અમારી ધીરજની કસોટી ના કરો, જડબાતોડ જવાબ આપીશું... અફઘાનિસ્તાનની પાકિસ્તાનને ધમકી

Afghanistan Threatens Pakistan : પાકિસ્તાનને ભારત સાથે જેવું વેર છે, એવું જ વેર અફઘાનિસ્તાન સાથે પણ છે. બંને દેશો વચ્ચે હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. એવામાં અફઘાનિસ્તાનના ગૃહમંત્રી ખલીફા સિરાજુદ્દીન હક્કાનીએ સોમવાર, 3 નવેમ્બર, 2025ના રોજ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો અફઘાન લોકોની સહનશીલતા અને ધીરજની ફરી પરીક્ષા લેવામાં આવશે, તો તેના પરિણામ વિનાશક હશે.
શસ્ત્રો નહીં, પણ સંકલ્પ મજબૂત છે
હક્કાનીએ સ્વીકાર્યું હતું કે, અફઘાનિસ્તાન પાસે લોન્ગ રેન્જ મિસાઈલો કે અત્યાધુનિક શસ્ત્રો નથી. પરંતુ તેમણે પોતાના દેશના સંકલ્પ અને ઇરાદાની શક્તિ વિશે બોલતાં જણાવ્યું હતું કે, ‘અમારી જમીનનું રક્ષણ કરવું અમારા માટે સૌથી મહત્ત્વનું છે. અમે દુનિયાના વિશાળ રાજવી સામ્રાજ્યો સામે પણ લડ્યા છીએ, તેથી કોઈ અમારા પર આક્રમણ કરશે તો અમારી ધરતીની સુરક્ષા કરવી અમારા માટે કોઈ અઘરું કાર્ય નથી.’
'તમારી સમસ્યાઓ અમારે માથે ન મારો'
હક્કાનીએ કતાર અને તુર્કીમાં થયેલી પાકિસ્તાન સાથેની બેઠકોનો સંદર્ભ આપતાં પાકિસ્તાન પર આરોપ મૂકતાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાને તેની આંતરિક મુશ્કેલીઓને અફઘાનિસ્તાન સાથે જોડવાનું બંધ કરવું જોઈએ. પાકિસ્તાનની સમસ્યાઓ પાકિસ્તાનની જ છે. તમે તેને અમારા પર થોપવાનો પ્રયત્ન ન કરો.’
આ પણ વાંચો : પાકિસ્તાન પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
પાક-અફઘાન સરહદે ઘર્ષણ મચેલું છે
હક્કાનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખરાબ છે. બંને દેશો વચ્ચે સરહદ પર ઘર્ષણ ચાલી રહ્યું છે. અગાઉ પાકિસ્તાન દ્વારા કાબુલ, ખોસ્ત, જલાલાબાદ અને પક્તિકા પ્રદેશોમાં હવાઈ હુમલા કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનનો દાવો હતો કે, એ હુમલા તાલિબાન વિરોધી ગુટ (TTP) ના ઠેકાણાઓ પર કરાયા હતા. જવાબમાં તાલિબાન સેનાએ ‘સ્પિન બોલ્ડક ચમન’ સરહદ પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં 23 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 29 ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે તણાવનું ઠીકરૂં ભારતના માથે ફોડ્યું, મૂક્યો ષડયંત્રનો આરોપ

