યારે આઇરિશ કોસ્ટથી આશરે 200 માઇલ દૂર એટલાન્ટિક મહાસાગર પર 31,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું, ત્યારે અચાનક રડારમાંથી ગાયબ થઈ ગયું. આતંકી સંગઠન 'બબ્બર ખાલસા'ના આતંકવાદીઓએ વિમાનના કાર્ગો હોલ્ડ (સામાન રાખવાની જગ્યા)માં બોમ્બ ગોઠવ્યો હતો. હીથ્રો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થાય તેના 45 મિનિટ પહેલા જ હવામાં આ બોમ્બ ફાટ્યો અને 82 બાળકો તેમજ 4 નવજાત શિશુઓ સહિત કુલ 329 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માત સમુદ્રની ઉપર થયો હોવાથી એટલાન્ટિક મહાસાગરમાંથી માત્ર 131 મૃતદેહ જ મળી શક્યા હતા.

કેનેડાની એજન્સીએ સોશિયલ મીડિયા પર શું સ્વીકાર્યું?

આતંકવાદના પીડિતોની યાદમાં મનાવવામાં આવતા રાષ્ટ્રીય દિવસ પર CSISએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાત જાહેર કરી છે. એજન્સીએ લખ્યું કે, '23 જૂન, 1985ના રોજ કેનેડામાં સક્રિય ખાલિસ્તાની ચરમપંથીઓએ વિમાનમાં બોમ્બ મૂક્યો હતો, જેના કારણે તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના કેનેડિયન નાગરિકો હતા. તે સમયે CSISની સ્થાપનાને 1 વર્ષથી પણ ઓછો સમય થયો હતો અને આ ભયાનક ટ્રેજેડીએ તેમની સુરક્ષા વ્યવસ્થાના વિકાસને એક નવી દિશા આપી હતી.'

આ પણ વાંચો: 'પહેલા અમારું અનાજ ખરીદો…' ઈરાનને 12 બિલિયન ડોલર આપતા પહેલા ટ્રમ્પની આકરી શરત

કેનેડિયન પીએમનું નિવેદન અને તે જ દિવસે થયેલો બીજો બ્લાસ્ટ

કેનેડાના પીએમ માર્ક કાર્નીએ પણ આ હુમલાને દેશના ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, 'અમારો દેશ તમામ પ્રકારના આતંકવાદની વિરુદ્ધ છે.' ઉલ્લેખનીય છે કે કેનેડા સરકારે 2005માં સત્તાવાર રીતે 23 જૂનને આતંકવાદના પીડિતોની યાદમાં 'રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ' જાહેર કર્યો હતો.

આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તે જ દિવસે આ ફ્લાઈટ બ્લાસ્ટના 1 કલાક પહેલા જાપાનના ટોક્યો એરપોર્ટના બેગેજ એરિયામાં પણ એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ બંને હુમલાઓનો કનેક્શન એક જ હતો અને તે પણ બબ્બર ખાલસા સંગઠને જ કર્યો હતો, પરંતુ સદનસીબે તે બેગ પ્લેનમાં ચઢે તે પહેલા જ એરપોર્ટ પર ફાટી ગઈ હતી.

41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું: એર ઇન્ડિયા 'કનિષ્ક' બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું સ્વીકાર્યું! | Gujarat Samachar